તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 22nd May 2026
પીએમ મોદીને ‘ઝાલમુરી' ખવડાવવી પડી ભારેઃ બંગાળના દુકાનદારને પાકિસ્તાન-બાંગ્લાદેશથી જાનથી મારી નાખવાની ધમકી મળી
આંતરરાષ્ટ્રીય કોલ્સ દ્વારા પરિવાર સહિત ખતમ કરી નાખવાની ચેતવણી મળતા પોલીસ દોડતી થઈ

કલકતા, તા.૨૨: પશ્ચિમ બંગાળના ઝારગ્રામમાં એક સામાન્ય ઝાલમુરી વેચનાર બિક્રમ સૌ માટે કિસ્મતનો વળાંક જીવનું જોખમ બની જશે તેવી તેણે કલ્પના પણ નહોતી કરી. ૧૯ એપ્રિલના રોજ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો અચાનક બિક્રમની નાનકડી લારી પર ઉભો રહ્યો અને પીએમએ હોંશે-હોંશે તેના હાથની ઝાલમુરીનો સ્વાદ માણ્યો, ત્યારે બિક્રમ રાતોરાત આખા દેશમાં સોશિયલ મીડિયા સ્ટાર બની ગયો હતો. પીએમ સાથેની એ મનમોહક ક્ષણોએ તેને લોકપ્રિયતા તો અપાવી, પરંતુ આ પ્રસિદ્ધિ હવે તેના જીવન માટે અભિશાપ સાબિત થઈ રહી છે.
છેલ્લા કેટલાક દિવસોથી બિક્રમ સૌના મોબાઈલ પર ભયાનક ધમકીઓનો સિલસિલો શરૂ થયો છે. બિક્રમનો આરોપ છે કે તેને પાકિસ્તાન (+૯૨) અને બાંગ્લાદેશ (+૮૮૦) જેવા દેશોના આંતરરાષ્ટ્રીય નંબરો પરથી સતત વોટ્સએપ વિડીયો કોલ્સ અને મેસેજ આવી રહ્યા છે. આ અજાણ્યા શખ્સો તેને વડાપ્રધાનની સેવા કરવા બદલ ગંભીર પરિણામો ભોગવવાની અને જાનથી મારી નાખવાની સીધી ધમકી આપી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરેથી થતા આ હુમલાખોર કોલ્સને કારણે બિક્રમનો આખો પરિવાર ફફડાટમાં જીવી રહ્યો છે અને ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યો છે.
આ ઘટનાની ગંભીરતા જોતા સ્થાનિક પોલીસ પ્રશાસન તાત્કાલિક હરકતમાં આવ્યું છે. બિક્રમની ફરિયાદના આધારે સાયબર સેલ અને સ્થાનિક પોલીસ આ આંતરરાષ્ટ્રીય નંબરોનું લોકેશન ટ્રેસ કરી રહી છે. જે લારી પર એક સમયે પીએમ મોદીના આગમનનો જશ્ન હતો, ત્યાં આજે પોલીસનો પહેરો જોવા મળી રહ્યો છે. એક ગરીબ દુકાનદારને માત્ર દેશના વડાપ્રધાનને નાસ્તો કરાવવા બદલ વિદેશી ધરતી પરથી મળતી આવી ધમકીઓએ સુરક્ષા એજન્સીઓ માટે પણ મોટો પડકાર ઉભો કર્યો છે.
(2:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
