<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st October 2026

ફિલિપાઇન્સમાં ક્વાડ દેશોના વડાઓની બેઠક યોજાવાની શક્યતા: નવેમ્બરમાં મનીલા ખાતે ચાર દેશોના નેતાઓ મળવાની તૈયારી : વડાપ્રધાન મોદી અને પ્રમુખ ટ્રમ્પની હાજરીની સંભાવના

ફિલિપાઇન્સમાં ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાના વડાઓની મહત્વપૂર્ણ શિખર બેઠક યોજાશે : માર્કો રૂબિયાનો સંકેત

નવી દિલ્હી, તા. ૨૧ : ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાના સંગઠન ક્વાડની આગામી શિખર બેઠક ફિલિપાઇન્સની રાજધાની મનીલામાં યોજાવાની શક્યતા છે. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયાએ જણાવ્યું છે કે નવેમ્બરમાં આસિયાન પરિષદ દરમિયાન આ બેઠક યોજવાની તૈયારી ચાલી રહી છે. બેઠકની ચોક્કસ તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી.

 

હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં સુરક્ષા, વ્યૂહાત્મક સહયોગ અને આર્થિક હિતોના મુદ્દે મહત્વ ધરાવતા ક્વાડ સંગઠનની આગામી શિખર બેઠક ફિલિપાઇન્સમાં યોજવાની તૈયારી ચાલી રહી છે.

 

અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયાએ મંગળવારે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે ચાર દેશોના નેતાઓની બેઠક ફિલિપાઇન્સની રાજધાની મનીલામાં યોજવાનું આયોજન છે.

 

આગામી ૧૬થી ૧૮ નવેમ્બર દરમિયાન મનીલામાં આસિયાન સાથે સંબંધિત ઉચ્ચસ્તરીય બેઠકો યોજાવાની છે. આ સમયગાળા દરમિયાન ક્વાડના ચારેય દેશોના વડાઓની મુલાકાત યોજાય તેવી શક્યતા છે.

 

આ બેઠકમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, જાપાનના વડાપ્રધાન સનાએ તાકાઇચી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બાનીઝ હાજર રહે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

 

ક્વાડ સંગઠનનો મુખ્ય ઉદ્દેશ હિંદ-પ્રશાંત વિસ્તારમાં શાંતિ, સ્થિરતા, દરિયાઈ સુરક્ષા, નવી ટેકનોલોજી અને આર્થિક સહકારને પ્રોત્સાહન આપવાનો છે.

 

છેલ્લી ક્વાડ શિખર બેઠક વર્ષ ૨૦૨૪માં અમેરિકાના વિલ્મિંગ્ટનમાં યોજાઈ હતી. ત્યારબાદ ચાર દેશોના નેતાઓની બેઠક યોજવામાં વિલંબ થયો હતો.

 

મનીલામાં સંભવિત બેઠક દરમિયાન દરિયાઈ સુરક્ષા, મહત્વપૂર્ણ ખનિજોના પુરવઠા, નવી ટેકનોલોજી અને પ્રાદેશિક સહયોગ અંગે ચર્ચા થઈ શકે છે.

(9:22 AM IST)