<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th September 2026

છત્તીસગઢમાં માસૂમ બાળકોના જીવ સાથે ખુલ્લેઆમ ખેલ: શાળાએ જવા ભયાનક નદી પર લટકતી લપસણી લોખંડની સીડી ચઢવા મજબૂર, માનવ અધિકાર પંચ (NHRC) ની કડક નોટિસ!

૬ વર્ષથી અધૂરા પડેલા પુલને કારણે જીવના જોખમે શિક્ષણ મેળવતા બાળકો; NHRC એ છત્તીસગઢના મુખ્ય સચિવ પાસે ૨ અઠવાડિયામાં માગ્યો વિગતવાર રિપોર્ટ

રાયપુર : છત્તીસગઢના ગારિયાબંધ જિલ્લાના મૈનપુર બ્લોક વિસ્તારમાંથી દેશને શરમજનક બનાવે તેવી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીંના ખંભાથા અને આસપાસના ગ્રામીણ વિસ્તારોના ડઝનબંધ નાના-નાના બાળકોને દરરોજ શાળાએ પહોંચવા માટે ઉભરાતી પૈરી નદી પાર કરવી પડે છે. નદી પરનો પુલ અધૂરો હોવાથી માસૂમ બાળકો જીવના જોખમે અધૂરા પુલ સાથે બાંધેલી અત્યંત સાંકડી, ઊંચી અને લપસણી લોખંડની સીડી પર ચઢીને નદી પાર કરવા મજબૂર બન્યા છે. ચોમાસામાં નદીનો પ્રવાહ ભયાનક બની જતાં ગમે ત્યારે મોટી હોનારત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે.

 

રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે લીધી જાતે નોંધ:

 

વાયરલ વિડીયો અને મીડિયા રિપોર્ટ્સ સામે આવ્યા બાદ ભારતના રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (NHRC) એ આ ગંભીર બાબતની આપોઆપ (Suo Motu) નોંધ લીધી છે. આયોગે સખત શબ્દોમાં અવલોકન કર્યું છે કે જો મીડિયા રિપોર્ટના તથ્યો સાચા હોય તો આ બાળકોના મૂળભૂત માનવ અધિકારો અને જીવનના અધિકારનું અક્ષમ્ય ઉલ્લંઘન છે. આ મામલે NHRC એ છત્તીસગઢ સરકારના મુખ્ય સચિવને નોટિસ ફટકારીને આગામી બે અઠવાડિયાની અંદર સમગ્ર ઘટનાનો વિસ્તૃત અહેવાલ રજૂ કરવા આદેશ આપ્યો છે.

 

૬ વર્ષથી અધૂરો પુલ અને તંત્રના ધાંધિયા:

 

અહેવાલો મુજબ, મૈનપુર બ્લોકમાં દેહરગુડા અને ખંભાતા વચ્ચે આશરે ૩૦૦ મીટર લાંબા પુલનું બાંધકામ છેલ્લા ૬ વર્ષથી મનોહર ગતિએ ચાલી રહ્યું છે. આશરે એક વર્ષ પહેલાં સ્થાનિક સરકારી અધિકારીઓએ ગ્રામજનોને આશ્વાસન આપ્યું હતું કે આ પુલ આગામી છ મહિનામાં પૂર્ણ થઈ જશે, પરંતુ તંત્રના વચનો માત્ર કાગળ પર જ રહ્યા છે. વહીવટી તંત્રની આ ઘોર બેદરકારીને કારણે આજે નાના માસૂમો પોતાના પ્રાણ હથેળીમાં મૂકીને ભણવા જવા મજબૂર બન્યા છે.

(8:30 PM IST)