તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 23rd May 2026
ઇવાન્કા ટ્રમ્પની હત્યાનું કાવતરું નિષ્ફળઃ ઈરાની કમાન્ડરના મોતના બદલામાં ટ્રમ્પ પરિવારને ખતમ કરવાનું હતું ષડયંત્ર
ફલોરિડાના વૈભવી મહેલની બ્લુપ્રિન્ટ સાથે આતંકી ઝડપાયોઃ કાસિમ સુલેમાનીના મોતનો બદલો લેવા રચાયો ખેલ

વોશિંગ્ટન, તા.૨૩: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાન્કા ટ્રમ્પ પર તોળાઈ રહેલા એક મોટા ખતરાનો સુરક્ષા એજન્સીઓએ પર્દાફાશ કર્યો છે. ઈરાનની શક્તિશાળી સૈન્ય પાંખ ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ દ્વારા પ્રશિક્ષિત એક ઇરાકી આતંકવાદીએ ઇવાન્કાની હત્યા કરવાનું ઘાતક કાવતરું ઘડ્યું હતું. ૩૨ વર્ષીય મોહમ્મદ બાકર સાદ દાઉદ અલ-સાદી નામના આ શખ્સની ધરપકડ કરવામાં આવી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે તે છેલ્લા લાંબા સમયથી ઇવાન્કા ટ્રમ્પની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યો હતો અને તેની પાસેથી ફ્લોરિડા સ્થિત ઇવાન્કાના નિવાસસ્થાનના ગુપ્ત નકશાઓ અને બ્લુપ્રિન્ટ્સ પણ મળી આવ્યા છે, જે દર્શાવે છે કે તે હુમલો કરવાની તૈયારીના અંતિમ તબક્કામાં હતો.
આ લોહિયાળ ખેલ પાછળનો મુખ્ય હેતુ વર્ષ ૨૦૨૦માં અમેરિકી ડ્રોન હુમલામાં માર્યા ગયેલા ઈરાની કમાન્ડર કાસિમ સુલેમાનીના મોતનો પ્રતિશોધ લેવાનો હતો. અલ-સાદી સુલેમાનીને પોતાના આદર્શ અને માર્ગદર્શક માનતો હતો. સુલેમાનીની હત્યા ડોનાલ્ડ ટ્રમ્પના આદેશથી કરવામાં આવી હતી, જેના કારણે બદલાની આગમાં સળગતા અલ-સાદીએ ટ્રમ્પના પરિવારને નિશાન બનાવવાની સોગંધ ખાધી હતી. વોશિંગ્ટનમાં ઇરાકી દૂતાવાસના પૂર્વ ડેપ્યુટી મિલિટરી એટેચી એન્ટિફાધ કનબારના જણાવ્યા અનુસાર, આ આતંકવાદી અવારનવાર જાહેરમાં કહેતો હતો કે ૅજે રીતે ટ્રમ્પે અમારા ઘરના વડાને છીનવી લીધા, તેમ આપણે પણ ઇવાન્કાને મારીને ટ્રમ્પનું ઘર ઉજ્જડ કરી દેવું જોઈએ.
સુરક્ષા એજન્સીઓ હાલ આ મામલે ઊંડી તપાસ કરી રહી છે કે શું અલ-સાદી સાથે અન્ય કોઈ સ્થાનિક સ્લીપર સેલ જોડાયેલા હતા કે કેમ. આ ઘટનાએ અમેરિકી રાષ્ટ્રપતિના પરિવારની સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ઉભા કર્યા છે. ખાસ કરીને જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી સત્તામાં છે, ત્યારે ઈરાન પ્રેરિત આ પ્રકારના હુમલાની ધમકીઓએ વ્હાઇટ હાઉસ અને ગુપ્તચર એજન્સીઓની ઊંઘ હરામ કરી દીધી છે. ઇવાન્કા ટ્રમ્પની સુરક્ષામાં હવે અભૂતપૂર્વ વધારો કરી દેવામાં આવ્યો છે અને આ આતંરરાષ્ટ્રીય કાવતરાના મૂળ સુધી પહોંચવા માટે ગ્લોબલ ઇન્ટેલિજન્સ નેટવર્કને સક્રિય કરવામાં આવ્યું છે.
(11:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
