News of Tuesday, 26th May 2026
ખેડૂતોના જીવ સાથે રમત: રાજસ્થાનમાં કેન્સર ફેલાવતા નકલી મગફળીના બીજનું મોટું કૌભાંડ ઝડપાયું!
કૃષિ મંત્રી કિરોડી લાલ મીણાએ સપાટો બોલાવી જયપુરના ચૌમુનમાં ચાલતી ગેરકાયદેસર ફેક્ટરીઓ પર પાડી ઓચિંતી રેડ: ફૂગવાળી હલકી ગુણવત્તાની મગફળીને બ્રાન્ડેડ પેકિંગમાં વેચી ખેડૂતો અને આંતરરાષ્ટ્રીય બજાર સાથે છેતરપિંડી આચરતા માફિયાઓમાં ભારે ફફડાટ

જયપુર: રાજસ્થાનના કૃષિ મંત્રી ડૉ. કિરોડી લાલ મીણાએ ફરી એકવાર સપાટો બોલાવીને નકલી કૃષિ ઉત્પાદનો વેચતા માફિયાઓની ઊંઘ હરામ કરી દીધી છે. જયપુર નજીક આવેલા ચૌમુન વિસ્તારના રીકો સિલ્વર પાર્કમાં કૃષિ વિભાગની ટીમને સાથે રાખીને મંત્રીએ ફિલ્મી ઢબે ઓચિંતો દરોડો પાડ્યો હતો. અહીં "એગ્રો જેનેટિક્સ ક્રોપ સાયન્સ" અને "GM એગ્રો ઇન્ડસ્ટ્રીઝ" નામની અનધિકૃત કંપનીઓ દ્વારા "શ્રી બાલાજી એગ્રો સીકર" અને "RG 510" ના નામે નકલી અને અત્યંત હલકી ગુણવત્તાના મગફળીના બીજનું ગેરકાયદેસર પેકેજિંગ સરિયામ ચાલુ હતું. કૃષિ મંત્રીના આ આકસ્મિક એક્શનથી કૌભાંડીઓમાં ભારે નાસભાગ મચી ગઈ હતી અને સમગ્ર પંથકમાં ખળભળાટ વ્યાપી ગયો હતો.
આ તપાસ દરમિયાન જે ચોંકાવનારો ખુલાસો થયો છે તે માત્ર ખેતીને જ નહીં પણ માનવ જીવનને પણ જોખમમાં મૂકનારો છે. આ નકલી ફેક્ટરીઓ બજારમાંથી સસ્તા ભાવે ફૂગથી સંક્રમિત અને સડેલી મગફળી ખરીદતી હતી અને તેને ચમકાવીને મોંઘા ભાવે બીજ તરીકે ખેડૂતોને પધરાવી દેતી હતી. આ ફૂગયુક્ત બીજ કાર્સિનોજેનિક (કેન્સર પેદા કરનારા) હોવાનું સામે આવ્યું છે, જે ગંભીર પાક રોગો ફેલાવવાની સાથે-સાથે માનવ સ્વાસ્થ્ય માટે જીવલેણ સાબિત થઈ શકે છે. મંત્રી મીણાએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ સીધેસીધું જનતા અને અન્નદાતા સાથેનું બહુ મોટું લોહીનું નિકંદન કાઢતું અને આર્થિક રીતે બરબાદ કરતું આયોજનબદ્ધ છેતરપિંડીનું જાળું છે.
મગફળીના નકલી બીજના આ કાળા કારોબારની અસર માત્ર સ્થાનિક સ્તરે જ નહીં, પણ વૈશ્વિક સ્તરે પણ પડી છે. મંત્રીએ ખુલાસો કર્યો હતો કે વિદેશમાં નિકાસ થતા મગફળીના અનેક કન્સાઇન્મેન્ટ આ નબળી ગુણવત્તાને કારણે રિજેક્ટ કરવામાં આવ્યા છે, જેનાથી દેશ અને રાજ્યના વેપારીઓ તેમજ ખેડૂતોને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે. આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને કૃષિ મંત્રીએ કૌભાંડી કંપનીઓ સામે કડક કાનૂની રાહે એફ.આઈ.આર. નોંધી કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે. સાથે જ તેમણે કૃષિ અધિકારીઓને નિયમિત ચેકિંગ કરવા ટકોર કરી છે અને ખાતરી આપી છે કે આગામી વાવણીની સીઝનમાં ખેડૂતોને માત્ર પ્રમાણિત અને ઉચ્ચ ગુણવત્તાવાળા બીજ જ મળે તે માટે સરકાર કટિબદ્ધ છે.
(6:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
