તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 26th October 2026
પોલીસ સાદી તપાસ પણ કરી શકતી નથી : સુપ્રીમ કોર્ટે યુપી પોલીસને ઝાટકી: પીડિત યુવકને ₹6 લાખનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો
કોઈપણ પુરાવા વિના યુવકને 6 વર્ષ સુધી જેલમાં રાખવા બદલ કોર્ટની આકરી ટિપ્પણી: ન્યાયમૂર્તિઓની બેન્ચે કહ્યું, "બનાવટી વાર્તાના આધારે જુવાનીના વર્ષો વેડફાયા, યુપી પોલીસે તપાસની તાલીમ લેવાની જરૂર છે

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશ પોલીસની અત્યંત બિનજવાબદાર અને કચાસભરી તપાસ સામે સુપ્રીમ કોર્ટે લાલઆંખ કરી છે. આગ્રા જિલ્લાના અછનેરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યા અને અપહરણના એક કેસમાં કોઈપણ નક્કર પુરાવા વિના એક નિર્દોષ યુવકને સતત છ વર્ષ સુધી જેલમાં ધકેલી દેવા બદલ સર્વોચ્ચ અદાલતે યુપી પોલીસને સખત શબ્દોમાં ઠપકો આપ્યો છે. એડવોકેટ ઓન રેકોર્ડ કાર્તિકેય ભાર્ગવ દ્વારા દાખલ કરાયેલી અરજીની સુનાવણી દરમિયાન અદાલતે સ્પષ્ટ કર્યું કે આ પ્રકારનો ઘોર અન્યાય સહન કરી શકાય નહીં, અને યુપી પોલીસને આદેશ આપ્યો છે કે તેઓ પીડિત યુવક અરુણ ઉર્ફે દીપકને તાત્કાલિક ₹6 લાખનું વળતર ચૂકવે.
આ મામલાની વિગતો મુજબ, અરુણ ઉર્ફે દીપક 14 નવેમ્બર 2019થી કસ્ટડીમાં હતો. મૂળભૂત રીતે આ કેસ માત્ર જામીન અરજીનો હતો, પરંતુ સુનાવણી દરમિયાન જસ્ટિસ એમ. બી. પારડીવાલા અને જસ્ટિસ વિનોદ ચંદ્રનની બેન્ચે રેકોર્ડ તપાસતા જોયું કે પોલીસે કોઈપણ પ્રાથમિક પુરાવા વગર જ બનાવટી વાર્તા ઊભી કરીને યુવકને જેલમાં પૂરી રાખ્યો હતો. જજ સાહેબોએ અત્યંત ગંભીરતાથી નોંધ્યું કે, "આ યુવકની જુવાનીના છ કિંમતી વર્ષો કાયમ માટે વેડફાઈ ગયા છે, હવે તેને કોઈ કેવી રીતે પાછા લાવી શકે?" કોર્ટે યુપી પોલીસના વહીવટ પર તીખા પ્રહારો કરતા કહ્યું કે પોલીસ સાદી તપાસ કરવાની ક્ષમતા પણ ધરાવતી નથી.
સુપ્રીમ કોર્ટે આ ચુકાદાની નકલ ઉત્તર પ્રદેશના ડીજીપી (ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ)ને મોકલવાનો સ્પષ્ટ આદેશ આપ્યો છે, જેથી રાજ્યમાં નીચલા સ્તરના પોલીસ અધિકારીઓને યોગ્ય તપાસ કરવા માટે ખાસ તાલીમ આપવામાં આવે. સર્વોચ્ચ અદાલતે તીખી ટિપ્પણી કરતા ઉમેર્યું હતું કે નિર્દોષ નાગરિકોને ખોટા કેસમાં ફસાવવાની આ પ્રથા બંધ થવી જોઈએ અને યુપી પોલીસે તેના અધિકારીઓની તપાસ ક્ષમતા સુધારવા માટે ગંભીરતાથી કામ કરવું પડશે. ₹6 લાખનું વળતર ચૂકવવાનો આ આદેશ પોલીસ તંત્રની નિષ્ક્રિયતા સામે એક મોટો સબક સાબિત થશે.
(7:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
