<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th June 2026

લોહગઢ મર્ડર કેસમાં પોલીસની સિંઘમ સ્ટાઇલ તપાસ: હત્યારાના કદ-કાઠી અને ચાલવાની ઢબ પકડવા થશે ‘ગેટ એનાલિસિસ’, ઘટનાના દિવસે પહેરેલી હૂડી અને બાઇક જપ્ત!

આરોપી પ્રેમી ચેતનને કિલ્લા પર લઈ જઈને ક્રાઈમ સીનનું કરાશે રી-કન્સ્ટ્રક્શન; સિયાએ મંગેતર કેતનને ખીણમાં ધકેલવા ડમી સાથે અગાઉ કર્યું હતું રીહર્સલ

પુણે, તા.૩૦: લોનાવાલાના ઐતિહાસિક લોહગઢ કિલ્લા પરથી મંગેતરને ઊંડી ખીણમાં ધક્કો મારીને પતાવી દેવાના હાઈપ્રોફાઈલ મર્ડર કેસમાં પુણે પોલીસ હવે અત્યાધુનિક સાયન્ટિફિક ટેકનોલોજીનો સહારો લઈ રહી છે. લોનાવાલા ગ્રામીણ પોલીસ મુખ્ય આરોપી સિયા ગોયલના પ્રેમી અને સહ-આરોપી ચેતન ચૌધરીનું ‘ગેટ એનાલિસિસ’ (Gait Analysis - ચાલવાની ગતિનું વિશ્લેષણ) કરાવવા જઈ રહી છે. ઘટનાના દિવસે લોહગઢ કિલ્લાના મુખ્ય દરવાજા પાસે સીસીટીવીમાં કેદ થયેલો શંકાસ્પદ શખ્સ ચેતન જ હતો તે વૈજ્ઞાનિક રીતે સાબિત કરવા માટે પોલીસ આ હિલચાલ કરી રહી છે.
શું છે આ ‘ગેટ એનાલિસિસ’ ટેકનોલોજી?
જ્યારે કોઈ ગુનાના સ્થળે શંકાસ્પદ વ્યક્તિનો ચહેરો સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાતો ન હોય, ત્યારે ફોરેન્સિક સાયન્સની મદદથી તેની ચાલવાની, દોડવાની કે શરીરના હલનચલનની વિશિષ્ટ શૈલી (ઢબ) નું વિશ્લેષણ કરવામાં આવે છે. દરેક માણસની ચાલવાની રીત અલગ હોય છે. પોલીસ ચેતનની ચાલવાની ગતિની સરખામણી તે દિવસના સીસીટીવી ફૂટેજ સાથે કરીને કોર્ટમાં પાકો પુરાવો રજૂ કરશે.
લોહગઢ કિલ્લા પર ગુનાનું લાઈવ પુનઃનિર્માણ થશે
સમાચાર એજન્સી 'ANI' ના જણાવ્યા અનુસાર, પોલીસ હવે ચેતન ચૌધરીને લોહગઢ કિલ્લા પર લઈ જઈને સમગ્ર ગુનાના દ્રશ્યનું પુનઃનિર્માણ (Crime Scene Re-construction) કરશે. આ પહેલાં પોલીસ મુખ્ય આરોપી સિયા ગોયલને કિલ્લા પર લઈ ગઈ હતી, જ્યાં મૃતક કેતન અગ્રવાલના વજન જેટલી જ એક ડમી (પુતળું) નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સિયાએ કઈ રીતે કેતનને પૂર્વનિર્ધારિત ઈશારો કરીને ખીણમાં ધકેલ્યો હતો તેનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.
તપાસમાં મળ્યા મોટા પુરાવા:
લોનાવાલા ગ્રામીણ પોલીસે રવિવારે જ ચેતન ચૌધરીનું ટુ-વ્હીલર (બાઇક) જપ્ત કરી લીધું છે, જેનો ઉપયોગ તેણે પુણેથી લોહગઢ કિલ્લા સુધી પહોંચવા માટે કર્યો હતો. આ ઉપરાંત, ઘટનાના દિવસે તેણે પહેરેલી ખાસ હૂડી (ટી-શર્ટ) અને હેડફોન પણ પોલીસે રિકવર કરી લીધા છે.
પરિવારના દબાણ હેઠળ થઈ હતી સગાઈ
વડગાંવ માવલ કોર્ટે સોમવારે બંને આરોપીઓ સિયા ગોયલ અને ચેતન ચૌધરીને ૩ જુલાઈ સુધી પોલીસ રિમાન્ડ પર મોકલી આપ્યા છે. સિયાના વકીલ વિપુલ દુશિંગે જણાવ્યું કે પોલીસે ૭ દિવસની કસ્ટડી માંગી હતી, પણ કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળીને ૩ જુલાઈ સુધીની મંજૂરી આપી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે સિયા ગોયલ અત્યારે કેતન અગ્રવાલ સાથે લગ્ન કરવા બિલકુલ તૈયાર નહોતી. પરિવારના ભારે દબાણના કારણે તેની સગાઈ થઈ હતી, પરંતુ તે ચેતન ચૌધરીના પ્રેમમાં પાગલ હતી. આથી આ બંધનમાંથી મુક્તિ મેળવવા માટે બંને પ્રેમીઓએ ૧૮ જૂનના રોજ આ ભયાનક હત્યાકાંડને અંજામ આપ્યો હતો, જેનો ભેદ આખરે ૨૩ જૂને તેમની ધરપકડ સાથે ખૂલી ગયો હતો.

(3:39 PM IST)