News of Monday, 2nd November 2026
અમેરિકામાં બિઝનેસ જેટ વિમાન રહેણાંક વિસ્તાર નજીક તૂટી પડયું, તમામ ૯ લોકોના કમકમાટીભર્યા મોત
ટેક્સાસથી બહામાસ જઈ રહેલું પ્રાઈવેટ લિયરજેટ વિમાન દક્ષિણ વિસ્તારમાં રહેણાંક સોસાયટી નજીક મુખ્ય માર્ગ પર તૂટી પડ્યું

ટેક્સાસ તા.૨: અમેરિકાના દક્ષિણ વિસ્તારમાંથી એક અત્યંત ગમખ્વાર હવાઈ દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. ટેક્સાસ રાજ્યથી બહામાસ તરફ ઉડાન ભરી રહેલું એક ખાનગી બિઝનેસ જેટ રવિવારે અચાનક અનિયંત્રિત થઈને રહેણાંક મકાનોની નજીક આવેલા વ્યસ્ત માર્ગ પાસે જમીનદોસ્ત થયું હતું. આ ભયાનક અકસ્માતમાં વિમાનમાં સવાર તમામ ૯ લોકોના ઘટનાસ્થળે જ દર્દનાક મોત નીપજ્યા છે. આ આંચકાજનક હોનારતની પુષ્ટિ અમેરિકી પરિવહન મંત્રાલય દ્વારા સત્તાવાર રીતે કરવામાં આવી છે.
દુર્ઘટનાગ્રસ્ત લિયરજેટ ૬૦ મોડલનું આ વિમાન દક્ષિણ વિસ્તારના આકાશમાંથી અચાનક સીધું નીચે તરફ ધસી આવ્યું હતું. જમીન સાથે ટકરાતાં જ તેમાં એટલો પ્રચંડ બ્લાસ્ટ થયો કે તેનો અવાજ કિલોમીટરો દૂર સુધી સંભળાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે ડામરના રોડ પર ઊંડો ખાડો પડી ગયો હતો અને જોતજોતામાં સમગ્ર સ્થળ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયું હતું.
ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનના જણાવ્યા અનુસાર આ પ્રાઈવેટ વિમાને ટેક્સાસના ઓસ્ટિન-બર્ગસ્ટ્રોમ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી પ્રસ્થાન કર્યું હતું અને તે બહામાસ તરફ આગળ વધી રહ્યું હતું. એરપોર્ટ પ્રવક્તાએ આ ઘટનાને અત્યંત દુઃખદ હોનારત ગણાવી છે. ઉડ્ડયન નોંધણી મુજબ આ વિમાનનો સત્તાવાર ટેલ નંબર N722BD નોંધાયેલો હતો. વિમાનમાં સવાર લોકોની સત્તાવાર ઓળખ જાહેર કરવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે.
ઘટનાસ્થળેથી પસાર થઈ રહેલા વાહનચાલકોના કેમેરામાં આ ભયાનક દ્રશ્યો કેદ થયા હતા. વિમાન આસપાસ આવેલા રહેણાંક મકાનોથી માત્ર થોડા ફૂટના અંતરે જ તૂટી પડ્યું હતું.
માર્ગ પરથી પસાર થતી ગાડીઓ પણ તેની ઝપેટમાં આવતા સહેજમાં બચી ગઈ હતી, જેથી જમીન પર રહેલા સ્થાનિક નાગરિકો મોટી જાનહાનિમાંથી ઉગરી ગયા હતા. જોકે વિસ્ફોટ બાદ આકાશમાં કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા.
આ અકસ્માત મિલિટ્રી ટ્રેલ અને ૧૦માં એવન્યુ નોર્થના ક્રોસિગ નજીક બન્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને સ્થાનિક શેરિફ વિભાગે બંને તરફના મુખ્ય માર્ગો તાત્કાલિક અસરથી બંધ કરી દીધા હતા.
અગ્નિશામક દળ અને પેરામેડિકલ સ્ટાફની ગાડીઓએ ત્વરિત પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. વિસ્ફોટના કારણે આસપાસના વિસ્તારોમાં લગભગ ૨ કલાક સુધી વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.
અમેરિકી પરિવહન સચિવે જણાવ્યું કે ફેડરલ એવિએશન વિભાગ તરફથી એક વિશેષ નિષ્ણાતોની ટુકડી મોકલવામાં આવી રહી છે. આ ટીમ નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફટી બોર્ડ સાથે સંયુક્ત રીતે કામ કરીને વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી કે વાતાવરણના દબાણને લીધે અકસ્માત થયો તે તમામ પાસાઓની વૈજ્ઞાનિક તપાસ હાથ ધરશે.
(10:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
