<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th July 2026

કોમેડી શોમાં પીએમને મજાક પડી ભારે: પોપ સ્ટાર કાઇલી મિનોગ સહિતની સેલિબ્રિટી મહિલાઓ પર વિવાદાસ્પદ ટિપ્પણી બદલ ઓસ્ટ્રેલિયન વડાપ્રધાને માગવી પડી જાહેર માફી; આંતરરાષ્ટ્રીય મંચ પર મચ્યો ભારે હોબાળો

"શેગ, મેરી, ડેટ" ગેમ રમવાના ચક્કરમાં પીએમ એન્થોની અલ્બેનીઝ વિપક્ષ અને મહિલા સંગઠનોના નિશાને; ટિપ્પણીઓને ગણાવી વડાપ્રધાન પદની ગરિમાનું અપમાન

કેનબેરા : આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા અને પોડકાસ્ટ પર લોકપ્રિયતા મેળવવાની ઘેલછા ક્યારેક દેશના સર્વોચ્ચ પદ પર બેઠેલા નેતાઓને પણ ભારે પડી જાય છે. આવી જ એક ચોંકાવનારી અને શરમજનક ઘટના ઓસ્ટ્રેલિયાથી સામે આવી છે, જ્યાં દેશના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝને એક કોમેડી પોડકાસ્ટ પર મહિલા સેલિબ્રિટીઓ વિશે અયોગ્ય ટિપ્પણી કરવા બદલ ભારે વિરોધ બાદ જાહેરમાં માફી માંગવાની ફરજ પડી છે. વિપક્ષી નેતાઓ અને મહિલા સંગઠનોએ વડાપ્રધાનના આ વર્તનને અત્યંત આકરા શબ્દોમાં વખોડી કાઢ્યું છે.

'ડીપ બુશ' પોડકાસ્ટ પર રમાયેલી એ રમત અને વિવાદની શરૂઆત

આ સમગ્ર વિવાદ ૨ જુલાઈના રોજ રિલીઝ થયેલા પ્રખ્યાત કોમેડિયન નિકી ઓસ્બોર્નના 'બુશ ડીપ પોડકાસ્ટ' થી શરૂ થયો હતો. આ ઈન્ટરવ્યુ દરમિયાન હોસ્ટે વડાપ્રધાન અલ્બેનીઝને મનોરંજન માટે "શેગ, મેરી, ડેટ" (કોની સાથે શારીરિક સંબંધ બાંધશો, કોની સાથે લગ્ન કરશો અને કોને ડેટ કરશો) નામની એક વિવાદાસ્પદ રમત રમવા કહ્યું. આ રમત માટે તેમને ઓસ્ટ્રેલિયાની ત્રણ પ્રખ્યાત મહિલાઓના નામ આપવામાં આવ્યા હતા, જેમાં ગ્લોબલ પોપ સ્ટાર કાઇલી મિનોગ, હોલીવુડ અભિનેત્રી નિકોલ કિડમેન અને જાણીતી કલાકાર રોન્ડા બર્ચમોર સામેલ હતી. શરૂઆતમાં વડાપ્રધાને વાત ટાળવાનો પ્રયાસ કર્યો અને પોતાના તાજેતરના લગ્નનો હવાલો આપ્યો, પરંતુ બાદમાં વ્હિસ્કીના નશામાં હોવાના કથિત દાવા વચ્ચે તેમણે કેટલીક એવી અંગત અને ડબલ મિનિંગ ટિપ્પણીઓ કરી દીધી જેણે વિવાદનું મધપૂડું છંછેડ્યું.

ચારેબાજુથી ઘેરાયા બાદ વડાપ્રધાને સ્વીકારી ભૂલ

પીએમની આ ટિપ્પણીઓ વાયરલ થતાં જ ઓસ્ટ્રેલિયાના રાજકારણમાં ભૂકંપ આવી ગયો. વિપક્ષી સેનેટર સારાહ હેન્ડરસન અને અન્ય મહિલા સાંસદોએ સોશિયલ મીડિયા પર પીએમની આકરી ઝાટકણી કાઢતા કહ્યું કે, "દેશના વડાપ્રધાન પદ પર રહેલી વ્યક્તિએ આવી સ્તરહીન રમતોમાં ભાગ ન લેવો જોઈએ, જે મહિલાઓને માત્ર એક વસ્તુ (Objectify) તરીકે રજૂ કરે છે. આ વડાપ્રધાન કાર્યાલયની ગરિમાનું સરેઆમ અપમાન છે."

ચારેબાજુથી દબાણ વધતાં આખરે વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝે સોમવારે સત્તાવાર નિવેદન જાહેર કરીને નમવું પડ્યું. તેમણે કહ્યું, "હું મારી ટિપ્પણીઓ બદલ કોઈપણ શરત વિના માફી માંગુ છું. મારો ઈરાદો કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નહોતો." જોકે, આ ઘટનાએ વૈશ્વિક સ્તરે એ ચર્ચાને ફરી જીવંત કરી દીધી છે કે સત્તા પર બેઠેલા નેતાઓએ સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે પોતાની મર્યાદાઓ ક્યાં સુધી ઓળંગવી જોઈએ.

 

(6:27 PM IST)