તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 28th September 2026
ભારતમાં ટૂંક સમયમાં થઈ શકે છે પ્લાસ્ટિક કરન્સીનું આગમન : RBI દ્વારા રૂ. ૧૦ અને રૂ. ૨૦ ની પ્લાસ્ટિક નોટોનું ફિલ્ડ ટ્રાયલ યોજવાની તૈયારી
૨ અબજ પોલિમર નોટોના સફળ પરીક્ષણ બાદ આગામી વર્ષે ઉત્તર પ્રદેશ ચૂંટણીઓ પહેલાં ચલણમાં મૂકાવાની શક્યતા : ટેસ્ટિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વ્યાપક ચલણ અંગે લેવાશે આખરી નિર્ણય (ન્યૂઝફર્સ્ટ)

મુંબઈ (ન્યૂઝફર્સ્ટ) : ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા દેશમાં કાગળની નોટોના સ્થાને વધુ ટકાઉ એવી પોલિમર (પ્લાસ્ટિક) કરન્સી લાવવાની દિશામાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ યોજના હેઠળ RBI પ્રથમ તબક્કામાં રૂ. ૧૦ અને રૂ. ૨૦ ના મૂલ્યની ૧૦૦-૧૦૦ કરોડ (કુલ ૨ અબજ) પોલિમર નોટોનું ફિલ્ડ ટ્રાયલ શરૂ કરવાની તૈયારી કરી રહી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, જરૂરી ખરીદી (Procurement) અને તકનીકી ટેસ્ટિંગ પ્રક્રિયાઓ પૂર્ણ થયા બાદ પ્લાસ્ટિક નોટોનું ફિલ્ડ ટ્રાયલ હાથ ધરવામાં આવશે. જો આ પરીક્ષણ સફળ રહેશે અને તમામ પ્રક્રિયા યોજના મુજબ આગળ વધશે, તો આગામી વર્ષે એપ્રિલ-મે મહિના દરમિયાન ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણીઓના સમયગાળા આસપાસ આ પ્લાસ્ટિક કરન્સી સામાન્ય નાગરિકો માટે ચલણમાં મૂકવામાં આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે, સામાન્ય કાગળની નોટોની સરખામણીએ પોલિમર નોટો વધુ મજબૂત, વોટરપ્રૂફ અને લાંબા આયુષ્ય ધરાવતી હોય છે. ફિલ્ડ ટ્રાયલના આંકડા અને પરિણામોના આધારે જ દેશભરમાં તેનો વ્યાપક ઉપયોગ શરૂ કરવા અંગે સત્તાવાર આખરી નિર્ણય લેવામાં આવશે, જેની ટૂંક સમયમાં જાહેરાત થવાની શક્યતા છે.
(1:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
