તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૫ શુક્રવાર
News of Sunday, 17th May 2026
પીએમ મોદી સ્વીડન પહોંચ્યા :AI, સંરક્ષણ, ટ્રેડ અને ગ્રીન એનર્જી પર ઘણી મોટી ડીલ પર હસ્તાક્ષર કરાશે
પીએમ મોદી પોતાના સ્વીડિશ સમકક્ષ ઉલ્ફ ક્રિસ્ટર્સન સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે: ટ્રેડ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, સંરક્ષણ, ગ્રીન ટ્રાન્ઝિશન, સ્પેસ, ઉભરતી તકનીકો અને સ્ટાર્ટઅપ્સ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થશે

નવી દિલ્હી : પીએમ મોદી સ્વીડન પહોંચ્યા છે,આ પ્રવાસમાં ભારત અને યુરોપના સંબંધોને નવી ગતિ આપવાના છે, જ્યાં AI, સંરક્ષણ, ટ્રેડ અને ગ્રીન એનર્જી પર ઘણી મોટી ડીલ પર હસ્તાક્ષર થઈ શકે છે. તેમની આ યાત્રા રોકાણ અને વ્યાપારની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સ્વીડન પહોંચી ચૂક્યા છે. સ્વીડિશ વડાપ્રધાન ઉલ્ફ હજલમાર ક્રિસ્ટર્સને એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત કર્યું. પીએમ મોદીનો ૨ દિવસીય પ્રવાસ ભારત-સ્વીડનના સંબંધોને નવી ઊંચાઈઓ સુધી લઈ જશે. તેમનો આ પ્રવાસ એવા સમયે થઈ રહ્યો છે, જ્યારે ભારત-યુરોપ વચ્ચે તકનીકી, વ્યૂહાત્મક અને આર્થિક ભાગીદારી ઝડપથી મજબૂત થઈ રહી છે. PM મોદી આ દરમિયાન, પોતાના સ્વીડિશ સમકક્ષ ઉલ્ફ ક્રિસ્ટર્સન સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે, જેમાં ટ્રેડ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, સંરક્ષણ, ગ્રીન ટ્રાન્ઝિશન, સ્પેસ, ઉભરતી તકનીકો અને સ્ટાર્ટઅપ્સ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થશે.
આ પ્રવાસની એક ખાસ વાત એ પણ છે કે આ દરમિયાન પીએમ મોદી યુરોપિયન કમિશનના અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયેનની સાથે 'યુરોપિયન રાઉન્ડ ટેબલ ફોર ઈન્ડસ્ટ્રી'ના કાર્યક્રમને સંબોધિત કરશે, જેને યુરોપિયન ખંડના સૌથી પ્રભાવશાળી બિઝનેસ મંચોમાંથી એક માનવામાં આવે છે. જાણી લો કે જાન્યુઆરી, 2026 માં લાગુ થયેલા ભારત અને યુરોપિયન યુનિયનના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટબાદ પીએમ મોદીનો આ પ્રથમ યુરોપ પ્રવાસ છે, તેથી સમગ્ર વિશ્વની નજર આ પ્રવાસ પર ટકેલી છે.
નોંધનીય છે કે સ્વીડન અને ભારત વચ્ચે વધતા આર્થિક સંબંધો આ પાર્ટનરશિપની મજબૂતીને દર્શાવે છે. વર્ષ 2025માં બંને દેશો વચ્ચે ટ્રેડ 7.75 અબજ ડોલરના રેકોર્ડ સ્તર પર પહોંચી ગયો. પીએમ મોદીની આ યાત્રા દરમિયાન, સંરક્ષણ ઉત્પાદન, મેક ઈન ઈન્ડિયા, AI કોલેબોરેશન અને હરિત ઊર્જાને લઈને પણ ઘણી મોટી જાહેરાતો થઈ શકે છે. ડિજિટલ ઈનોવેશન, ગ્રીન ઈન્ડસ્ટ્રી અને ગ્લોબલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપના નવા એજન્ડા સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આ યાત્રા ભારત-યુરોપ સંબંધો માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
.
(8:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
