તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 2nd June 2026
પશ્ચિમ બંગાળમાં રાજકીય ભૂકંપથી મમતા બેનર્જીની TMC પાર્ટી પર સંકટના વાદળો : તૃણમૂલ કોંગ્રેસમાં ભંગાણ વચ્ચે સસ્પેન્ડેડ નેતા રિજુ દત્તાનો ૫૦ ધારાસભ્યો સાથે અસલી ટીએમસી હોવાનો મોટો દાવો
બંગાળમાં શિવસેના જેવું 'મહારાષ્ટ્ર મોડલ' સક્રિય થયાના આક્ષેપ સાથે વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ ટીએમસીમાં ભડકો : 'સાઇનગેટ' કૌભાંડ વચ્ચે રીતબ્રત બેનર્જી અને સંદીપન સાહાને પક્ષમાંથી હાંકી કાઢ્યા બાદ સીઆઈડી તપાસ તેજ

કોલકાતા:પશ્ચિમ બંગાળના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે અને મુખ્યમંત્રી મમતા બેનર્જીના નેતૃત્વવાળી તૃણમૂલ કોંગ્રેસ (TMC) માં ચાલી રહેલો આંતરિક વિવાદ હવે પરાકાષ્ટા એ પહોંચ્યો છે. તાજેતરમાં જ સંપન્ન થયેલી ૨૦૨૬ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના હાથે કારમી હારનો સામનો કર્યાના ગણતરીના અઠવાડિયામાં જ ટીએમસી પક્ષ તૂટવાના આરે પહોંચ્યો છે. પક્ષમાંથી સસ્પેન્ડ કરાયેલા ફાયરબ્રાન્ડ નેતા રિજુ દત્તાએ મંગળવારે એક સનસનાટીભર્યો દાવો કરીને પશ્ચિમ બંગાળના રાજકીય ભવિષ્ય પર મોટું સસ્પેન્સ ઊભું કરી દીધું છે. રિજુ દત્તાએ દાવો કર્યો છે કે પક્ષના ૫૦ જેટલા ધારાસભ્યો એકજૂથ છે અને તાજેતરમાં જ તેમણે એક હોટેલમાં બેઠક કરીને પક્ષમાં બે-તૃતીયાંશ બહુમતી હાંસલ કરી લીધી છે, જેથી તેઓ જ અસલી તૃણમૂલ કોંગ્રેસ છે.
બંગાળમાં 'મહારાષ્ટ્ર મોડલ' લાગુ થયું, પક્ષના પ્રતીક પર ઠોક્યો દાવો:
ન્યૂઝ એજન્સી ને આપેલા એક ખાસ ઇન્ટરવ્યુમાં રિજુ દત્તાએ ખુલ્લેઆમ જણાવ્યું હતું કે બંગાળમાં અત્યારે શિવસેના જેવું જ 'મહારાષ્ટ્ર મોડલ' ચાલી રહ્યું છે. તેમણે ઉમેર્યું કે, "અમારી પાસે બે-તૃતીયાંશ બહુમતી છે અને આશરે ૫૦ ધારાસભ્યો અમારી સાથે મજબૂતાઈથી ઉભા છે. અમે જ અસલી તૃણમૂલ કોંગ્રેસ હોવાથી વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે શોભનદેવ ચટ્ટોપાધ્યાય નહીં પરંતુ રીતબ્રત બેનર્જી રહેશે." વધુમાં તેમણે દાવો કર્યો હતો કે ધારાસભ્યોની આ સામુહિક બહુમતીના આધારે તેઓ પક્ષનું સત્તાવાર પ્રતીક મેળવવા માટે પણ કાયદાકીય દાવો રજૂ કરશે. વર્ષ ૨૦૨૨માં મહારાષ્ટ્રમાં જે રીતે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી મહા વિકાસ આઘાડી સરકારને તોડીને એકનાથ શિંદે જૂથે ધારાસભ્યોની બહુમતીના જોરે અસલી શિવસેના નામ અને પ્રતીક મેળવ્યું હતું, બિલકુલ એવું જ 'મહારાષ્ટ્ર મોડલ' બંગાળમાં પુનરાવર્તિત થઈ રહ્યું હોવાના સંકેતો મળી રહ્યા છે.
૬૧ ધારાસભ્યો બેઠકમાં ગેરહાજર રહ્યા અને 'સાઇનગેટ' કૌભાંડનો ભાંડાફોડ થયો:
ટીએમસીમાં ચાલી રહેલી આ યાદવાસ્થળી સોમવારે ત્યારે વધુ વણસી હતી જ્યારે પક્ષના કુલ ૮૦ ધારાસભ્યોમાંથી ૬૧ જેટલા ધારાસભ્યોએ પક્ષની મહત્વની બેઠકોમાં હાજરી આપી ન હતી અને તેનાથી દૂરી બનાવી લીધી હતી. પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાના આરોપસર ટીએમસી દ્વારા તાત્કાલિક ધોરણે સંદીપન સાહા અને રીતબ્રત બેનર્જી નામના બે ધારાસભ્યોને પક્ષમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. જો કે, આ હકાલપટ્ટી પાછળ વિધાનસભા ચૂંટણી ૨૦૨૬ બાદ વિપક્ષના નેતા અને ચીફ વ્હીપની નિમણૂક અંગે વિધાનસભામાં રજૂ કરાયેલા દસ્તાવેજોમાં ધારાસભ્યોની નકલી સહીઓ કરવાનું મોટું 'સાઇનગેટ' અથવા 'સિગ્નેચર સ્કેન્ડલ' કારણભૂત હોવાનું બહાર આવ્યું છે. હાંકી કઢાયેલા બંને ધારાસભ્યોએ સાર્વજનિક રીતે આક્ષેપ કર્યો હતો કે દસ્તાવેજોમાં તેમની ખોટી અને બોગસ સહીઓ કરવામાં આવી છે, જે અંગે હાલમાં સીઆઈડી (CID) દ્વારા ખૂબ જ ગંભીરતાથી તપાસ ચલાવવામાં આવી રહી છે.
મમતા બેનર્જીનો પલટવાર અને હાઈવોલ્ટેજ ડ્રામાના એંધાણ:
બીજી તરફ, મુખ્યમંત્રી મમતા બેનર્જી આ આંતરિક સંકટ સામે હાર માનવા તૈયાર નથી અને તેમણે પક્ષ પર પોતાની પકડ મજબૂત રાખવા માટે વળતો પ્રહાર કરવાની વ્યુહરચના ઘડી કાઢી છે. મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી પર થયેલા કથિત હુમલાના વિરોધમાં ટીએમસી દ્વારા મંગળવારે સમગ્ર રાજ્યમાં મોટા પાયે વિરોધ પ્રદર્શનોનું આયોજન કરવામાં આવ્યું છે જેથી નારાજ ધારાસભ્યો પર દબાણ લાવી શકાય. અસંતુષ્ટ જૂથના નેતાઓ આજે બપોરે વિધાનસભાના સ્પીકરને રૂબરૂ મળીને પોતાની રજૂઆતો અને બહુમતીના દસ્તાવેજો સોંપવાના છે, જેના કારણે આગામી સમયમાં કોલકાતાથી લઈને દિલ્હી સુધી રાજકીય મોરચે મોટો ડ્રામા જોવા મળી શકે છે.
(7:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
