<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th May 2026

તમિલનાડુમાં રાજકીય ડ્રામા : વિજય બીજીવાર રાજભવનથી ખાલી હાથે પરત ફર્યા : રાજ્યપાલે ધારાસભ્યોની સહીઓવાળી યાદી માંગી

રાજ્યપાલ ભાજપનો પક્ષ લઈ રહ્યા હોવાના આક્ષેપ સાથે ટીવીકે કાર્યકરોનો રાજભવન બહાર ઉગ્ર વિરોધ : બહુમતી સાબિત કરવા માટે એસ.આર. બોમ્મઈ કેસનો હવાલો આપી વિધાનસભામાં ફ્લોર ટેસ્ટની માંગ

 ચેન્નાઈ:  તમિલનાડુમાં નવી સરકારની રચનાને લઈને ચાલી રહેલી ખેંચતાણ હવે રસાકસીભર્યા વળાંક પર પહોંચી છે. ટીવીકે (TVK) પ્રમુખ વિજય આજે બીજી વખત રાજભવન પહોંચ્યા હતા, પરંતુ રાજ્યપાલ તરફથી સરકાર રચવાનું આમંત્રણ ન મળતા તેમને ફરી એકવાર ખાલી હાથે પરત ફરવું પડ્યું છે. વિજયે કોંગ્રેસ સહિત ૧૧૨ ધારાસભ્યોનું સમર્થન હોવાનો દાવો કર્યો છે, તેમ છતાં પ્રક્રિયાના નામે થતા વિલંબથી પક્ષના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

 રાજ્યપાલની શરત અને ખાતરી:

પીટીઆઈના રિપોર્ટ અનુસાર, રાજ્યપાલે વિજયને ખાતરી આપી છે કે તેઓ અન્ય કોઈ પક્ષને સરકાર બનાવવા માટે આમંત્રણ નહીં આપે. જોકે, તેમણે સ્પષ્ટ શરત મૂકી છે કે વિજયે સમર્થન આપનારા દરેક ધારાસભ્યની સહી સાથેની સત્તાવાર યાદી જમા કરાવવી પડશે. આ કાગળ પરની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ શપથગ્રહણની દિશામાં આગળ વધી શકાશે. બીજી તરફ, વિપક્ષી નેતા પલાનીસ્વામીએ હજુ સુધી રાજ્યપાલ પાસે મુલાકાતનો કોઈ સમય માંગ્યો નથી.

 કાર્યકરોનો આક્રોશ અને પ્રદર્શન:

રાજભવનની બહાર મોટી સંખ્યામાં એકઠા થયેલા તિરુપુર અને અન્ય વિસ્તારોના કાર્યકરોએ ઉગ્ર દેખાવો કર્યા હતા. સમર્થકોનો આક્ષેપ છે કે રાજ્યપાલ જાણીજોઈને વિલંબ કરીને ભાજપનો પક્ષ લઈ રહ્યા છે. કાર્યકરોએ સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક એસ.આર. બોમ્મઈ કેસનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, બહુમતી સાબિત કરવાનું યોગ્ય સ્થળ વિધાનસભા છે, રાજભવન નહીં. ૧૦૮ બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરેલી ટીવીકેને બંધારણીય રીતે તક મળવી જોઈએ.

 ચેન્નાઈમાં જ પડાવ નાખવાની ચીમકી:

શપથગ્રહણમાં થઈ રહેલા વિલંબને પગલે રોષે ભરાયેલા કાર્યકરોએ એવો નિર્ણય લીધો છે કે જ્યાં સુધી વિજય મુખ્યમંત્રી તરીકે શપથ નહીં લે, ત્યાં સુધી તેઓ ચેન્નાઈ છોડશે નહીં. રાજભવન બહાર વધતી ભીડને કાબૂમાં લેવા માટે પોલીસને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. હાલ તમિલનાડુનું રાજકારણ સંપૂર્ણપણે અનિશ્ચિતતાના માહોલમાં છે.

(5:45 PM IST)