<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th September 2026

BRICS બિઝનેસ ફોરમમાં પીએમ મોદીનું મોટું નિવેદન: 'ભારત વૈશ્વિક ઉકેલોનું કેન્દ્ર, BRICS હવે ૨૧ દેશોનો વિશાળ પરિવાર'

પુતિન સાથેની ૪૫ મિનિટની બેઠક બાદ 'ઇકોનોમિક કોઓપરેશન ૨૦૩૦' પર ભાર: રશિયાની વાર્ષિક સમિટ માટે પીએમ મોદીને મળ્યું આમંત્રણ

ભારત મંડપમ ખાતે ૧૮મી BRICS સમિટ ૨૦૨૬ ના શુભારંભ પૂર્વે યોજાયેલા ભવ્ય BRICS બિઝનેસ ફોરમને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતની આર્થિક અને તકનીકી તાકાતનો ચિતાર આપ્યો હતો. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા, બ્રાઝિલના વિદેશ મંત્રી મૌરો વિએરા અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાનની ઉપસ્થિતિમાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે, ભારત આજે વિશ્વ માટે નવી તકો અને આર્થિક ઉકેલોનું મુખ્ય કેન્દ્ર બની રહ્યું છે.

વર્ષ ૨૦૦૬ માં માત્ર ૪ દેશો સાથે શરૂ થયેલું આ જૂથ પોતાની ૨૦મી વર્ષગાંઠ નિમિત્તે હવે સભ્ય અને ભાગીદાર દેશો મળીને ૨૧ દેશોના વિશાળ પરિવારમાં ફેરવાઈ ચૂક્યું છે. પીએમ મોદીએ આંકડાકીય માહિતી આપતાં જણાવ્યું હતું કે, તાજેતરના વર્ષોમાં વૈશ્વિક જીડીપી અઢી ગણો વધ્યો છે, જ્યારે BRICS દેશોનો જીડીપી સાડા ચાર ગણી ઝડપે વધ્યો છે. વિશ્વની આશરે અડધી વસ્તી ધરાવતા BRICS દેશો વૈશ્વિક જીડીપીમાં ૪૦% અને આંતરરાષ્ટ્રીય વેપારમાં ૨૫% થી વધુ હિસ્સો ધરાવે છે.

પીએમ નરેન્દ્ર મોદીના ભાષણના ૧૦ મુખ્ય અંશ અને મોદી-પુતિન બેઠક

BRICS પોતાના સફળ ત્રીજા દાયકામાં પ્રવેશ કરી રહ્યું છે.

૪ દેશોથી શરૂ થયેલું સંગઠન હવે ૨૧ દેશોનો વૈશ્વિક પરિવાર બન્યું.

વિશ્વની અડધોઅડધ વસ્તી આ દેશોમાં વસવાટ કરે છે.

વૈશ્વિક જીડીપી (GDP) માં BRICS નો હિસ્સો ૪૦% એ પહોંચ્યો.

વિશ્વ વેપારમાં ૨૫% થી વધુ પ્રદાન.

ભારતના UPI એ ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રે વૈશ્વિક ક્રાંતિ સર્જી.

ભારત ગ્રીન હાઇડ્રોજન અને ક્લીન એનર્જીમાં ઝડપથી આગળ વધી રહ્યું છે.

નવી ટેકનોલોજી અને સ્ટાર્ટઅપ્સ માટે ભારત ઉત્તમ મંચ પૂરું પાડે છે.

ભારતે લગભગ ૪૦ દેશો સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) કર્યા છે.

ડિજિટલ ક્ષેત્રે નવીનતમ ઉકેલો માટે ઓપન ઇકોસિસ્ટમ પર ભાર.

વ્યાપારને વધુ સરળ બનાવવા માટે પીએમ મોદીએ BRICS દેશો વચ્ચેના 'ટોપ-૧૦ વેપારી અવરોધો' ઓળખીને તેને દૂર કરવા અહેવાલ તૈયાર કરવા સૂચન કર્યું હતું. દરમિયાન, પીએમ મોદી અને રશિયન રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે ૪૫ મિનિટની ફળદાયી દ્વિપક્ષીય વાટાઘાટો યોજાઈ હતી, જેમાં એનર્જી, ડિફેન્સ, ટેકનોલોજી અને 'ઇકોનોમિક કોઓપરેશન પ્રોગ્રામ ૨૦૩૦' પર ચર્ચા થઈ હતી. રાષ્ટ્રપતિ પુતિને ૨૪મી ભારત-રશિયા વાર્ષિક સમિટ માટે પીએમ મોદીને રશિયા આવવાનું સત્તાવાર આમંત્રણ પાઠવ્યું હતું, જેનો ભારતે સહર્ષ સ્વીકાર કર્યો છે.

(10:53 PM IST)