તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 13th May 2026
પીએમ મોદીના 'ઈંધણ બચાવો' મિશન પર ભાજપના જ નેતાએ ફેરવ્યું પાણી: ૭૦૦ વાહનોના કાફલાએ મચાવ્યો હંગામો!
વડાપ્રધાનની સાદગીની અપીલને ઠેંગો બતાવતા મધ્યપ્રદેશ પાઠ્યપુસ્તક નિગમના નવા અધ્યક્ષ: ઉજ્જૈનથી ભોપાલ સુધી હાઈવે પર ઉડાડી ધૂળ : જનતા કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાઈ અને વિપક્ષે મોદીની વિશ્વસનીયતા પર ઉઠાવ્યા સવાલ

ભોપાલ : એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વૈશ્વિક યુદ્ધના સંકટને ટાંકીને દેશવાસીઓને પેટ્રોલ-ડીઝલ બચાવવા અને જાહેર પરિવહનનો ઉપયોગ કરવાની ભાવનાત્મક અપીલ કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ તેમની જ પાર્ટીના નેતાઓ આ અપીલના ધજાગરા ઉડાવી રહ્યા છે. મધ્યપ્રદેશ પાઠ્યપુસ્તક નિગમના નવા અધ્યક્ષ સૌભાગ્ય સિંહ ઠાકુરના ૭૦૦ વાહનોના લાંબા કાફલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ ભારે હોબાળો મચી ગયો છે. ઉજ્જૈનથી ભોપાલ સુધીના આ શક્તિ પ્રદર્શને હાઈવે પર કલાકો સુધી ટ્રાફિક જામ સર્જ્યો હતો, જેના કારણે સામાન્ય જનતાને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. લોકો હવે પૂછી રહ્યા છે કે શું નિયમો અને બલિદાન માત્ર સામાન્ય જનતા માટે જ છે?
વિપક્ષી પાર્ટી કોંગ્રેસે આ મુદ્દાને હાથો બનાવી ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. કોંગ્રેસ પ્રવક્તાઓએ સવાલ ઉઠાવ્યો છે કે જ્યારે વડાપ્રધાન પોતે સાદગી અપનાવવાની વાત કરે છે, ત્યારે તેમના જ નેતાઓ વડાપ્રધાન કરતા પણ મોટો કાફલો લઈને કેમ ફરે છે? સોશિયલ મીડિયા પર યુઝર્સ પણ ભાજપના નેતાઓના આ વર્તનથી નારાજ જોવા મળ્યા હતા. એક યુઝરે તીખી પ્રતિક્રિયા આપતા લખ્યું કે "મોદીજી, તમારા શબ્દોનું વજન હવે તમારા પોતાના નેતાઓ માટે પણ રહ્યું નથી." ભાજપના પ્રદેશ પ્રમુખ હેમંત ખંડેલવાલ નેતાઓને સાદગીની સલાહ આપી રહ્યા હતા, ત્યારે જ પિછોરના ધારાસભ્ય પ્રીતમ લોધીનો પણ કાફલો હાઈવે બ્લોક કરતો જોવા મળ્યો હતો.
આશ્ચર્યની વાત એ છે કે મધ્યપ્રદેશના ઉર્જા મંત્રી પોતે ઈ-બાઈક ચલાવીને ઈંધણ બચાવવાનો સંદેશ આપી રહ્યા છે, જ્યારે બીજી બાજુ નિગમના અધ્યક્ષે હોદ્દો સંભાળતા પહેલા જ કરોડોનું ઈંધણ ધુમાડામાં ઉડાવી દીધું. આ ઘટનાએ ભાજપની શિસ્ત અને વડાપ્રધાનની અપીલ પ્રત્યે નેતાઓની ગંભીરતા પર અનેક સવાલો ઉભા કર્યા છે. ભલે પાર્ટી હાઈકમાન્ડ હવે ડેમેજ કંટ્રોલ કરવા માટે ફરીથી અપીલ કરી રહ્યું હોય, પરંતુ જનતામાં જે ખોટો સંદેશ ગયો છે તેણે સરકારની વિશ્વસનીયતાને મોટો ફટકો માર્યો છે.
(7:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
