તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 23rd September 2026
PM મોદી ડિસેમ્બરમાં જઈ શકે છે અમેરિકાઃ ટ્રમ્પને મળશે
અમેરિકાના ફલોરિડામાં ટ્રમ્પની યજમાનીમાં G20 સમિટ યોજાશે : PM મોદીની અમેરિકાની છેલ્લી મુલાકાત ફેબ્રુઆરી ૨૦૨૫માં થઈ હતી

નવી દિલ્હીઃ તા.૨૩: વડાપ્રધાન મોદીના ડિસેમ્બરમાં અમેરિકા જવાની ચર્ચા તેજ બની છે. જો PM મોદી અમેરિકા જાય છે તો તેઓ ફલોરિડામાં યોજાનારી G૨૦ સમિટમાં સામેલ થશે. ૨૦૨૬ની G૨૦ લીડર્સ સમિટ ૧૪ અને ૧૫ ડિસેમ્બરે ફલોરિડાના ટ્રમ્પ નેશનલ ડોરલ મિયામીમાં યોજાવાની છે. તેની યજમાની અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કરશે.
અમેરિકી રાજદૂત સર્ગિયો ગોર પણ કહી ચૂક્યા છે કે PM મોદી ડિસેમ્બરમાં G૨૦ માટે અમેરિકા આવશે. જોકે, ભારતના વિદેશ મંત્રાલયે હજુ PM મોદીની મુલાકાતની સત્તાવાર જાહેરાત કરી નથી.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, જો PM મોદી ફલોરિડા જાય છે તો ટ્રમ્પ સાથે તેમની દ્વિપક્ષીય બેઠક પણ થઈ શકે છે. G૨૦ દરમિયાન ક્વાડ સમિટ યોજવાની પણ તૈયારીઓ ચાલી રહી છે. આ ઉપરાંત અહેવાલ મુજબ, અમેરિકા બાદ PM મોદી કેનેડાની દ્વિપક્ષીય મુલાકાત પણ કરી શકે છે. આ મુલાકાતોને લઈને અંતિમ કાર્યક્રમ ભારત સરકારની સત્તાવાર જાહેરાત બાદ જ સ્પષ્ટ થશે.
હાલ ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનું ૮૧મું સત્ર ચાલી રહ્યું છે, પરંતુ વડાપ્રધાન મોદી આ વખતે UNGAમાં સામેલ થયા નથી. ભારત તરફથી વિદેશ મંત્રી એસ. જયશંકર ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા છે. તેઓ ૨૬ સપ્ટેમ્બરે UNGAના હાઈ લેવલ સેશનને સંબોધશે. આ દરમિયાન તેઓ અનેક દ્વિપક્ષીય અને બહુપક્ષીય બેઠકોમાં પણ ભાગ લેશે.
PM મોદીની અમેરિકાની છેલ્લી મુલાકાત ફેબ્રુઆરી ૨૦૨૫માં થઈ હતી. ૧૩ ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વોશિગ્ટન DCમાં PM મોદીની સત્તાવાર કાર્યકારી મુલાકાત દરમિયાન તેમની યજમાની કરી હતી. વડાપ્રધાન કાર્યાલયની સત્તાવાર મુલાકાત યાદી મુજબ, ફેબ્રુઆરી ૨૦૨૫ બાદ મોદીની કોઈ અમેરિકા મુલાકાત નોંધાઈ નથી.
હવે ડિસેમ્બરમાં પ્રસ્તાવિત G૨૦ મુલાકાત જો થાય છે તો ફેબ્રુઆરી ૨૦૨૫ બાદ તે PM મોદીની આગામી અમેરિકા મુલાકાત હશે. જોકે, હાલ તેને સંભવિત મુલાકાત તરીકે જ જોવામાં આવી રહી છે અને અંતિમ કાર્યક્રમની પુષ્ટિ ભારત સરકાર તરફથી થવાની બાકી છે.
(9:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
