News of Saturday, 16th May 2026
હેગમાં પીએમ મોદીનો હુંકાર: "પાસપોર્ટના રંગ ભલે બદલાય, પણ હૃદયમાં તો ભારત જ ધબકે છે!"
નેધરલેન્ડ્સમાં ભારતીય ડાયસ્પોરાને સંબોધતા વડાપ્રધાને ૨૦૩૬ ઓલિમ્પિક અને ગ્લોબલ સપ્લાય ચેઈન સહિતના ૪ લક્ષ્યાંકો જાહેર કર્યા: ૧૨ વર્ષના શાસન અને UPI ક્રાંતિનો ઉલ્લેખ કરી ભારતને વિશ્વનું નવું ગ્રોથ એન્જિન ગણાવ્યું

હેગ: નેધરલેન્ડ્સના હેગ શહેરમાં પ્રવાસી ભારતીયોના એક ભવ્ય કાર્યક્રમને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના ભાવિ સપનાઓ અને લક્ષ્યાંકોનો નવો રોડમેપ રજૂ કર્યો હતો. જોરદાર નારાઓ અને તાળીઓના ગડગડાટ વચ્ચે પીએમ મોદીએ કહ્યું કે, ભારત હવે માત્ર સપના જોતું નથી પણ તેને પૂરા કરવાની તાકાત પણ રાખે છે. તેમણે ભારતના ચાર મુખ્ય ધ્યેયોની જાહેરાત કરી, જેમાં ૨૦૩૬ ઓલિમ્પિકનું યજમાન બનવું અને ભારતને વૈશ્વિક વિકાસનું મુખ્ય એન્જિન બનાવવાનો સમાવેશ થાય છે. પીએમએ ભાવુક થતા કહ્યું કે, ભલે સમય ઝોન અને સરનામાં બદલાય, પણ ભારત માતાના સંતાનોની હૂંફ અને જીવન ઉજવવાની રીત દુનિયાના કોઈપણ ખૂણે એકસરખી જ રહે છે.
પોતાના ૧૨ વર્ષના કાર્યકાળને યાદ કરતા પીએમ મોદીએ ૧૬ મે, ૨૦૧૪ ના દિવસનો ઉલ્લેખ કર્યો અને જણાવ્યું કે સ્થિર સરકારના પરિણામે આજે ભારત ડિજિટલ વ્યવહારોમાં વિશ્વનું નેતૃત્વ કરી રહ્યું છે. તેમણે આંકડાઓ સાથે ગર્વથી જણાવ્યું કે આજે ભારતમાં દર મહિને ૨૦ અબજથી વધુ UPI ટ્રાન્ઝેક્શન થાય છે, જે વિશ્વના કુલ ડિજિટલ વ્યવહારોના અડધાથી પણ વધુ છે. ૧૨ વર્ષ પહેલાના ૫૦૦ સ્ટાર્ટઅપ્સની સરખામણીએ આજે ૨ લાખથી વધુ સ્ટાર્ટઅપ્સ સાથે ભારત વિશ્વની 'સ્ટાર્ટઅપ કેપિટલ' બનવા તરફ આગળ વધી રહ્યું છે. ડચ નેતાઓ સાથેની મુલાકાતનો ઉલ્લેખ કરતા પીએમએ કહ્યું કે નેધરલેન્ડના અર્થતંત્રમાં ભારતીયોના યોગદાનના ત્યાંના રાજા-રાણી પણ પ્રશંસક છે.
વૈશ્વિક પડકારો અંગે વાત કરતા વડાપ્રધાને ચેતવણી આપી કે જો કોવિડ, યુદ્ધો અને ઉર્જા સંકટ જેવી સ્થિતિને ઝડપથી કાબૂમાં નહીં લેવાય તો વિશ્વની મોટી વસ્તી ફરી ગરીબીમાં ધકેલાઈ શકે છે. આ કપરા સમયમાં ભારત અને નેધરલેન્ડ વિશ્વસનીય અને પારદર્શક 'સપ્લાય ચેઈન' બનાવવા માટે ખભેખભા મિલાવીને કામ કરી રહ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ભારતની સંસ્કૃતિ સદીઓ પછી પણ જીવંત છે કારણ કે તે લોકોના હૃદયમાં વસેલી છે. ભારત હવે વિશ્વ માટે માત્ર એક બજાર નથી, પણ ભવિષ્ય માટે તૈયાર રહેતું એક મજબૂત અને વિશ્વસનીય ભાગીદાર છે.
(7:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
