તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 16th May 2026
પીએમ નરેન્દ્રભાઈ મોદીની નેધરલેન્ડ યાત્રા : ‘ધ હેગ’ માં પ્રવાસી ભારતીયોનો અદ્ભુત ઉત્સાહ જોઈ વડાપ્રધાન ગદગદ, કહ્યું- "જાણે ભારતનો જ કોઈ ઉત્સવ ચાલી રહ્યો હોય તેવો માહોલ"
ભારત-ઈયુ મુક્ત વ્યાપાર કરાર બાદ આર્થિક સંબંધોને નવી ગતિ : સેમિકન્ડક્ટર, સ્વચ્છ ઉર્જા અને જળ વ્યવસ્થાપન જેવા ક્ષેત્રોમાં ડચ પીએમ રોબ જેટન અને શાહી પરિવાર સાથે યોજાશે મહત્વપૂર્ણ મંત્રણા

ધ હેગ : પાંચ દેશોના રાજદ્વારી પ્રવાસે નીકળેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી શુક્રવારે સાંજે પોતાના બીજા તબક્કા અંતર્ગત નેધરલેન્ડ પહોંચ્યા છે. નેધરલેન્ડના પ્રખ્યાત શહેરો એમ્સ્ટર્ડમ અને ધ હેગ ખાતે પ્રવાસી ભારતીય સમુદાય દ્વારા વડાપ્રધાનનું અભૂતપૂર્વ અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ધ હેગ ખાતે ભારતીય પ્રવાસીઓને સંબોધિત કરતા વડાપ્રધાને ભાવુક થઈને જણાવ્યું હતું કે, "સાચું કહું તો થોડીવાર માટે હું ભૂલી જ ગયો હતો કે હું નેધરલેન્ડમાં છું. એવું લાગી રહ્યું છે કે જાણે ભારતમાં જ ક્યાંક કોઈ મોટો ઉત્સવ કે તહેવાર ઉજવાઈ રહ્યો હોય." સામાન્ય રીતે વિશ્વમાં શાંતિ અને ન્યાયના શહેર તરીકે ઓળખાતું ધ હેગ આજે ભારત-નેધરલેન્ડની અતુટ મિત્રતાનું જીવંત પ્રતીક બની ગયું છે.
પરંપરાગત લોકનૃત્યો અને ગરબાથી વડાપ્રધાનનું ભવ્ય અભિવાદન:
એમ્સ્ટર્ડમ એરપોર્ટ પર આગમન સાથે જ ડચ સરકારના વરિષ્ઠ અધિકારીઓ અને વિદેશ મંત્રી ટામ બેરેન્ડસેન, એડજ્યુટન્ટ જનરલ અને ચીફ ઓફ મિલિટરી હાઉસહોલ્ડ રિયર એડમિરલ લુડગર બ્રુમેલાર તેમજ નેધરલેન્ડમાં ભારતના રાજદૂત કુમાર તુહીન દ્વારા વડાપ્રધાનનું પ્રોટોકોલ મુજબ સ્વાગત કરાયું હતું. ત્યારબાદ હોટેલ પહોંચતા જ ભારતીય સંસ્કૃતિના વિવિધ રંગો જોવા મળ્યા હતા. પ્રવાસી કલાકારો દ્વારા વડાપ્રધાનના સ્વાગતમાં કથક, ઓડિસી, ભરતનાટ્યમ, કુચીપુડી, મોહિનીઅટ્ટમ અને ગુજરાતના સુપ્રસિદ્ધ ગરબાની મનમોહક પ્રસ્તુતિ કરવામાં આવી હતી. નૃત્ય વિશેષજ્ઞ ચંદ્રિકા સુંદરારમન અને કલાકાર રીમાએ વડાપ્રધાન સમક્ષ પ્રદર્શન કરવા બદલ ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી. વડાપ્રધાને આ અદ્ભુત ક્ષણોની ઝલક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર પણ શેર કરી હતી.
