<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

ફેન્ટમ લોન કૌભાંડ: નેશનલ હાઉસિંગ બેંકને ₹80.15 કરોડનો ચૂનો ચોપડનાર કંપની પર CBIના મુંબઈ-ઉદયપુરમાં દરોડા

સ્ટાર હાઉસિંગ ફાઇનાન્સના ડિરેક્ટરો અને અજાણ્યા સરકારી કર્મચારીઓ સામે ગુનો નોંધીને ફોરેન્સિક ઓડિટ બાદ તપાસ એજન્સીએ મહત્વના દસ્તાવેજો જપ્ત કર્યા

મુંબઈ : સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ નેશનલ હાઉસિંગ બેંક (NHB) સાથે થયેલી ₹80.15 કરોડની કથિત છેતરપિંડીના કેસમાં મુંબઈ અને ઉદયપુર ખાતે છ સ્થળોએ દરોડા પાડ્યા છે. નેશનલ હાઉસિંગ બેંકની લેખિત ફરિયાદના આધારે 'M/s સ્ટાર હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ', તેના ડિરેક્ટરો અને અજાણ્યા સરકારી કર્મચારીઓ વિરુદ્ધ ગુનાહિત કાવતરું, છેતરપિંડી, વિશ્વાસઘાત, ખોટા દસ્તાવેજો બનાવવા અને ગુનાહિત ગેરવર્તણૂક જેવી કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

 

ફરિયાદ મુજબ આરોપી કંપનીએ કાલ્પનિક લોન એટલે કે 'ફેન્ટમ લોન' મંજૂર કરાવીને નાણાં અન્યત્ર વાળી દીધા હતા. આ ગેરરીતિને કારણે નેશનલ હાઉસિંગ બેંકને ₹80.15 કરોડનું ગેરકાયદેસર આર્થિક નુકસાન સહન કરવું પડ્યું હોવાનો આક્ષેપ છે.

 

નેશનલ હાઉસિંગ બેંકની રચના વિકાસલક્ષી નાણાકીય સંસ્થા તરીકે કરવામાં આવી છે, જે સ્થાનિક અને પ્રાદેશિક સ્તરે હાઉસિંગ ફાઇનાન્સ સંસ્થાઓને પ્રોત્સાહન અને નાણાકીય સહયોગ આપે છે. આ સંસ્થા હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ અને શિડ્યુલ્ડ કોમર્શિયલ બેંકોને વ્યક્તિગત હાઉસિંગ લોનના પોર્ટફોલિયો સામે 'રિફાઇનાન્સ' સુવિધા પૂરી પાડે છે.

 

અગાઉ બેંકમાં જોવા મળેલી અનિયમિતતાઓના પગલે એક સ્વતંત્ર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પેઢી દ્વારા ફોરેન્સિક ઓડિટ કરાવવામાં આવ્યું હતું. આ ઓડિટ રિપોર્ટમાં ગંભીર પ્રકારની નાણાકીય અનિયમિતતાઓ અને શંકાસ્પદ વ્યવહારોની વિગતો બહાર આવ્યા બાદ સમગ્ર મામલો તપાસ હેઠળ આવ્યો હતો.

 

મુંબઈ અને ઉદયપુરમાં હાથ ધરાયેલી દરોડાની કાર્યવાહી દરમિયાન તપાસ એજન્સીને કેસ સંબંધિત મહત્વના વાંધાજનક દસ્તાવેજો અને અન્ય સામગ્રી મળી આવી છે. આ દસ્તાવેજોના આધારે ભંડોળના વહેણની કડીઓ જોડવાની કામગીરી આગળ ધપાવવામાં આવી રહી છે.

 

હવે પછીના તબક્કામાં CBI જપ્ત કરાયેલા દસ્તાવેજો અને ડિજિટલ રેકોર્ડ્સની ઊંડાણપૂર્વક ચકાસણી કરશે તથા સંબંધિત ડિરેક્ટરો અને અધિકારીઓની પૂછપરછ કરશે. તપાસ દરમિયાન કોઈ સરકારી કર્મચારીની સંડોવણી સ્પષ્ટ થાય તો તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

(8:20 PM IST)