News of Friday, 17th April 2026
બળજબરીથી ધર્મપરિવર્તનને ત્રાસવાદી કૃત્ય જાહેર કરવા સુપ્રીમમાં અરજી
નાશિકના ટીસીએસ કેસને પગલે કરાયેલી અરજીમાં કેન્દ્ર, રાજ્યોને ધર્માંતરણ અટકાવવા નિર્દેશ આપવા માગ

નવી દિલ્હી તા.૧૭: વિશ્વની ટોચની સોફટવેર કંપનીઓમાં સામેલ ટાટા ગ્રૂપની સોફટવેર કંપની ટીસીએસની નાશિક સ્થિત ઓફિસમાં હિન્દુ યુવક-યુવતીઓના બળજબરીથી કરાતાં ધર્માંતરણ તથા જાતીય સતામણીનો ખુલાસો થતાં સમગ્ર દેશમાં હોબાળો મચી જવા પામ્યો છે. આ મામલાને પગલે છળકપટથી કરવામાં આવતાં ધર્માંતરણને ત્રાસવાદી કૃત્ય ગણવા માટે સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરાઈ છે. અરજીમાં આ પ્રકારના ધર્માંતરણ પર અંકુશ મુકવા માટે સર્વોચ્ચ અદાલતને નિર્દેશ જારી કરવા માગ કરાઈ છે.
વરિષ્ઠ વકીલ અશ્વિની ઉપાધ્યાય દ્વારા કરાયેલી અરજીમાં જણાવ્યાં અનુસાર, છેતરપિડીથી કરાતું ધર્મપરિવર્તન એ સાર્વભૌમત્વ, બિનસાંપ્રદાયિકતા, લોકશાહી તથા સ્વતંત્રા સામે સૌથી મોટું જોખમ હોવાની સાથે સાથે જ સમુદાય, આત્મસન્માન, એકતા તથા વિશ્વસનીયતા માટે પણ નુકસાનકાર છે.
અરજીમાં ધર્માંતરણ અટકાવવા માટે આકરાં પગલાં લેવા કેન્દ્ર અને રાજ્ય સરકારોને નિર્દેશ આપવા પણ માગ કરાઈ છે. અરજીમાં જણાવ્યાં અનુસાર, નાસિકમાંથી બહાર આવેલાં પદ્ધતિસર અને આયોજનબદ્ધના ધર્માંતરણના કિસ્સાએ દેશભરના નાગરિકોના આત્માને હચમચાવી નાખ્યો છે. બળજબરીથી કરાતું ધર્માંતરણ જ્યારે પદ્ધતિસર, સંગઠિત ધોરણે જબરદસ્તીના અભિયાનના ભાગરૂપે કરાય તો તે ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ ૧૧૩ અંતર્ગત ત્રાસવાદી કૃત્યની વ્યાખ્યામાં ગણાય. અરજીમાં વધુમાં જણાવ્યાં અનુસાર, યુએપીએ (અનલોફુલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન)) એક્ટ, ૧૯૬૭ની કલમ ૧૫ની જોગવાઈ મુજબ, જબરદસ્તીથી/ છળકપટથી કરવામાં આવતું ધર્મપરિવર્તન એ કોઈ એકલ-દોકલ ધાર્મિક કાર્ય નહીં બલ્કે, સામાન્ય રીતે વિદેશી સંસ્થાઓ દ્વારા દેશના વસ્તી સંતુલનમાં ફેરફાર કરી, ભારતની એક્તા, અખંડિતતા તથા સુરક્ષાને જોખમમાં મુકવાનું કૃત્ય છે. આમ આ કૃત્ય યુએપીએ હેઠળ ત્રાસવાદી કૃત્યની શ્રેણીમાં આવે છે.
(10:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
