News of Sunday, 24th May 2026
NEET પેપર લીક મામલે પુણેથી ઝડપાયેલ ફિઝિક્સના શિક્ષિકા મનીષા હવલદારના ઘરે દરોડા 'GOD' નામે સેવ નંબર શું અનેક રહસ્યો ખુલશે ?
આ નંબર પર થયેલી ચેટ્સ અને કૉલ રેકોર્ડ્સની તપાસ હાલ તેજ કરી દેવાઈ :પકડાઈ જવાના ડરથી આ મોબાઈલમાંથી અનેક મહત્વના ડિજિટલ ડેટા, ચેટ્સ અને કૉલ હિસ્ટ્રી ડિલીટ કરી દેવામાં આવ્યા

નવી દિલ્હી : NEET પેપર લીક કૌભાંડ મામલે CBIની તપાસ હવે એક અત્યંત રોમાંચક અને ચોંકાવનારા વળાંક પર આવી ગઈ છે. પુણેથી ધરપકડ કરાયેલા ફિઝિક્સના શિક્ષિકા મનીષા હવલદારના ઘરે પાડવામાં આવેલા દરોડામાં તપાસ એજન્સીઓને એવા પુરાવા મળ્યા છે, જેણે આખા દેશમાં ખળભળાટ મચાવી દીધો છે. આ કેસમાં મોબાઈલ ફોનમાંથી ડિલીટ થયેલો ડેટા અને એક રહસ્યમય નામ આખા રેકેટના પર્દાફાશ તરફ ઈશારો કરી રહ્યા છે.
તપાસ દરમિયાન સૌથી મોટો અને ચોંકાવનારો ખુલાસો મનીષા હવલદારના પતિના મોબાઈલ ફોનમાંથી થયો છે, જેમાં "GOD" નામે એક નંબર સેવ મળેલો છે. CBIને આશંકા છે કે આ શંકાસ્પદ નંબર પાછળ છુપાયેલી વ્યક્તિ આ પેપર લીક નેટવર્કનો અસલી 'ગોડફાધર' અથવા મુખ્ય સૂત્રધાર હોઈ શકે છે. આ નંબર પર થયેલી ચેટ્સ અને કૉલ રેકોર્ડ્સની તપાસ હાલ તેજ કરી દેવામાં આવી છે. એટલું જ નહીં, પકડાઈ જવાના ડરથી આ મોબાઈલમાંથી અનેક મહત્વના ડિજિટલ ડેટા, ચેટ્સ અને કૉલ હિસ્ટ્રી ડિલીટ કરી દેવામાં આવ્યા હતા, જેને રિકવર કરવા માટે હવે ડિજિટલ ફોરેન્સિક એક્સપર્ટ્સની મદદ લેવામાં આવી રહી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, મનીષા હવલદારે કથિત રીતે પોતાના હાથે ફિઝિક્સના પ્રશ્નપત્રો તૈયાર કર્યા હતા અને બાદમાં પુરાવા નાશ કરવાના હેતુથી તે દસ્તાવેજોને સળગાવી દેવામાં આવ્યા હોવાની શંકા છે. પુણેની શાળામાં કાર્યરત મનીષાને NTA દ્વારા ફિઝિક્સ એક્સપર્ટ તરીકે નિયુક્ત કરાયા હોવાથી તેમની પાસે પ્રશ્નપત્રોની સીધી પહોંચ હતી, જેનો દુરુપયોગ કરીને તેમણે સહ-આરોપી મનીષા મંધારેને પ્રશ્નો મોકલ્યા હતા. આ નેટવર્ક એટલું મોટું છે કે 'સ્પેશિયલ કોચિંગ'ના નામે વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયા વસૂલીને પેપર લીક કરવામાં આવતું હતું. અત્યાર સુધીમાં દિલ્હી, જયપુર, ગુરુગ્રામ, નાસિક અને પુણે સહિતના શહેરોમાંથી 11 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે અને આગામી દિવસોમાં વધુ મોટા નામો સામે આવવાની પૂરેપૂરી શક્યતા છે.
(6:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
