તા. ૧૭ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૫ મંગળવાર
News of Thursday, 9th July 2026
પીએમ મોદી ઓસ્ટ્રેલિયામાં ભાવભર્યું સ્વાગત : મેલબોર્ન એરપોર્ટ પર હજારો ભારતીય પ્રવાસીઓએ ‘વંદે માતરમ્’, ‘ભારત માતા કી જય’ અને ‘મોદી, મોદી’ ના નારા લગાવ્યા
ઓસ્ટ્રેલિયન ભારતીય ઓર્કેસ્ટ્રા દ્વારા રજૂ કરવામાં આવેલી ‘વંદે માતરમ્’ ની ધૂને લોકોના દિલ જીતી લીધા:પ્રવાસી ભારતીય કલાકારો દ્વારા રજૂ કરાયેલ પરંપરાગત કથક નૃત્યની વડાપ્રધાને જાહેરમાં ખૂબ પ્રશંસા કરી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પોતાના ત્રિદિવસીય સત્તાવાર વિદેશ પ્રવાસના બીજા તબક્કામાં બુધવારે ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન એરપોર્ટ પર પહોંચ્યા છે, જ્યાં તેમનું પરંપરાગત અને અત્યંત ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ખાસ પીએમ મોદીની ઓસ્ટ્રેલિયા મુલાકાતના પ્રારંભે ત્યાં વસતા ભારતીય મૂળના પ્રવાસીઓએ ગગનભેદી નારાઓ અને શાનદાર સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા પીએમ મોદીનું અભિવાદન કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઇન્ડોનેશિયાની સફળ મુલાકાત પૂર્ણ કરીને સીધા ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ખાતે પહોંચ્યા હતા એરપોર્ટ પર પગ મૂકતાની સાથે જ ત્યાં હાજર હજારો ભારતીય પ્રવાસીઓએ ‘વંદે માતરમ્’, ‘ભારત માતા કી જય’ અને ‘મોદી, મોદી’ ના નારા લગાવ્યા હતા, જેના કારણે સમગ્ર એરપોર્ટ પરિસર દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું. પ્રવાસી ભારતીયોએ પીએમ મોદીના સન્માનમાં અદભુત કલાત્મક પ્રસ્તુતિઓ રજૂ કરી હતી, જેને જોઈને વડાપ્રધાન પોતે પણ ભાવવિભોર થયા હતા.
આ ભવ્ય સ્વાગત સમારોહ દરમિયાન ઓસ્ટ્રેલિયન ભારતીય ઓર્કેસ્ટ્રા દ્વારા રજૂ કરવામાં આવેલી ‘વંદે માતરમ્’ ની ધૂને લોકોના દિલ જીતી લીધા હતા. આ ઉપરાંત, મેલબોર્નમાં પ્રવાસી ભારતીય કલાકારો દ્વારા રજૂ કરાયેલા પરંપરાગત કથક નૃત્યની વડાપ્રધાને જાહેરમાં ખૂબ પ્રશંસા કરી હતી.
પોતાની ખુશી વ્યક્ત કરતા પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X) પર લખ્યું, "મેલબોર્નમાં ભારતીય સમુદાય દ્વારા સ્વાગત દરમિયાન શાનદાર કથક પ્રદર્શન જોઈને મને અત્યંત આનંદ થયો. ઓસ્ટ્રેલિયાના ખૂણે-ખૂણે ભારતીય નૃત્ય શૈલીઓ લોકપ્રિય થઈ રહી છે તે જોવું ખરેખર ગર્વની બાબત છે."
વડાપ્રધાન મોદીના ઓસ્ટ્રેલિયા આગમન પહેલા જ બંને દેશોના વેપારી અને ટેકનોલોજીકલ સંબંધોને લઈને મોટો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. કૂટનીતિક સ્તરે આ મુલાકાત બંને દેશો વચ્ચેની વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવશે
ઓસ્ટ્રેલિયા-ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલના ટ્રેઝરર પ્રકાશ ગુપ્તાએ બંને દેશોના આર્થિક ભવિષ્ય અંગે મહત્વના આંકડા શેર કર્યા છે. તેમણે જણાવ્યું કે ભારત અને ઓસ્ટ્રેલિયાએ વેપાર ક્ષેત્રે ખૂબ જ લાંબી અને સફળ સફર ખેડી છે. અગાઉ જ્યાં બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર માત્ર ૧૪ અબજ ડોલર આસપાસ મર્યાદિત હતો, તે હવે નાટકીય રીતે વધીને લગભગ ૫૫ અબજ ડોલર સુધી પહોંચી ગયો છે. આર્થિક નિષ્ણાતો અને બિઝનેસ કાઉન્સિલને પૂરી આશા છે કે આગામી વર્ષ ૨૦૩૦ સુધીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેનો આ દ્વિપક્ષીય વેપારનો આંકડો ૧૦૦ અબજ ડોલરને સરળતાથી પાર કરી જશે. આ પ્રવાસ દરમિયાન સંરક્ષણ, અક્ષય ઊર્જા અને ક્રિટિકલ મિનરલ્સ જેવા ક્ષેત્રોમાં પણ મહત્વના કરારો થવાની સંભાવના છે.
(12:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
