News of Friday, 5th June 2026
પીએમના સલાહકાર તરુણ કપૂરનો કાર્યકાળ વધુ એક વર્ષ માટે લંબાવાયો :પીએમ કાર્યાલયમાં મોટો વહીવટી નિર્ણય લેવાયો
નિવૃત્ત વરિષ્ઠ IAS અધિકારી તરુણ કપૂર વડાપ્રધાન મોદીના સૌથી ભરોસાપાત્ર અને મહત્વના વહીવટી સલાહકારોમાંના એક ગણાય છે: કેબિનેટની નિમણૂક સમિતિ દ્વારા સત્તાવાર રીતે આ એક્સટેન્શનને મંજૂરી અપાઈ

નવી દિલ્હી :કેન્દ્રની નરેન્દ્રભાઈ મોદી સરકારે વડાપ્રધાન કાર્યાલયમાં એક મોટો વહીવટી નિર્ણય લેતા પીએમના સલાહકાર તરુણ કપૂરનો કાર્યકાળ વધુ એક વર્ષ માટે લંબાવ્યો છે. નિવૃત્ત વરિષ્ઠ IAS અધિકારી તરુણ કપૂર વડાપ્રધાન મોદીના સૌથી ભરોસાપાત્ર અને મહત્વના વહીવટી સલાહકારોમાંના એક ગણાય છે. કેબિનેટની નિમણૂક સમિતિ દ્વારા સત્તાવાર રીતે આ એક્સટેન્શનને મંજૂરી આપી દેવામાં આવી છે.
સત્તાવાર આદેશ અનુસાર, પ્રધાનમંત્રીના સલાહકાર તરીકે તરુણ કપૂરનો કાર્યકાળ આગામી એક વર્ષ માટે અથવા તો અન્ય કોઈ આગામી આદેશ ન થાય ત્યાં સુધી લંબાવવામાં આવ્યો છે. તેમના આ એક્સટેન્શનને પીએમ મોદીની અધ્યક્ષતાવાળી કેબિનેટ સમિતિએ મંજૂરી આપી છે, જે દર્શાવે છે કે સરકારની આગામી યોજનાઓ અને નીતિ નિર્ધારણમાં તેમની ભૂમિકા કેટલી મહત્વપૂર્ણ છે.
તરુણ કપૂર હિમાચલ પ્રદેશ કેડરના 1987 બેચના નિવૃત્ત IAS અધિકારી છે. તેઓ અગાઉ ભારત સરકારના પેટ્રોલિયમ અને કુદરતી ગૅસ મંત્રાલયના સચિવ તરીકે સેવા આપી ચૂક્યા છે અને વર્ષ 2021માં નિવૃત્ત થયા હતા. વહીવટી ક્ષેત્રે ખાસ કરીને એનર્જી સેક્ટર (ઉર્જા ક્ષેત્ર), ગ્રીન એનર્જી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં તેમનો અનુભવ ઘણો વ્યાપક છે. તેમની આ જ ક્ષમતાઓને ધ્યાનમાં રાખીને મે 2022માં તેમને પ્રથમ વખત પીએમના સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
વડાપ્રધાન કાર્યાલયમાં તરુણ કપૂર મુખ્યત્વે આર્થિક, ઉર્જા અને મહત્વના પ્રોજેક્ટ્સના અમલીકરણ પર નજર રાખે છે. મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં આગામી સમયમાં રિન્યુએબલ એનર્જી, આર્થિક સુધારા અને દેશના મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને ઝડપથી આગળ ધપાવવાના મોટા લક્ષ્યાંકો છે. આવા સમયે પીએમઓ વહીવટી સાતત્ય જાળવી રાખવા માંગે છે, જેથી નીતિઓ ઘડવામાં કે તેના અમલીકરણમાં કોઈ વિલંબ ન થાય. તરુણ કપૂર જેવા અનુભવી અમલદાર પીએમઓ અને વિવિધ મંત્રાલયો વચ્ચે એક મજબૂત કડી તરીકે કામ કરે છે. આ એક્સટેન્શન દર્શાવે છે કે પીએમ મોદી દેશના વિકાસ કાર્યોને વેગ આપવા માટે પોતાના મુખ્ય અને અનુભવી અધિકારીઓની ટીમ પર જ ભરોસો મૂકી રહ્યા છે.
(12:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
