<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th May 2026

પીએમ મોદી જૂનના પ્રથમ સપ્તાહમાં દમણની મુલાકાતે આવશે

એરપોર્ટ ટર્મિનલ અને મરવડ હોસ્પિટલનું કરશે લોકાર્પણ :પ્રશાસન દ્વારા તડામાર તૈયારીઓ શરૂ :તૈયારીઓને લઈને વિવિધ વર્ગો સાથે બેઠક

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આગામી જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં દમણની મુલાકાતે આવવાના છે. આ મુલાકાત દરમિયાન તેઓ અત્યાધુનિક એરપોર્ટ ટર્મિનલ અને મરવડ હોસ્પિટલનું લોકાર્પણ કરશે. આ કાર્યક્રમને લઈને દમણ પ્રશાસન દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
દમણના પ્રશાસક પ્રફુલ પટેલના નેતૃત્વ હેઠળ યોજાનાર આ ભવ્ય કાર્યક્રમ નાની દમણ સ્થિત સ્વામી વિવેકાનંદ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. નોંધનીય છે કે પ્રધાનમંત્રી મોદી અગાઉ દમણ, દીવ અને દાદરા નગર હવેલીમાં સાત વખત વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરી ચૂક્યા છે. આ તેમની આઠમી મુલાકાત ગણાશે
કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રશાસક પ્રફુલ પટેલે સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમ ખાતે સ્થાનિક જનપ્રતિનિધિઓ, ઉદ્યોગપતિઓ, વેપારીઓ, વિદ્યાર્થીઓ અને નાગરિકો સાથે બેઠક યોજી હતી.
પીએમ મોદીના સ્વાગત માટે મુખ્ય માર્ગો પર બેનર અને હોર્ડિંગ્સ લગાવવાની સાથે વિશેષ પ્રવેશ દ્વાર તૈયાર કરવામાં આવશે. એરપોર્ટથી સભાસ્થળ સુધી ભારતીય સંસ્કૃતિ દર્શાવતા વિવિધ લોકનૃત્યો અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પ્રશાસકે વધુમાં જાહેર સભામાં વિશાળ જનમેદની ઉપસ્થિત રહે તેવી અપીલ પણ કરી હતી.
પ્રવાસીઓને સાયકલ ઉપયોગ માટે પ્રોત્સાહન
પર્યાવરણ સંરક્ષણ અને ઇંધણ બચતને ધ્યાનમાં રાખીને પ્રશાસન દ્વારા હોટલ સંચાલકોને પણ વિશેષ અપીલ કરવામાં આવી છે. પ્રવાસીઓને દેવકા બીચ અને Jampore Beach જેવા પર્યટન સ્થળોએ ફરવા માટે વાહનોના બદલે સાયકલનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવા જણાવાયું છે.
આ પહેલ અંતર્ગત હોટલ માલિકોને પોતાની હોટલના રૂમોની સંખ્યાના દોઢા પ્રમાણમાં સાયકલો ઉપલબ્ધ રાખવા સૂચન કરવામાં આવ્યું છે. પ્રશાસનના જણાવ્યા મુજબ ઇંધણ બચત અને પર્યાવરણ જાળવણી માટે આ પ્રયાસ મહત્વપૂર્ણ સાબિત થશે

(1:35 PM IST)