તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 16th May 2026
'પીએમ મોદીનો અમૃતકાળ દેશના યુવાનો માટે મૃતકાળ બન્યો': NEET પેપર લીક અને વિદ્યાર્થીઓની આત્મહત્યા પર મલ્લિકાર્જુન ખડગેનો કેન્દ્ર પર આકરો પ્રહાર
કોંગ્રેસ અધ્યક્ષે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી; ભાજપ શાસનમાં 90 પેપર લીક થતાં 9 કરોડ ભવિષ્ય રોળાયાનો આરોપ, બીજી તરફ પુણેથી સીબીઆઈએ કિંગપિન લેક્ચરરને દબોચ્યો

નવી દિલ્હી: દેશભરમાં તબીબી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે લેવાતી NEET-UG 2026 પરીક્ષાનું પેપર લીક થવા અને ત્યારબાદ પરીક્ષા રદ થવાના મામલે હવે દેશનું રાજકારણ ચરમસીમાએ પહોંચી ગયું છે. પેપર લીકના આઘાતમાં આવીને દેશના જુદા-જુદા રાજ્યોમાં મેડિકલના વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હોવાના આઘાતજનક અહેવાલો વચ્ચે વિપક્ષે કેન્દ્ર સરકારને આડે હાથ લીધી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સરકાર પર આકરા પ્રહારો કરતા સનસનાટીભર્યું નિવેદન આપ્યું છે કે, ભાજપનો આ કથિત "અમૃતકાળ" દેશની પરીક્ષાઓની તૈયારી કરતા માસૂમ વિદ્યાર્થીઓ માટે "મૃતકાળ" સાબિત થઈ રહ્યો છે. તેમણે આ શૈક્ષણિક આપત્તિની નૈતિક જવાબદારી સ્વીકારીને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના તાત્કાલિક રાજીનામાની માંગ કરી છે.
ભાજપ રાજમાં ૯૦ પેપર લીક, ૯ કરોડ પરિવારોના સપના ચકનાચૂર
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક અત્યંત ભાવુક અને આક્રમક પોસ્ટ શેર કરીને સરકારને ઘેરી છે. ખડગેએ આરોપ લગાવ્યો કે ભાજપના શાસનમાં અત્યાર સુધીમાં નાની-મોટી ૯૦ થી વધુ પરીક્ષાઓના પેપર લીક થઈ ચૂક્યા છે, જેના કારણે દેશના ૯ કરોડથી વધુ વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોના ભવિષ્ય સાથે ક્રૂર ખિલવાડ થયો છે. તેમણે પેપર લીકના આઘાતને કારણે જીવ ગુમાવનારા તેજસ્વી વિદ્યાર્થીઓ જેવા કે ઋત્વિક મિશ્રા (યુપી), ૨૦ વર્ષીય અંશિકા પાંડે (દિલ્હી), પ્રદીપ મેઘવાલ (રાજસ્થાન) અને બેંગલુરુના એક વિદ્યાર્થીના મોતના પગલાંનો ઉલ્લેખ કરીને સિસ્ટમ પર સવાલો ઉઠાવ્યા હતા કે, "જે બાળકો બાળપણથી ડોક્ટર બનવાનું સપનું જોતા હતા અને જેમની પાછળ માતા-પિતાએ જિંદગીની આખી કમાણી દાવ પર લગાવી દીધી હતી, તેમના સપનાને ભ્રષ્ટ તંત્રે કચડી નાખ્યા છે."
પીએમ મોદીના મૌન અને 'પરીક્ષા પે ચર્ચા' પર કટાક્ષ
ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મૌન પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, પીએમ મોદી ટ્વિટર પર 'ઇઝ ઓફ લિવિંગ' (જીવનની સરળતા) ની મોટી-મોટી વાતો કરી રહ્યા છે, પરંતુ નીટ કૌભાંડ અને દેશના યુવાનોના મોતના મામલે તેઓ મૌન સાધીને બેઠા છે. ૨૦૨૪ માં પણ જ્યારે નીટ પેપર લીક થયું ત્યારે ગુનેગારોને સજા આપવાને બદલે તેમને મોટા હોદ્દાઓથી નવાજવામાં આવ્યા હતા, જેનું પરિણામ આજે દેશ ભોગવી રહ્યો છે. ખડગેએ પીએમ મોદીને કટાક્ષમાં સલાહ આપી કે હવે સમય આવી ગયો છે કે સરકારે 'પરીક્ષા પે ચર્ચા' કરવાને બદલે 'પરીક્ષા લીક' પર ગંભીર ચર્ચા કરવી જોઈએ.
CBI ની મોટી એક્શન: પુણેનો કેમિસ્ટ્રી લેક્ચરર જ નીકળ્યો મહાકૌભાંડનો માસ્ટરમાઇન્ડ:
આ ભીષણ રાજકીય સંગ્રામ વચ્ચે, કેન્દ્રીય તપાસ એજન્સી (CBI) ને શુક્રવારે એક બહુ મોટી સફળતા મળી છે. સીબીઆઈએ NEET-UG 2026 પેપર લીક કેસના અસલી માસ્ટરમાઇન્ડ (કિંગપિન) પી.વી. કુલકર્ણીની પુણેથી ધરપકડ કરી લીધી છે. આરોપી કુલકર્ણી પુણેમાં રસાયણશાસ્ત્ર (Chemistry) નો જાણીતો લેક્ચરર છે અને તે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) વતી પરીક્ષા પ્રક્રિયાના સંચાલનમાં સત્તાવાર રીતે સામેલ હતો. આ હોદ્દાનો દુરુપયોગ કરીને તેણે એપ્રિલ ૨૦૨૬ ના છેલ્લા અઠવાડિયામાં જ પેપર મેળવી લીધું હતું અને પોતાની સહયોગી મનીષા વાઘમારે સાથે મળીને પોતાના ઘરે જ ખાસ વિદ્યાર્થીઓને બોલાવી પેપર લીક કર્યું હતું. સીબીઆઈએ આ કેસમાં અત્યાર સુધીમાં કુલ ૭ લોકોની ધરપકડ કરીને નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.
(9:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
