<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th November 2026

મંત્રીમંડળમાં ફેરબદલની અટકળો વચ્‍ચે પીએમ મોદીની મંત્રી પરિષદ સાથે બેઠકઃ નવાજુનીના એંધાણ?

ભારત-આસિયાન સમિટમાંથી પરત ફરતા જ વડાપ્રધાન એક્‍શનમાં: મહિલાઓ અને યુવાનો સુધી સરકારી યોજનાઓના ૧૦૦% લાભ પહોંચાડવા મંત્રીઓ પાસેથી સૂચનો મંગાવાશે

નવી દિલ્‍હી, તા.૧૮: કેન્‍દ્રીય મંત્રીમંડળમાં સંભવિત ફેરબદલની તેજ બનેલી અટકળો વચ્‍ચે વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી બુધવારે સવારે મંત્રી પરિષદના તમામ સભ્‍યો સાથે એક અત્‍યંત મહત્‍વપૂર્ણ બેઠક યોજવા જઈ રહ્યા છે. જોકે, મંત્રીમંડળના વિસ્‍તરણ કે ફેરબદલ અંગે સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ વાર્ષિક ભારત-આસિયાન સમિટમાંથી પરત ફર્યા બાદ તરત જ પીએમ મોદી દ્વારા બોલાવાયેલી આ બેઠકને રાજકીય અને વહીવટી દ્રષ્ટિએ ખૂબ જ સૂચક માનવામાં આવી રહી છે. સત્તાવાર સૂત્રોના જણાવ્‍યા અનુસાર, આ બેઠકનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય મંત્રીઓને સરકાર સામેના વર્તમાન પડકારોથી વાકેફ કરવાનો અને શાસન તેમજ વહીવટી સુધારાઓને વધુ ગતિ આપવાનો છે.

આ ઉચ્‍ચ-સ્‍તરીય મંથનમાં સરકારની ૪૦ થી ૪૫ જેટલી મુખ્‍ય કલ્‍યાણકારી અને વિકાસ યોજનાઓની પ્રગતિ પર ઊંડાણપૂર્વક ચર્ચા થવાની સંભાવના છે. ખાસ કરીને, આ યોજનાઓનો સીધો લાભ દેશની મહિલાઓ અને યુવાનો સુધી અસરકારક રીતે કેવી રીતે પહોંચી રહ્યો છે, તેની સમીક્ષા કરવામાં આવશે. વડાપ્રધાન મોદી અગાઉ પણ તેમના કેબિનેટ સાથીદારોને સ્‍પષ્ટ સંદેશ આપી ચૂકયા છે કે સામાન્‍ય નાગરિકોની સમસ્‍યાઓનું ત્‍વરિત નિરાકરણ લાવવું અને તેમના જીવનને સરળ બનાવવું (ઈઝ ઓફ લિવિંગ) એ જ સરકારનો સર્વોપરી ઉદ્દેશ્‍ય હોવો જોઈએ. આ બેઠકમાં પીએમ મોદી મંત્રીઓ પાસેથી નવા સૂચનો માંગી શકે છે અને વિવિધ સરકારી કાર્યોને આગળ ધપાવવા માટે જરૂરી માર્ગદર્શન પણ આપશે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલાં સપ્‍ટેમ્‍બર મહિનામાં મંત્રી પરિષદની ચિંતન શિબિર યોજાઈ હતી, જેમાં મંત્રીઓને આઠ અલગ-અલગ જૂથોમાં વહેંચીને પીએમ મોદીએ દરેક જૂથ સાથે વ્‍યક્‍તિગત અને સામૂહિક સંવાદ કર્યો હતો. તે બેઠકમાં સરકારી યોજનાઓના લાભો ૧૦૦ ટકા વાસ્‍તવિક લાભાર્થીઓ સુધી પહોંચાડવા અને નાગરિકો સાથે સરકારની કલ્‍યાણકારી કામગીરીનો સેતુ મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવ્‍યો હતો. સપ્‍ટેમ્‍બરની તે કવાયતના અનુસંધાનમાં યોજાઈ રહેલી આજની બેઠક આગામી સમયમાં સરકારની કામગીરીની દિશા અને મંત્રીઓના પરફોર્મન્‍સ મૂલ્‍યાંકન માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે

(3:44 PM IST)