<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th May 2026

દિલ્હીમાં યોજાયેલી બ્રિક્સ બેઠકમાં પીએમ મોદીએ ગ્લોબલ સાઉથને મજબૂત કરવા આપ્યો ખાસ મંત્ર

ગ્લોબલ સાઉથનો અવાજ બનશે બ્રિક્સ :યુક્રેન અને પશ્ચિમ એશિયાના સંકટ પર ગહન મંથન:ભારતની અધ્યક્ષતામાં નવા વિશ્વ વ્યવસ્થાનો રોડમેપ તૈયાર

ભારતના અધ્યક્ષપદ  હેઠળ નવી દિલ્હીમાં ગુરુવારથી બે દિવસીય બ્રિક્સ વિદેશ મંત્રીઓની બેઠકનો પ્રારંભ થયો છે. આ મહત્વપૂર્ણ અવસરે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સ્પષ્ટ કર્યું હતું કે ભારતની આગેવાનીમાં બ્રિક્સ દેશો બહુપક્ષીયતાને મજબૂત કરવા અને વિકાસ માટે પ્રતિબદ્ધ છે.

 

બેઠક દરમિયાન પીએમ મોદીએ વિદેશ મંત્રીઓ અને પ્રતિનિધિમંડળના વડાઓ સાથે મુલાકાત કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, બ્રિક્સ હવે ઉભરતી અર્થવ્યવસ્થાઓ માટે માત્ર એક સંગઠન નથી, પરંતુ તે 'ગ્લોબલ સાઉથ'ની આશાઓ અને આકાંક્ષાઓનું પ્રતિનિધિત્વ કરતું એક સશક્ત પ્લેટફોર્મ બની ગયું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પીએમ મોદીએ લખ્યું કે, ભારત સંતુલિત વિશ્વ વ્યવસ્થા બનાવવા માટે મક્કમ પગલાં લેશે.

વર્તમાન વૈશ્વિક તણાવ વચ્ચે પીએમ મોદીએ જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય મંચ પર વિકાસશીલ દેશોનો અવાજ વધુ બુલંદ કરવાની જરૂર છે. બદલાતા વૈશ્વિક પરિદ્રશ્યમાં તમામ દેશોને સમાન તકો મળે અને વૈશ્વિક સંસ્થાઓમાં સંતુલિત પ્રતિનિધિત્વ મળે તે દિશામાં ભારત કાર્યરત છે.

આ હાઈ-પ્રોફાઈલ ઈવેન્ટ દરમિયાન રશિયાના વિદેશ મંત્રી સેર્ગેઈ લવરોવએ પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓ વચ્ચે યુક્રેન સંકટ અને પશ્ચિમ એશિયાની સ્થિતિ  અંગે ગહન ચર્ચા થઈ હતી. પીએમ મોદીએ પુનરોચ્ચાર કર્યો કે ભારત હંમેશા 'વાતચીત અને રાજદ્વારી' દ્વારા શાંતિપૂર્ણ ઉકેલનો પક્ષધર રહ્યો છે. બેઠકમાં ડિસેમ્બર 2025 માં યોજાયેલા ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલન પછીના પ્રોગ્રેસની પણ સમીક્ષા કરવામાં આવી હતી.

વિદેશ મંત્રી એસ. જયશંકરની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં આર્થિક સહયોગ, વૈશ્વિક સુરક્ષા, વેપાર, ઉર્જા અને આબોહવા પરિવર્તન જેવા ગંભીર મુદ્દાઓ પર ચર્ચા થઈ રહી છે. ભારતનું લક્ષ્ય આર્થિક શક્તિ વધારવા અને વૈશ્વિક સહયોગને નવા સ્તરે લઈ જવાનું છે.

(12:25 AM IST)