હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મંત્રાલય સ્થિત રાઘવેન્દ્ર સ્વામી મઠના દર્શને જતાં કર્ણાટકના યાત્રાળુઓને નડ્યો કાળમુખો અકસ્માત: પિક-અપ વાહન અને ટેન્કર વચ્ચેની જોરદાર ટક્કરમાં ૮ ના કરુણ મોત
ચિક્કમગલુરુથી દર્શન કરવા જઈ રહેલા ૨૧ શ્રદ્ધાળુઓના વાહનને આંધ્રના ચિલકનાડોડ્ડી પાસે અકસ્માત; ૫ મહિલાઓ અને ૫ વર્ષની બાળકીએ પણ જીવ ગુમાવ્યો.

રાયચુર: ગુરુવારની વહેલી સવાર કર્ણાટકના ચિક્કમગલુરુથી નીકળેલા યાત્રાળુઓ માટે કાળ સાબિત થઈ છે. આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લામાં આવેલા ચિલકનાડોડ્ડી ગામ નજીક એક પિક-અપ વાહન અને ફ્લાય એશ (રાખ) ભરેલા ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ સામસામે થયેલી જોરદાર અથડામણમાં કર્ણાટકના ૮ યાત્રાળુઓના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે, જેમાં ૫ મહિલાઓનો પણ સમાવેશ થાય છે.
ખુશીનો પ્રવાસ માતમમાં ફેરવાયો
પ્રાપ્ત વિગતો મુજબ, ૨૧ જેટલા યાત્રાળુઓ પિક-અપ વાહનમાં સવાર થઈને મંત્રાલય સ્થિત રાઘવેન્દ્ર સ્વામી મઠના દર્શન કરવા જઈ રહ્યા હતા. આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લામાંથી પસાર થતી વખતે ચિલકનાડોડ્ડી પાસે સામેથી આવતા એક સ્પીડમાં આવતા ટેન્કર સાથે વાહન ધડાકાભેર અથડાયું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે વાહનનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
મૃતકોમાં પ વર્ષની માસૂમ બાળકી સામેલ
આ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓમાં ૫૦ વર્ષીય કુમાર, ૪૦ વર્ષીય દીપિકા, ૪૦ વર્ષીય સુનીલ, ૬૦ વર્ષીય યશોદા, ૫૫ વર્ષીય પુટ્ટમ્મા, લોલાક્ષી અને મીનાક્ષીનો સમાવેશ થાય છે. સૌથી વધુ હૃદયદ્રાવક બાબત એ છે કે આ દુર્ઘટનામાં ૫ વર્ષની માસૂમ બાળકી બેલીએ પણ પોતાનો જીવ ગુમાવ્યો છે.
૯ લોકો ઘાયલ, ૪ ની હાલત ગંભીર
આ અથડામણમાં અન્ય ૯ મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી છે. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક કુર્નૂલ જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તબીબોના જણાવ્યા અનુસાર, ઘાયલો પૈકી ૪ લોકોની હાલત અત્યંત નાજુક છે, જેના કારણે મૃત્યુઆંક વધવાની આશંકા સેવાઈ રહી છે.
પોલીસ તપાસ શરૂ
ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને રાહત કામગીરી હાથ ધરી હતી. હાલ મંત્રાલય પોલીસ સ્ટેશનમાં અકસ્માત અંગેનો ગુનો નોંધવામાં આવ્યો છે અને ટેન્કર ચાલકની બેદરકારી અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. યાત્રાળુઓના પરિવારોમાં આ સમાચાર મળતા જ શોકનું મોજું ફરી વળ્યું છે.
અકસ્માતની વિગત: શ્રદ્ધાળુઓથી ભરેલું પિક-અપ વાહન ટેન્કર સાથે અથડાતા કુલ ૨૧ માંથી ૧૭ લોકો મોત કે ઈજાનો ભોગ બન્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
