<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th September 2026

૧૮મી BRICS સમિટ પૂર્વે ભારત મંડપમ ખાતે પીએમ મોદી અને પુતિન વચ્ચે ૪૫ મિનિટની શિખર બેઠક: દ્વિપક્ષીય સંબંધોને અપાશે નવી દિશા

બેઠક બાદ બંને નેતાઓ એક જ કારમાં 'INNOPROM' પ્રદર્શન માટે રવાના થયા: વેપાર, ઉર્જા સુરક્ષા: સંરક્ષણ અને યુક્રેન મુદ્દે વિસ્તૃત ચર્ચા

નવી દિલ્હી :  ૧૮મી BRICS સમિટની ઔપચારિક શરૂઆત પૂર્વે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે ૪૫ મિનિટ સુધી મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. વૈશ્વિક તણાવ અને ભૂરાજકીય પરિવર્તનો વચ્ચે યોજાયેલી આ ઉચ્ચ સ્તરીય બેઠક પર વિશ્વભરની નજર મંડાયેલી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વાટાઘાટો દરમિયાન દ્વિપક્ષીય વેપાર, ઉર્જા સુરક્ષા, સ્થાનિક ચલણમાં ચૂકવણી અને વ્યૂહાત્મક સંરક્ષણ ભાગીદારી જેવા મહત્વના મુદ્દાઓ પર ગંભીર ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત યુક્રેન કટોકટીનો શાંતિપૂર્ણ ઉકેલ અને પ્રાદેશિક સુરક્ષા અંગે પણ વિચાર-વિમર્શ થયો હતો.

દ્વિપક્ષીય વાટાઘાટો પૂર્ણ થયા બાદ બંને દેશો વચ્ચેની ગાઢ મિત્રતાની ખાસ ઝલક જોવા મળી હતી. પીએમ મોદી અને રાષ્ટ્રપતિ પુતિન ભારત મંડપમ ખાતે આયોજિત પ્રતિષ્ઠિત 'INNOPROM' ઔદ્યોગિક પ્રદર્શનની મુલાકાત લેવા એક જ કારમાં રવાના થયા હતા. બંને નેતાઓએ પ્રદર્શનમાં વિવિધ સ્ટોલની મુલાકાત લઈ ટેકનોલોજીકલ અને વ્યાપારિક સહયોગની સંભાવનાઓ ચકાસી હતી. આ અગાઉ, પ્રધાનમંત્રી મોદીએ રાષ્ટ્રપતિ પુતિનને મહાન તમિલ સંત તિરુવલ્લુવર રચિત "તિરુક્કુરલ" નો રશિયન અનુવાદ ભેટમાં આપ્યો હતો. ભારત હાલ BRICS નું અધ્યક્ષપદ સંભાળી રહ્યું હોવાથી, આ બેઠકથી બંને દેશો વચ્ચેના આર્થિક અને તકનીકી સંબંધો વધુ મજબૂત બનવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

(6:49 PM IST)