<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th July 2026

ક્રૂડ ઓઈલના ભાવમાં કડાકો છતાં પેટ્રોલ-ડિઝલના ભાવ આસમાને

યુદ્ધના કારણે ભડકે બળેલા ભાવ હજૂ વાહન ચાલકોને દઝાડી રહ્યાં છે : સરકારી કંપનીઓ પેટ્રોલના પ્રતિ લિટરે રૂ.૧૦૧.૪૬ અને ડીઝલના ૯૭.૫૭ વસૂલે છે

નવી દિલ્‍હી,તા.૦૬: ખાડી દેશોમાં યુદ્ધના અંત બાદ છેલ્‍લા કેટલાક દિવસોથી આતંરાષ્ટ્રીય સ્‍તરે કુડ ઓઈલના ભાવમાં ભારે કડાકો બોલ્‍યો હોવા છતાં સરકારી ઓઈલ કંપનીઓએ પેટ્રોલ - ડિઝલના ભાવમાં ઘટાડો કર્યો નથી. યુદ્ધ બાદ વધારી દેવામાં આવેલા ઈધણના ભાવ આજે પણ વાહન ચાલકોને દઝાડી રહ્યાં છે.

એક સમયે યુદ્ધ દરમિયાન ક્રુડ ઓઈલનો પ્રતિ બેરલ ભાવ ૧૦૦થી ૧૨૦ ડોલર સુધી પહોંચી ગયો હતો. તે વખતે પેટ્રોલનો ભાવ રૂા. ૯૪ની આસપાસ હતો. હવે, યુદ્ધનો અંત આવ્‍યા બાદ વિશ્વમાં મંદીના કારણે ક્રુડ ઓઈલનો ભાવમાં જબરજસ્‍ત કડાકો બોલ્‍યો છે. યુદ્ધ પહેલા ભાવ હતો, તેનાથી પણ ઘટીને પ્રતિ બેરલ ૭૨ ડોલરની આસપાસ પહોંચી ગયો છે, તેમ છતાં સરકારી ઓઈલ માર્કેટીંગ કંપનીઓ દ્વારા પેટ્રોલ - ડિઝલના છુટક વેચાણના ભાવમાં કોઈ ઘટાડો કરાતો નથી. વડોદરાની જ વાત કરીએ તો આજે પણ સાદા પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર રૂા. ૧૦૧.૪૬, ડિઝલનો રૂા. ૯૭.૫૭ છે. જ્‍યારે પ્રિમિયમ પેટ્રોલ રૂા. ૧૧૦,૦૨ અને એકસ્‍ટ્રા ડિઝલ ૧૦૨.૮૨ રૂપિયે લિટરે વાહન ચાલકોને અપાય છે. ક્રુડ ઓઈલના ભાવમાં

થયેલા ઘટાડા બાદ વાહન ચાલકોને પેટ્રોલ - ડિઝલના ભડકે બળેલા ભાવમાં રાહત મળશે, તેવી અપેક્ષા હતી, પરંતુ સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા હજૂ સુધી ભાવ ઘટાડાની કોઈ જાહેરાત કરાઈ નથી. બીજી તરફ ઈઝરાયલ સાથે મળી ઈરાન સાથે યુદ્ધ કરનાર અમેરિકાએ યુલના અંત બાદ ક્રુડ ઓઈલના ભાવ ગગડતાં જ ભાવ ઘટાડી વાહન ચાલકોને રાહત આપી દીધી છે

યુદ્ધના અંત બાદ પણ ડામર મેળવવા માટે લાંબુ વેઈટિંગ

મુખ્‍યત્‍વે બી.પી.સી.એલ., આઈ.ઓ.સી.એલ અને એચ.પી.સી.એલ. પાસેથી કોન્‍ટ્રાક્‍ટરો અને કંપનીઓ દ્વારા ડામર ખરીદ કરવામાં આવે છે. હવે. યુદ્ધના અંત બાદ પણ ઍડવાન્‍સ પેમેન્‍ટ કરવા છતાં કોન્‍ટ્રાક્‍ટરોને સમયસર ડામર મળતો નથી. ડામર મેળવવા લાંબુ વેઈટીંગ લીસ્‍ટ ચાલે છે. તેમજ માંગેલા ડામરના જથ્‍થાની સામે થોડો સપ્‍લાય કરવામાં આવે છે. જેની અસર વિકાસના કામો ઉપર પણ પડી રહી છે. આ ઉપરાંત ક્રુડ ઓઈલના ભાવ ઘટાડા બાદ પણ ડામરના ભાવમાં જોઈએ, તેવો ઘટાડો થયો નથી.

(10:04 AM IST)