તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 11th September 2026
દિલ્હીમાં BRICS સમિટ પૂર્વે પીએમ મોદી અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન વચ્ચે મહત્વપૂર્ણ બેઠક
ઈરાની રાષ્ટ્રપતિ બન્યા બાદ પેઝેશ્કિયાનની પ્રથમ ભારત મુલાકાત: વેપારમાં સ્થાનિક ચલણ વાપરવા હાકલ

ભારત મંડપમ ખાતે ૧૮મી BRICS સમિટના આયોજન દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન સાથે ઉષ્માભરી દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી. ઈરાનના રાષ્ટ્રપતિ તરીકે પદભાળ સંભાળ્યા બાદ મસૂદ પેઝેશ્કિયાનની આ પ્રથમ ભારત મુલાકાત છે. પશ્ચિમ એશિયામાં વધી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવ અને ઈરાન પર અમેરિકા દ્વારા લાદવામાં આવેલા નવા આર્થિક પ્રતિબંધો વચ્ચે બંને દેશોના ટોચના નેતાઓ વચ્ચેની આ મુલાકાત રાજદ્વારી રીતે અત્યંત અગત્યની માનવામાં આવે છે.
બેઠક દરમિયાન બંને નેતાઓએ ભારત અને ઈરાન વચ્ચેના ઐતિહાસિક તથા દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. આ અગાઉ BRICS બિઝનેસ ફોરમને સંબોધતા ઈરાનના રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાને વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓ સામે BRICS દેશો વચ્ચેના પરસ્પર વેપારમાં ડોલરના બદલે સ્થાનિક ચલણોના ઉપયોગને પ્રોત્સાહન આપવા ભારપૂર્વક અપીલ કરી હતી.
ઈરાની રાષ્ટ્રપતિએ પોતાના સંબોધનમાં ઉલ્લેખ કર્યો હતો કે હાલમાં સમગ્ર વિશ્વ એક અત્યંત જટિલ અને પડકારજનક તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે, જ્યાં ભૌગોલિક અને રાજકીય અનિશ્ચિતતાઓ સતત વધી રહી છે. આવા સમયે BRICS જેવા મંચ પરથી સભ્ય દેશોએ આર્થિક સહયોગ વધારીને એકબીજાના અર્થતંત્રોને ટેકો આપવો જોઈએ.
દરમિયાન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ BRICS મંચ પરથી ભારત વૈશ્વિક સંગઠનો અને આર્થિક ઉકેલોનું મુખ્ય કેન્દ્ર બની રહ્યું હોવાનું જણાવ્યું હતું. ભારત મંડપમ ખાતે યોજાયેલી આ બેઠક દ્વારા બંને દેશોએ ચાબહાર પોર્ટ પ્રોજેક્ટ સહિતના મહત્વના ક્ષેત્રોમાં વ્યાપારી તથા વ્યૂહાત્મક ભાગીદારી આગળ ધપાવવાની દિશામાં હકારાત્મક સંકેતો આપ્યા છે.
(10:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
