<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th July 2026

ડિજિટલ સ્પેસમાં પીએમ મોદીનો ધમાકો: ઇન્સ્ટાગ્રામ પર ૧૦.૫ કરોડ ફોલોઅર્સ સાથે પીએમ મોદીએ રચ્યો નવો ઇતિહાસ

પેપર લીક અને યુવાનોના વિરોધ પ્રદર્શન વચ્ચે Gen-Z શૈલીમાં શૂટ કરેલા વર્ટિકલ વીડિયો વાયરલ થતાં જ પીએમ મોદીના ફોલોઅર્સ માત્ર એક જ અઠવાડિયામાં ૧૦૧ મિલિયનથી ઉછળીને ૧૦૫ મિલિયન પાર પહોંચ્યા

નવી દિલ્હી :  સોશિયલ મીડિયાના યુગમાં વૈશ્વિક નેતાઓ વચ્ચેની ડિજિટલ લોકપ્રિયતાની રેસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક એવો સીમાચિહ્ન સર કર્યો છે, જેણે આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે. ઇન્સ્ટાગ્રામ પર તેમના ફોલોઅર્સનો આંકડો ૧૦૫ મિલિયન (૧૦.૫ કરોડ)ને વટાવી ગયો છે, જે તેમને સમગ્ર વિશ્વમાં આ પ્લેટફોર્મ પર સૌથી વધુ ફોલો કરવામાં આવતા રાજકીય નેતા બનાવે છે. ગણતરીના દિવસોમાં જ તેમના ખાતામાં ૪૦ લાખથી વધુ નવા યુઝર્સ જોડાયા છે. આ અસાધારણ ઉછાળા પાછળનું મુખ્ય કારણ વડાપ્રધાન દ્વારા તાજેતરમાં યુવા વર્ગ અને દેશના GenZ પ્રેક્ષકોને સીધા સંબોધીને પોસ્ટ કરવામાં આવેલા ખાસ વર્ટિકલ સેલ્ફી વીડિયો છે.

દેશમાં પેપર લીકની ઘટનાઓ અને વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન વચ્ચે વડાપ્રધાને સીધો યુવાનો સાથે સંવાદ સાધવાનો ડિજિટલ માર્ગ અપનાવ્યો. જંતર-મંતર પર ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો અને યુવાનોની ચિંતાઓને ધ્યાનમાં રાખીને પીએમ મોદીએ પોતાના મોબાઈલથી જ બે વર્ટિકલ વીડિયો બનાવીને પોસ્ટ કર્યા હતા. વીડિયોમાં તેમણે વિદ્યાર્થીઓને ખાતરી આપી હતી કે સરકાર પેપર લીક માફિયાઓ સામે અત્યંત કડક કાયદો લાવી રહી છે અને પરીક્ષા પ્રણાલીમાં મોટા સુધારા કરવા જઈ રહી છે. વડાપ્રધાનનો આ સંવેદનશીલ અને સીધો અભિગમ યુવાનોમાં એટલો લોકપ્રિય થયો કે આ વીડિયો રાતોરાત કરોડો વ્યૂઝ મેળવીને રેકોર્ડબ્રેક વાયરલ થઈ ગયા.

ઇન્સ્ટાગ્રામનું અલ્ગોરિધમ વર્ટિકલ રીલ્સને વધુ પહોંચ આપે છે, અને વડાપ્રધાનની ટીમે GenZ પેઢી સુધી પહોંચવા માટે આ તકનીકનો બહુભાષી અને પ્રભાવશાળી ઉપયોગ કર્યો. અત્યાર સુધીમાં માત્ર ૧,૪૫૨ પોસ્ટ મૂકનાર અને કોઈને પણ ફોલો ન કરનાર પીએમ મોદીનું આ ડિજિટલ સ્ટ્રેટેજી કૌશલ્ય રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચામાં છે. યુવાનોની અવાજને સાંભળીને જારી કરાયેલા આ વીડિયોઝથી માત્ર વિરોધ પ્રદર્શનનો પારો જ શાંત થયો નથી, પરંતુ વડાપ્રધાન મોદીની વૈશ્વિક ડિજિટલ છબીને એક નવી અને યુવા-સંગત ઊંચાઈ પણ આપી છે.

(5:43 PM IST)