દ્વિપક્ષીય બેઠકો અને વેપાર કરાર પર વિશેષ ધ્યાન:
૧૭ મે સુધી નેધરલેન્ડના પ્રવાસે રહેનારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી શનિવારે ડચ વડાપ્રધાન રોબ જેટન સાથે ઉચ્ચ સ્તરીય દ્વિપક્ષીય વાર્તાલાપ કરશે. આ ઉપરાંત તેઓ નેધરલેન્ડના રાજા કિંગ વિલેમ એલેક્ઝાન્ડર અને રાણી ક્વીન મેક્સિમા સાથે પણ ખાસ મુલાકાત યોજશે. ભારત અને યુરોપીયન સંઘ (EU) વચ્ચે થયેલા મુક્ત વ્યાપાર કરાર (FTA) બાદ આ યાત્રા બંને દેશોના આર્થિક જોડાણને વધુ મજબૂત કરશે. આ પ્રવાસ દરમિયાન સેમિકન્ડક્ટર ટેકનોલોજી, વોટર મેનેજમેન્ટ, ક્લીન એનર્જી અને મોટા પાયે રોકાણ લાવવા જેવા મહત્વના વિષયો પર આખરી મહોર મારવામાં આવશે. ડચ નાગરિકોમાં પણ ભારત પ્રત્યેની સાંસ્કૃતિક અને સામાજિક રુચિ સતત વધી રહી છે.
પ્રથમ તબક્કામાં યુએઈ સાથે ઐતિહાસિક ઉર્જા કરાર:
નેધરલેન્ડ પહોંચતા પહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સંયુક્ત આરબ અમીરાત (UAE) ની મુલાકાતે હતા, જ્યાં ભારતની ઉર્જા સુરક્ષા (Energy Security) ને લઈને અત્યંત ઐતિહાસિક સમજૂતી કરવામાં આવી છે. વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ આપેલા સત્તાવાર નિવેદન મુજબ, યુએઈ ભારતની સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ (SPR) યોજના અંતર્ગત આશરે ૩૦ મિલિયન બેરલ કાચું તેલ (ક્રૂડ ઓઈલ) ભારત મોકલશે. અબુ ધાબી નેશનલ ઓઈલ કંપની (ADNOC) આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ અને ઓડિશાના ચાંદીખોલ ખાતે નવી સ્ટોરેજ સુવિધાઓ વિકસાવવામાં ભાગીદારી કરશે. આ ઉપરાંત યુએઈના ફુજૈરાહ ખાતે પણ કાચા તેલના સંગ્રહ અંગે હકારાત્મક ચર્ચા થઈ છે. લિક્વિડ નેચરલ ગેસ (LNG) અને લિક્વિડ પેટ્રોલિયમ ગેસ (LPG) ના ભંડારણ ક્ષેત્રે પણ બંને દેશો આગળ વધશે.
અબુ ધાબીના સમર્થનમાં ભારત મક્કમતાથી ઊભું રહેશે:
યુએઈ પ્રવાસ દરમિયાન વડાપ્રધાને ત્યાંના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે પ્રાદેશિક સુરક્ષા અને આર્થિક ભાગીદારી પર વિસ્તૃત ચર્ચા કરી હતી. પશ્ચિમ એશિયામાં વધી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવ વચ્ચે વડાપ્રધાને યુએઈ પર થતા આતંકી હુમલાઓની આકરા શબ્દોમાં નિંદા કરી હતી અને ખાતરી આપી હતી કે નવી દિલ્હી દરેક મુશ્કેલ પરિસ્થિતિમાં અબુ ધાબી સાથે ખભેખભા મિલાવીને અડીખમ ઊભું છે. તેમણે યુએઈને ભારતનું ‘બીજું ઘર’ ગણાવીને મુશ્કેલ સમયમાં ભારતીય સમુદાયની સુરક્ષા અને કાળજી રાખવા બદલ ત્યાંના શાહી પરિવાર અને સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. વૈશ્વિક સ્તરે ભારતની આ સક્રિય કૂટનીતિ પર હાલ આખા વિશ્વની નજર મંડાયેલી છે.
(2:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
