<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd November 2026

દિલજીત દોસાંજના અમદાવાદ કોન્સર્ટમાં બ્લેકઆઉટનો લાભ લઈને ચોરી કરવા પ્લાનિંગ :દિલ્હીથી આવેલા બે શખ્સોની ધરપકડ

બંને આરોપીઓ ગોલ્ડ પાસ મેળવી કોન્સર્ટમાં ઘૂસ્યા અને બ્લેકઆઉટ દરમિયાન મોબાઈલ ચોરીને અંજામ આપ્યો:પોલીસને અત્યાર સુધી 70 જેટલી ફરિયાદો મળી હતી, જેને પગલે તપાસ તેજ

નવી દિલ્હી :દિલજીત દોસાંજના કોન્સર્ટ દરમિયાન મોબાઈલ ચોરીની અનેક ઘટનાઓ સામે આવ્યા બાદ મોટેરા પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. દિલ્હીથી અમદાવાદ ચોરી કરવાના ઇરાદે આવેલા મોહમદ ગુલઝા અને અશરફ ઈદ્રિશ પોલીસના હાથે ઝડપાયા છે. બંને આરોપીઓએ ગોલ્ડ પાસ મેળવી કોન્સર્ટમાં પ્રવેશ કર્યો હતો. સ્ટેડિયમમાં બ્લેકઆઉટ દરમિયાન ભીડનો લાભ લઈને મોબાઈલ ચોરી કરતા હોવાની વિગતો સામે આવી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બંને આરોપીઓ ખાનગી કાર ભાડે કરીને દિલ્હીથી અમદાવાદ આવ્યા હતા. પોતાની ઓળખ છુપાવવા માટે તેમણે પંજાબી સાફો બાંધીને સ્ટેડિયમમાં પ્રવેશ કર્યો હતો. બંનેએ ગોલ્ડ પાસ મેળવ્યા બાદ કોન્સર્ટમાં હાજર રહી મોબાઈલ ચોરીને અંજામ આપ્યો હતો.

કોન્સર્ટ દરમિયાન બ્લેકઆઉટનો લાભ લઈને આરોપીઓએ મોબાઈલ ચોરી કરી હતી. સ્ટેડિયમમાંથી આશરે 11 મોબાઈલ ચોર્યાની વિગતો સામે આવી છે. મોટી ઇવેન્ટને નિશાન બનાવી ચોરી કરવા માટે બંને અગાઉથી આયોજન કરતા હોવાની દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.

દિલજીતના કોન્સર્ટ બાદ મોટેરા પોલીસને મોબાઈલ ચોરીની અંદાજે 70 ફરિયાદો મળી હતી. પોલીસે 64 મોબાઈલને સર્વેલન્સ પર મૂકીને તપાસ શરૂ કરી હતી. આ તપાસ દરમિયાન બે આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી છે. હવે પોલીસ બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવાની કાર્યવાહી કરશે. રિમાન્ડ દરમિયાન કોન્સર્ટમાં થયેલી અન્ય ચોરીઓ અને આ ગુનામાં સંડોવાયેલા અન્ય શખ્સો અંગે પૂછપરછ કરવામાં આવશે.

(11:20 PM IST)