<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th November 2026

પૂ. મોરારિબાપુના વ્યાસાસને નૂતન વર્ષના પ્રારંભે યોજાશે ‘ભારત સ્વસ્તિક યાત્રા’ રામકથા : લાભ પાંચમે બીજા તબક્કાનો પ્રારંભ

કન્યાકુમારીથી કેદારનાથ પ્રથમ ચરણની સફળતા બાદ હવે દ્વારકાથી જગન્નાથપુરી દ્વિતીય ચરણમાં 'કૈલાસ' અને 'ચિત્રકૂટ' ટ્રેન દ્વારા તીર્થયાત્રા યોજાશે

તલગાજરડા : નૂતન વર્ષના પ્રારંભે પૂ. મોરારિબાપુના પાવન સંકલ્પ અને વ્યાસાસને ભારતવર્ષની અનોખી ‘ભારત સ્વસ્તિક યાત્રા’ રામકથા ઉપક્રમનું ઐતિહાસિક આયોજન કરવામાં આવ્યું છે. 'દિવ્ય ભારત', 'સેવ્ય ભારત', 'ભવ્ય ભારત' અને 'નવ્ય ભારત' ના ચાર ઉચ્ચ મનોભાવ અને સંકલ્પ સાથે આયોજિત આ કથાયાત્રાના પ્રથમ ચરણની સફળતા બાદ હવે દ્વિતીય ચરણનો પ્રારંભ આગામી લાભ પાંચમના પવિત્ર પર્વે દ્વારકાથી થશે.

આદિ શંકરાચાર્યજીની ભાવવંદના અને કથાયાત્રાનો માર્ગ:
આદિ શંકરાચાર્યજીની પાવન ભાવવંદના સાથે આ યાત્રાનો પ્રથમ તબક્કો તા. ૧૦-૧૦-૨૦૨૬ થી ૨૩-૧૦-૨૦૨૬ દરમિયાન કન્યાકુમારીથી કેદારનાથ સુધી સફળતાપૂર્વક યોજાઈ ગયો હતો. જ્યારે હવે દ્વિતીય તબક્કામાં લાભ પાંચમ એટલે કે શનિવાર, તા. ૧૪-૧૧-૨૦૨૬ થી રવિવાર, તા. ૨૨-૧૧-૨૦૨૬ દરમિયાન દ્વારકાથી જગન્નાથપુરી સુધીની યાત્રા યોજાશે. આ કથાયાત્રા દ્વારકાથી પ્રારંભ થઈ સોમનાથ, ડાકોર, ઉજ્જૈન, નાગપુર, ચંપારણ્ય, માયાપુર અને કોલકાતા થઈને રવિવાર, તા. ૨૨-૧૧-૨૦૨૬ ના રોજ જગન્નાથપુરી ખાતે પૂર્ણ થશે.

વિશેષ રેલગાડીઓ દ્વારા તીર્થદર્શનનો લ્હાવો:
આ ઐતિહાસિક રામકથા માટે બે વિશેષ રેલગાડીઓ 'કૈલાસ' અને 'ચિત્રકૂટ' દોડાવવામાં આવી રહી છે. આ વિશેષ ટ્રેનો દ્વારા કથા શ્રવણની સાથે દેશના વિભિન્ન તીર્થસ્થાનોના દર્શનનો દિવ્ય લાભ મેળવવા માટે ગુજરાત સહિત સમગ્ર ભારતવર્ષ અને વિદેશમાંથી પણ બહોળી સંખ્યામાં રામકથાપ્રેમીઓ આ યાત્રામાં ઉત્સાહભેર જોડાયા છે. (અહેવાલ - મુકેશ પંડિત)

(9:24 AM IST)