તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th April 2026
દિલ્હીમાં સેનાના અધિકારી અને તેના પરિવાર પર હુમલા મામલે પોલીસની મોટી કાર્યવાહી :ફરાર ચાર આરોપીઓને દબોચી લીધા :ઇન્સ્પેક્ટર સસ્પેન્ડ
પોલીસે ઘટનામાં વપરાયેલી લક્ઝરી મર્સિડીઝ કાર પણ જપ્ત કરી લીધી

નવી દિલ્હી :દિલ્હીના વસંત વિહાર વિસ્તારમાં રજા પર આવેલા ભારતીય સેનાના એક બ્રિગેડિયર અને તેમના પરિવાર પર થયેલા હુમલાના કેસમાં દિલ્હી પોલીસે શુક્રવારે મોટી સફળતા મેળવી છે. પોલીસે આ ઘટનામાં સંડોવાયેલા અને અત્યાર સુધી ફરાર રહેલા વધુ ચાર આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓની ઓળખ સુરજીત સિંહ (36), સુનીલ શર્મા (53), આશિષ (32) અને સતેન્દર (35) તરીકે થઈ છે. આ કાર્યવાહી સાથે જ પોલીસે ઘટનામાં વપરાયેલી લક્ઝરી મર્સિડીઝ કાર પણ જપ્ત કરી લીધી છે.
આ સમગ્ર વિવાદની શરૂઆત ગત શનિવારે રાત્રે 10 વાગ્યે થઈ હતી, જ્યારે બ્રિગેડિયર પી.એસ. અરોરા અને તેમનો પુત્ર તેજસ જમીને સોસાયટીમાં લટાર મારી રહ્યા હતા. તેમણે જોયું કે સોસાયટીની અંદર જ મર્સિડીઝ કારમાં બેસીને કેટલાક શખ્સો જાહેરમાં દારૂ પી રહ્યા હતા. જ્યારે લશ્કરી અધિકારીએ તેમને અટકાવ્યા, ત્યારે આરોપીઓએ ઉશ્કેરાઈને ઝઘડો શરૂ કર્યો હતો. જોતજોતામાં આરોપીઓએ અન્ય 7 થી 8 સાગરીતોને બોલાવી લીધા અને બ્રિગેડિયર તથા તેમના પુત્ર પર હુમલો કર્યો હતો. આ દરમિયાન અધિકારીના પત્ની સાથે પણ અભદ્ર વર્તન કરવામાં આવ્યું હતું.
આ કેસમાં પોલીસની ભૂમિકા શરૂઆતથી જ વિવાદમાં રહી છે. પીડિત પરિવારનો આરોપ છે કે ઘટના સ્થળે પહોંચેલી પીસીઆર વાનના કર્મચારીઓએ મદદ કરવાને બદલે આરોપીઓ સાથે ફોન પર વાત કરી હતી અને ફરિયાદ નોંધવાનો ઇનકાર કર્યો હતો. આ મામલે સૈન્ય વર્તુળો અને સોશિયલ મીડિયા પર ભારે આક્રોશ ફાટી નીકળ્યા બાદ, 45 કલાકના વિલંબ પછી FIR નોંધવામાં આવી હતી. ગંભીર બેદરકારી બદલ દિલ્હી પોલીસે તપાસ અધિકારી ઇન્સ્પેક્ટરને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરીને ડિસ્ટ્રિક્ટ લાઇન્સમાં બદલી કરી દીધી છે.
ભારતીય સેનાએ પણ આ ઘટનાને ગંભીરતાથી લેતા કોર્પ્સ ઓફ મિલિટરી પોલીસની એક ટીમને તપાસમાં સહયોગ આપવા અને અધિકારીને રક્ષણ પૂરું પાડવા તૈનાત કરી હતી. હાલમાં પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ રાયોટિંગ, સ્ત્રીની લાજ લેવાનો પ્રયાસ અને મારપીટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર દેશની રાજધાનીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ જાહેરમાં થતા નશાખોરો દ્વારા સામાન્ય નાગરિકોની સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.
(1:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
