News of Friday, 23rd October 2026
'વંદે માતરમ્' ગીતને રાષ્ટ્રગીત સમાન દરજ્જો આપવાની PIL દિલ્હી હાઈકોર્ટમાંથી સુપ્રીમ કોર્ટમાં ટ્રાન્સફર કરવા પર સુનાવણી થશે.
ચીફ જસ્ટિસ સૂર્યકાંતની આગેવાની હેઠળની ખંડપીઠ વકીલ અશ્વિની ઉપાધ્યાયની અરજી પર ૨૭ ઓક્ટોબરે મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરે તેવી શક્યતા

નવી દિલ્હી, તા.૨૩: રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ્'ને રાષ્ટ્રગીત 'જન ગણ મન' સમાન દરજ્જો અને યોગ્ય સન્માન આપવાની માંગ કરતી જાહેર હિતની અરજી (PIL) ને દિલ્હી હાઈકોર્ટમાંથી સર્વોચ્ચ અદાલતમાં સ્થાનાંતરિત કરવા અંગે સુપ્રીમ કોર્ટ આવામી ૨૭ ઓક્ટોબરે સુનાવણી હાથ ધરે તેવી પ્રબળ શક્યતા છે. દેશની એકતા, સાર્વભૌમત્વ અને ઐતિહાસિક વારસા સાથે જોડાયેલા આ સંવેદનશીલ મુદ્દે વકીલ અશ્વિની કુમાર ઉપાધ્યાય દ્વારા દાખલ કરવામાં આવેલી ટ્રાન્સફર અરજીમાં સુપ્રીમ કોર્ટને આ કેસ પોતાની હકુમત હેઠળ લેવા વિનંતી કરવામાં આવી છે, કારણ કે આ સંબંધિત જ અન્ય એક અરજી પહેલેથી જ સર્વોચ્ચ અદાલત સમક્ષ પેન્ડિંગ છે.
સુપ્રીમ કોર્ટની અધિકૃત વેબસાઈટ પરથી મળેલી સત્તાવાર માહિતી મુજબ, ભારતના ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની બનેલી ત્રિપુટી ખંડપીઠ દ્વારા ૨૭ ઓક્ટોબરના રોજ આ અરજી પર સુનાવણી કરવામાં આવશે. વકીલ અશ્વિની દુબે મારફતે રજૂ કરાયેલી આ અરજીમાં ભારપૂર્વક જણાવાયું છે કે વંદે માતરમ્ આપણા સ્વતંત્રતા સંગ્રામનો આત્મા રહ્યો છે અને દેશભરની તમામ શાળાઓ તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં દરરોજ જન ગણ મન અને વંદે માતરમ્ ગવડાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને સ્પષ્ટ દિશા-નિર્દેશો આપવા જરૂરી છે.
અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે યોગ્ય અને સ્પષ્ટ માર્ગદર્શિકાના અભાવે હાલમાં આ પવિત્ર ગીતને કેટલીક જગ્યાએ અસભ્ય રીતે ગાવામાં આવી રહ્યું છે અને ફિલ્મો તથા પાર્ટીઓમાં તેનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. અરજદારે બંધારણ સભાના પ્રથમ અધ્યક્ષ ડૉ. રાજેન્દ્ર પ્રસાદના ૧૯૫૦ના તે નિવેદનનો સંદર્ભ આપ્યો હતો જેમાં તેમણે સ્પષ્ટ કર્યું હતું કે વંદે માતરમ્ ગીતને 'જન ગણ મન' જેટલું જ આદર અને સમાન સ્થાન મળવું જોઈએ. અરજીમાં માંગ કરાઈ છે કે આ ગીતનું કોઈપણ પ્રકારનું નાટકીય રૂપાંતરણ કે મનોરંજક કાર્યક્રમોમાં ઉપયોગ અટકાવવા કડક નિયમો ઘડવા જોઈએ.
અરજદારે પોતાની દલીલોમાં જણાવ્યું છે કે, "વંદે માતરમ્ એ માત્ર એક ગીત નથી પરંતુ ભારતીય ઈતિહાસ, એકતા અને ગૌરવનું પ્રતીક છે. જો કોઈ નાગરિક કે અસામાજિક તત્વ આ ગીતનું અપમાન કરે છે તો તે રાષ્ટ્રના અસ્તિત્વ અને બંધારણીય મૂલ્યો સામે જોખમ ઊભું કરે છે. જન ગણ મન રાષ્ટ્રની સંસ્થાકીય ભાવના દર્શાવે છે જ્યારે વંદે માતરમ્ રાષ્ટ્રના સાંસ્કૃતિક ચરિત્ર અને તેની વિશેષતાઓને રજૂ કરે છે, જેથી બંને ગીતો સમાન સન્માનને પાત્ર છે."
આ કેસની ભૂતકાળની કડીઓ તપાસીએ તો વંદે માતરમ્ ને રાષ્ટ્રગીત સમાન સત્તાવાર દરજ્જો આપવાની અને તેના પ્રચાર-પ્રસાર માટે રાષ્ટ્રીય નીતિ બનાવવાની માંગણીઓ અગાઉ પણ અનેક મંચો પરથી ઉઠી ચૂકી છે. પરંતુ સરકારી સ્તરે કોઈ ચોક્કસ પ્રોટોકોલ કે કાયદાકીય નિયમાવલી નક્કી ન હોવાના કારણે અવારનવાર વિવાદો સર્જાતા રહ્યા છે, જેને કાયમી અંત આપવા માટે આ જુદી જુદી રિટ પિટિશનો અદાલતોમાં દાખલ કરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટમાં ૨૭ ઓક્ટોબરે થનારી આ મહત્વપૂર્ણ સુનાવણીમાં જો દિલ્હી હાઈકોર્ટની અરજી ટ્રાન્સફર કરવાનો સ્વીકાર કરવામાં આવશે, તો દેશના તમામ નાગરિકો, શૈક્ષણિક સંસ્થાઓ અને સિનેમાજગતમાં વંદે માતરમ્ ના ઉપયોગ અંગે એક સર્વગ્રાહી અને સ્પષ્ટ રાષ્ટ્રીય નીતિ ઘડવા માટેનો માર્ગ મોકળો બનશે. સર્વોચ્ચ અદાલત કેન્દ્ર સરકાર પાસે આ અંગે જવાબ માગે છે કે કેમ તેના પર સમગ્ર દેશની નજર ટકેલી છે.
(4:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
