<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th July 2026

પીએમ મોદીએ નામ લીધા વિના ’56 વર્ષના યુવાન’ કહીને વિપક્ષ પર તીખો કટાક્ષ કર્યો

પીએમ મોદીએ ચોમાસુ સત્રને ઐતિહાસિક ગણાવ્યું અને કહ્યું કે સરકાર આ સત્રમાં ઘણા મહત્વના બિલ લાવવા જઈ રહી છે. તેમણે વિરોધ પક્ષોને સકારાત્મક વલણ અપનાવવા અને ગૃહની કાર્યવાહી સુચારૂ રીતે ચલાવવામાં મદદ કરવા અપીલ કરી

નવી દિલ્હી :  સંસદનું ચોમાસુ સત્ર સોમવારથી શરૂ થઈ ગયું છે. સત્તાપક્ષ અને વિપક્ષ બંનેની રણનીતિને જોતાં આ સત્ર હંગામેદાર રહેવાના પૂરેપૂરા સંકેત છે. જંતર-મંતર પર પણ વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે. આ દરમિયાન સત્રની શરૂઆતમાં જ વડાપ્રધાન મોદીએ સંસદ ભવન પરિસરમાં મીડિયાને સંબોધિત કર્યું હતું. પીએમ મોદીએ દેશના યુવાનોને ખાસ સંદેશ આપ્યો હતો, પરંતુ સાથે જ કોઈનું નામ લીધા વિના ’56 વર્ષના યુવાન’ કહીને વિપક્ષ પર તીખો કટાક્ષ પણ કર્યો હતો

 

વડાપ્રધાન મોદીએ આ ચોમાસુ સત્રને ઐતિહાસિક ગણાવ્યું હતું અને કહ્યું હતું કે સરકાર આ સત્રમાં ઘણા મહત્વના બિલ લાવવા જઈ રહી છે. તેમણે વિરોધ પક્ષોને સકારાત્મક વલણ અપનાવવા અને ગૃહની કાર્યવાહી સુચારૂ રીતે ચલાવવામાં મદદ કરવા અપીલ કરી હતી. પીએમ મોદીએ કહ્યું, "ચોમાસું હોય કે ચોમાસુ સત્ર, જો બંને 'પ્રો-એક્ટિવ' હોય તો ખૂબ જ 'પ્રોડક્ટિવ' બને છે. જ્યારે બંને પ્રોડક્ટિવ હોય છે, ત્યારે દેશનું કલ્યાણ થાય છે અને દરેક જીવનું ભલું થાય છે. તેથી અમારી એ જ પ્રાર્થના છે કે ચોમાસું પણ પ્રો-એક્ટિવ રહે અને ચોમાસુ સત્ર પણ પ્રોડક્ટિવ રહે."

પીએમ મોદીએ છેલ્લા એક મહિનામાં ભારતે મેળવેલી આંતરરાષ્ટ્રીય અને અંતરિક્ષ ક્ષેત્રની સિદ્ધિઓની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે બે દિવસ પહેલાં જ ભારતના યુવાનોની આગેવાની હેઠળના એક સ્ટાર્ટ-અપે મોટી સિદ્ધિ હાંસલ કરી છે, જે અત્યાર સુધી વિશ્વના બહુ ઓછા દેશો કરી શક્યા છે. પીએમએ ઉમેર્યું, "આ કોઈ સંયોગ નથી, પરંતુ એક મજબૂત સંદેશ છે કે દેશના યુવાનોની ક્ષમતા અને તેમની આકાંક્ષાઓ અંતરિક્ષ જેટલી જ અસીમ છે. તેમણે ભારતીયોમાં આત્મવિશ્વાસ જગાવ્યો છે." ગૃહમાં થતા હંગામા પર નિશાન સાધતા તેમણે કહ્યું કે જ્યાં તર્ક અને તથ્યો હોય ત્યાં બૂમાબૂમ કે અવાજ કરવાની કોઈ જરૂર નથી હોતી, શાંત રહીને પણ પોતાની વાત અસરકારક રીતે રજૂ કરી શકાય છે

 

વડાપ્રધાને યુવાનોના સ્ટાર્ટ-અપની પ્રશંસા કરતા કરતા અચાનક જ રાજકીય નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું, "આ સ્ટાર્ટ-અપમાં જે યુવાનો કામ કરી રહ્યા હતા, મને જણાવવામાં આવ્યું છે કે તેમની આખી ટીમની સરેરાશ ઉંમર (એવરેજ એજ) માત્ર 28 વર્ષ છે. આવા નવયુવાનોએ આ અદભુત કામ કર્યું છે. હું અહીં કોઈ 56 વર્ષની ઉંમરવાળા 'નવયુવાન'ની વાત નથી કરી રહ્યો."

 

રાજકીય વર્તુળોમાં પીએમના આ નિવેદનને લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે. રાહુલ ગાંધીનો જન્મ 19 જૂન 1970ના રોજ થયો હોવાથી તેઓ હાલ 56 વર્ષના છે. પીએમએ '56 વર્ષના યુવાન' શબ્દપ્રયોગ કરીને સીધો કટાક્ષ કર્યો હોવાની ચર્ચા સોશિયલ મીડિયા પર જોર પકડી રહી છે.

વડાપ્રધાને દેશની આર્થિક તાકાતનો ઉલ્લેખ કરતા કહ્યું કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધને કારણે ભારત જેવા ઉર્જા નિર્ભર દેશો માટે પેટ્રોલ, ડીઝલ, એલપીજી અને કેમિકલ સપ્લાયની મોટી કટોકટી ઊભી થઈ હતી. આટલા અવરોધો છતાં ભારતે 7.7 ટકાનો વિકાસ દર જાળવી રાખ્યો છે અને તે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થા તરીકે ઉભરી આવ્યું છે. તેમણે તાજેતરમાં રાજસ્થાનમાં શરૂ થયેલી ઓઈલ રિફાઈનરી, દેશના ત્રીજા સેમિકન્ડક્ટર પ્લાન્ટ અને ગ્રીન હાઈડ્રોજનથી ચાલતી વિશ્વની સૌથી શક્તિશાળી ટ્રેનનો ઉલ્લેખ કરીને ભારતની અંદરુની તાકાતનો પરચો આપ્યો હતો.

અંતમાં પીએમ મોદીએ તમામ સાંસદોને સંસદમાં સાર્થક ચર્ચા કરવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું, "રાષ્ટ્રભક્તિના અવાજને સદનમાં યોગ્ય મંચ મળવો જોઈએ. મને વિશ્વાસ છે કે જ્યાં તર્ક મજબૂત હોય છે ત્યાં તોફાન માટે કોઈ જગ્યા નથી હોતી. જો તમારા તથ્યો સાચા હોય તો શાંત ચિત્તે પણ અવાજ બુલંદ કરી શકાય છે. હું આશા રાખું છું કે સંસદમાં દરેક અવાજને સન્માન મળે

 

(1:18 PM IST)