તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 12th October 2026
પોલેન્ડની શાળાઓમાં છરી વડે સતત હુમલાઓથી હાહાકાર: વિદ્યાર્થીઓની સુરક્ષા માટે શાળાઓમાં ૨૦,૦૦૦થી વધુ પોલીસ જવાનો તૈનાત!
'રોબ્લોક્સ' ગેમમાં શાળા બનાવી હુમલાનું સિમ્યુલેશન કરનાર સગીરની હથિયારો સાથે અટકાયત: યુવાનોમાં વધતી હિંસક વૃત્તિ સામે વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્કે કડક કાર્યવાહીના આપ્યા સંકેત

વોર્સો, તા.૧૨: યુરોપિયન દેશ પોલેન્ડની શૈક્ષણિક સંસ્થાઓમાં વિતેલા ચાર દિવસ દરમિયાન છરી વડે હુમલાની ત્રણ ઉપરાઉપરી ભયાનક ઘટનાઓ સામે આવ્યા બાદ સમગ્ર દેશમાં ભારે સનસનાટી મચી ગઈ છે. શાળાઓ અને કોલેજોમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સોમવારે પોલેન્ડ સરકારે દેશવ્યાપી મોટું સુરક્ષા અભિયાન હાથ ધર્યું છે. પોલેન્ડના વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્કે યુવાનો અને સગીરોમાં વધતી જતી હિંસક પ્રવૃત્તિઓ સામે ભારે ચિંતા વ્યક્ત કરીને કડક વિરોધ દર્શાવ્યો છે.
સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આંતરિક બાબતોના પ્રધાન માર્સિન કિર્વિન્સ્કીએ જાહેરાત કરી હતી કે સોમવારથી દેશની તમામ શાળાઓમાં ૨૦,૦૦૦થી વધુ પોલીસ અધિકારીઓને સુરક્ષા માટે તૈનાત કરી દેવામાં આવ્યા છે. સરકારી સમાચાર ચેનલ 'ટીવીપી ઈન્ફો' ને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે સ્પષ્ટ ચેતવણી આપી હતી કે બાળકો પરના હુમલા કે જાહેર જીવનમાં અરાજકતા ફેલાવનારાઓ સામે 'ઝીરો ટોલરન્સ' ની નીતિ અપનાવવામાં આવશે. પોલીસે અત્યાર સુધીમાં ૮૦,૦૦૦ શૈક્ષણિક સંસ્થાઓની આકસ્મિક તપાસ કરીને ૧૩૫ શકમંદોની અટકાયત કરી છે.
તપાસ દરમિયાન એક અત્યંત ચોંકાવનારી બાબત પણ પ્રકાશમાં આવી છે, જેમાં એક છોકરાએ જાણીતી ઓનલાઈન ગેમ 'રોબ્લોક્સ' (Roblox) માં પોતાની શાળાનું મોડેલ બનાવીને તેના પર હુમલો કરવાનું સિમ્યુલેશન કર્યું હતું. પોલીસે આ સગીરની ધરપકડ કરીને તેની પાસેથી હથિયારો, દારૂગોળો અને છરીઓ જપ્ત કરી છે. વડાપ્રધાન ટસ્કે કટોકટી બેઠકમાં જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા, હિંસક કોમ્પ્યુટર ગેમ્સ અને નાઝી વિચારધારા જેવી બાબતો યુવાનોને હિંસા તરફ ધકેલી રહી છે.
ઉલ્લેખનીય છે કે, શનિવારે વોર્સોની એક કોલેજમાં છરી વડે કરાયેલા હુમલામાં ત્રણ લોકો ઘાયલ થયા હતા. આ અગાઉ ગુરુવારે લેસ્ઝિડોલ-નોવિની પ્રાથમિક શાળામાં હેલ્મેટ પર કેમેરો લગાવીને આવેલા ૧૫ વર્ષના ભૂતપૂર્વ વિદ્યાર્થીએ શાળાના કેરટેકરની ઘાતકી હત્યા કરી બે શિક્ષકોને ઘાયલ કર્યા હતા, જ્યારે બુધવારે ઓસ્ટ્રોલેકાની શાળામાં એક ૧૯ વર્ષના યુવકે ૧૦ લોકોને છરીના ઘા મારીને રક્તરંજિત કર્યા હતા. આ સતત બની રહેલી હિંસક ઘટનાઓએ દેશના શિક્ષણ જગતને ધ્રુજાવી દીધું છે.
(5:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
