News of Thursday, 14th May 2026
PF ખાતાધારકોની લાગી લોટરી! હવે નિવૃત્તિ પર ફોર્મ ભરવાની પળોજણમાંથી મળશે મુક્તિ, સીધા ખાતામાં જમા થશે લાખો રૂપિયા
EPFO લાવ્યું ડિજિટલ ક્રાંતિ: હવે અંતિમ ક્લેમ સેટલમેન્ટ થશે ઓટોમેટિક, 7 કરોડ કર્મચારીઓને નોકરી બદલવા પર પણ મળશે મોટી રાહત

નવી દિલ્હી, તા. 14: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ના 7 કરોડથી વધુ સભ્યો માટે ખૂબ જ આનંદના સમાચાર આવ્યા છે. હવે પીએફના નાણાં ઉપાડવા માટે કચેરીઓના ધક્કા ખાવાની કે લાંબી ઓનલાઈન પ્રક્રિયા કરવાની જરૂર રહેશે નહીં. EPFO ટૂંક સમયમાં પીએફના અંતિમ દાવાની પતાવટ (Final Settlement) માટે એક અત્યાધુનિક ઓટોમેટિક સિસ્ટમ શરૂ કરવા જઈ રહ્યું છે. આ નવી વ્યવસ્થા હેઠળ, કર્મચારીની નિવૃત્તિ અથવા નોકરી છોડ્યા પછી તેનું ફંડ આપમેળે તેના બેંક ખાતામાં ટ્રાન્સફર થઈ જશે.
ઓટોમેટેડ સેટલમેન્ટ: કોઈ અરજી વગર જમા થશે નાણાં
અત્યાર સુધી EPFO દ્વારા માત્ર ₹5 લાખ સુધીના એડવાન્સ ક્લેમ અથવા આંશિક ઉપાડ માટે જ ઓટોમેટિક સુવિધા ઉપલબ્ધ હતી. પરંતુ હવે સેન્ટ્રલ પ્રોવિડન્ટ ફંડ કમિશનર રમેશ કૃષ્ણમૂર્તિએ સંકેત આપ્યા છે કે, સમગ્ર ફંડના અંતિમ નિકાલ માટે પણ આ સુવિધા ટૂંક સમયમાં શરૂ કરાશે. આનો સૌથી મોટો ફાયદો એ થશે કે કર્મચારીએ નિવૃત્તિ સમયે કોઈપણ પ્રકારનું અરજી ફોર્મ ભરવું નહીં પડે. સિસ્ટમ પોતે જ ડેટા વેરિફાઈ કરીને નાણાં સીધા ખાતામાં મોકલી આપશે.
નોકરી બદલવા પર પીએફ ટ્રાન્સફર થશે આસાન
ઘણીવાર કર્મચારીઓ જ્યારે એક કંપની છોડીને બીજી કંપનીમાં જોડાય છે, ત્યારે જૂના પીએફ ખાતાને નવા ખાતા સાથે જોડવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પરંતુ નવી વ્યવસ્થા મુજબ, જો કોઈ કર્મચારી કંપની બદલે છે, તો તેનું પીએફ એકાઉન્ટ ઓટોમેટિકલી ટ્રાન્સફર થઈ જશે. આ માટે 'યુનિવર્સલ એકાઉન્ટ નંબર' (UAN) નો અસરકારક ઉપયોગ કરવામાં આવશે, જેથી રોકાણની સાતત્યતા જળવાઈ રહે અને વ્યાજનું નુકસાન ન થાય.
નિયમોમાં 12 વર્ષ પછી મોટો ફેરફાર
EPFO દ્વારા ત્રણ મુખ્ય યોજનાઓ - EPF સ્કીમ 1952, ઇન્શ્યોરન્સ સ્કીમ 1976 અને પેન્શન સ્કીમ 1995 ને ફરીથી સૂચિત (Re-notify) કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આ લગભગ 12 વર્ષ પછી કરવામાં આવી રહેલો સૌથી મોટો કાયદાકીય ફેરફાર છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝે આ ત્રણેય યોજનાઓને આધુનિક જરૂરિયાતો મુજબ ફરીથી લોન્ચ કરવા માટે સર્વસંમતિ આપી દીધી છે.
ATM અને UPI થી ઉપાડની પણ તૈયારી
ભવિષ્યમાં પીએફ ખાતાધારકો એટીએમ (ATM) અથવા યુપીઆઈ (UPI) જેવી સુવિધાઓ દ્વારા પણ પોતાના ભંડોળનો ઉપયોગ કરી શકે તે દિશામાં પણ ગંભીર વિચારણા ચાલી રહી છે. આ પગલાથી પીએફ એકાઉન્ટ હવે સામાન્ય બેંક બચત ખાતા જેવું જ સુલભ બની જશે, જે આર્થિક કટોકટીના સમયે કર્મચારીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
(3:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
