તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 10th November 2026
ક્રૂડ ઓઈલના ઘટેલા ભાવથી પેટ્રોલ-ડીઝલ સસ્તાં થવાની આશા: વૈશ્વિક બજારમાં કિંમતો તૂટતા મોટી રાહત
આંતરરાષ્ટ્રીય સ્તરે બ્રેન્ટ ક્રૂડ ૯૦ ડોલરથી નીચે સરકતા અને મધ્ય પૂર્વમાં સપ્લાય સુધરતા સામાન્ય ગ્રાહકોમાં ખુશીની લહેર

નવી દિલ્હી : જો બધું જ સમુંસૂતરું પાર પડશે તો આગામી કેટલાક મહિનાઓમાં દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે, જેની સીધી અસર સ્થાનિક બજાર પર પડવાની પૂરી શક્યતા છે. જો આ જ રીતે ક્રૂડ ઓઈલના ભાવ ઘટતા રહેશે તો ટૂંક સમયમાં જ ઈંધણના રેટ નીચે આવી શકે છે, જેનાથી સામાન્ય જનતાને મોંઘવારીમાંથી મોટી રાહત મળશે.
વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડની કિંમત ગયા ઓગસ્ટ મહિના પછી પહેલીવાર પ્રતિ બેરલ ૯૦ ડોલરની સપાટીથી નીચે સરકી ગઈ છે. મંગળવારના ટ્રેડિંગ દરમિયાન કિંમતોમાં ૩ ટકાથી વધુનો તીવ્ર ઘટાડો નોંધાયો હતો, જ્યારે અમેરિકામાં ગેસોલીનની કિંમત પણ જુલાઈ પછી પ્રથમ વખત ૪ ડોલર પ્રતિ ગેલનથી નીચે આવી ગઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઓક્ટોબરના અંતમાં ક્રૂડના ભાવ છેલ્લા છ મહિનાની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા હતા, પરંતુ હવે વૈશ્વિક રાજકારણ અને આર્થિક પરિબળોને કારણે તેમાં ભારે નરમાઈ આવી છે.
આ ઘટાડા પાછળ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એ સંકેતો જવાબદાર છે જેમાં તેમણે ઈરાન સામે વધારાની લશ્કરી કાર્યવાહીની જરૂર ન હોવાનું જણાવ્યું હતું. અમેરિકામાં મિડટર્મ ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીને ઝટકો લાગ્યા બાદ ટ્રમ્પ પર યુદ્ધ સમાપ્ત કરવા માટેનું દબાણ વધ્યું છે, જેના કારણે બજારના જાણકારો માને છે કે હવે સૈન્ય હસ્તક્ષેપની શક્યતાઓ ઓછી થઈ છે અને ટ્રેડર્સ તેલના ભાવ ઘટવાની અપેક્ષા રાખી રહ્યા છે.
આ ઉપરાંત, તણાવ અને યુદ્ધ છતાં મધ્ય પૂર્વમાંથી તેલનો પુરવઠો સંપૂર્ણપણે અબાધિત રહ્યો છે અને સ્ટ્રેટ ઑફ હોર્મુજમાંથી જહાજોની આવાજાહી સામાન્ય થઈ ગઈ છે. સાઉદી અરેબિયાની શિપિંગ કંપની 'બહેરી' પણ યુએસ સૈન્ય સાથે સંકલન કરીને આ દરિયાઈ માર્ગે ઓઈલ ટેન્કરો મોકલી રહી છે, જોકે હજુ પણ સુરક્ષા અંગેની સાવચેતી જાળવવામાં આવી રહી છે. આગામી સમયમાં ઓપેક દેશોની બેઠક અને વૈશ્વિક માંગના આંકડાઓને આધારે ઓઈલ માર્કેટની સ્થિતિ વધુ સ્પષ્ટ થશે, જે પેટ્રોલ-ડીઝલના અંતિમ ભાવ નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
(11:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
