News of Friday, 17th April 2026
લોહાણા સમાજને ‘રાજકીય' અન્યાયઃ કાલે ‘રઘુવંશી સ્વાભિમાન'સંમેલન
ભાજપ સહિતના પક્ષોએ ટિકીટ ફાળવણીમાં ઘોર અવગણના કરતા લોહાણા સમાજમાં ભભૂકતો પ્રચંડ રોષ : હવે ‘‘ધોકો પછાડવા''ના દિવસોઃ સમાજ અવગણના-અન્યાય સહન નહિ કરેઃ યુવાનો અક્રમકઃ વારંવાર પત્તા કાપી નખાતા ભારે કચવાટ-નારાજગીઃ સંમેલનમાં ભાવિ રણનીતિ ઘડાશે

રાજકોટ : રાજકીય પક્ષો, ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી દ્વારા ઘણા સમયથી રઘુવંશી સમાજની સતત થઈ રહેલી અવગણનાના વિરોધમાં યુવા નેતા કે.ડી. રઘુવંશી (કાછેલા ધવલ) ની આગેવાની હેઠળ આવતીકાલે શનિવારે ૧૮ એપ્રિલ ૨૦૨૬ના રોજ રાત્રે ૮.૩૦ વાગ્યે એક વિશાળ ‘રઘુવંશી સ્વાભિમાન સંમેલન'નું આયોજન કરવામાં આવ્યું છે. સમાજનું પ્રભુત્વ હોવા છતાં વિધાનસભા ૬૯ અને વોર્ડ નંબર ૧ અને ૨ માંથી રઘુવંશી ઉમેદવારોનો છેદ ઉડાડી દેવામાં આવતા સમાજમાં ભારે રોષ છે. આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજને સંગઠિત રાજકોટના ભવિષ્યના રાજકીય તખ્તા માટે મજબૂત દાવેદારી નોંધાવવાનો છે.
રાજકારણમાં દરેક સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ મળવું એ લોકશાહીની મૂળભૂત આવશ્યકતા છે, પરંતુ રાજકોટ અને ગુજરાતમાં રઘુવંશી સમાજને રાજકીય પક્ષો, ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી દ્વારા વારંવાર અવગણવામાં આવી રહ્યો હોવાની લાગણી સમાજમાં બળવત્તર બની છે. દેશપ્રેમ, વિકાસ અને સકારાત્મક રાજકારણ માટે હંમેશાં આગળ રહેતા રઘુવંશી સમાજને પ્રતિનિધિત્વની બાબતમાં પાછળ ધકેલવાના પ્રયાસો સામે હવે યુવાનો દ્વારા અવાજ ઉઠાવવામાં આવ્યો છે.
સમાજના આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે, વિધાનસભા ૬૯ ની બેઠક પર કુલ ૧.૪૦ લાખ (એક લાખ ચાલીસ હજાર) જેટલું વોટિગ છે, જેમાં રઘુવંશી સમાજનું ૭૦ હજાર મતોનું જંગી યોગદાન છે. આમ છતાં, આ બેઠક અન્ય સમાજ, જેમની કોઈ ખાસ હાજરી નથી તેમને માટે જ ફાળવવામાં આવે છે. આ ઉપરાંત, રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૨ માં કોર્પોરેશનમાં સૌથી વધુ ૯૫૦૦ મતદાતાઓ રઘુવંશી સમાજના હોવા છતાં, આ વર્ષે ત્યાંથી પણ સમાજની ટિકિટ કાપવામાં આવી છે. અહીં પરંપરાગત રીતે લોહાણા અગ્રણીને ટિકિટ આપવામાં આવતી રહી છે.
સમાજમાં પ્રચંડ રોષ પ્રવર્તે છે અને આક્ષેપ પણ કરવામાં આવ્યો છે કે, ડો. દર્શિતાબહેન શાહ, જેઓ વોર્ડ ૨માંથી કોર્પોરેટર, બાદમાં ડેપ્યુટી મેયર અને પછી વિધાનસભા ૬૯ માંથી ધારાસભ્ય બન્યા છે, તેઓએ ભારે દબાણ લાવીને છેલ્લી ઘડીએ રાજકીય સમીકરણો ફેરવ્યા હતા. વોર્ડ ૨ ની બેઠકમાં બે જનરલ ઉમેદવાર લેવા પડે તેમ હતા, જેમાં બ્રાહ્મણ સમાજને સાચવી લેવા વોર્ડ ૧ માં પરેશભાઈ ઠાકરને ટિકિટ આપવામાં આવી, જ્યારે વોર્ડ ૧ અને ૨ માં રઘુવંશી સમાજની નક્કી મનાતી ટિકિટ કાપીને પોતાના સમાજના ધૈર્ય પારેખને ફાળવી દેવામાં આવી. ભાજપને પોતાનો ટેકો આપનાર રઘુવંશીઓનું આવી રીતે પત્તું કાપી નાખવામાં આવતા ભારે કચવાટ સાથે નારાજગી જોવા મળે છે.
ગુજરાતમાં ૪૦ લાખની વસ્તી ધરાવતા રઘુવંશી સમાજને ૨૦૨૭ની વિધાનસભામાં એક પણ સીટ ન મળે તેવા આયોજનો થઈ રહ્યા હોવાની પણ ચર્ચા જોવા મળી રહી છે.
રાજકોટ કોર્પોરેશનની આ ટર્મમાં મેયર પદ માટે જનરલ પુરુષની સીટ છે, તેથી જો ૨૦૨૬માં સમાજનો કોઈ સક્ષમ પુરુષ ઉમેદવાર આગળ આવે તો ૨૦૨૭ની વિધાનસભા માટે પણ રઘુવંશી સમાજનો ઉમેદવાર તૈયાર થઈ શકે, જેથી વ્યવસ્થિત રીતે પ્લાનિગથી જાણે કે રઘુવંશી સમાજનો છેદ ઉડાડવો હોય તે રીતે ટિકિટોમાં કાપ મૂકવામાં આવ્યો.
આ તમામ પ્રશ્નોને વાચા આપવા, પક્ષાપક્ષી અને વ્યક્તિગત મતભેદો ભૂલીને સમાજને એકજૂથ કરવા માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છેઃ
કાર્યક્રમની વિગત
રઘુવંશી સ્વાભિમાન સંમેલન
આવતીકાલે ૧૮ એપ્રિલ ૨૦૨૬, શનિવાર
રાત્રે ૮:૩૦ કલાકે
સ્થળ : શ્રી રઘુવંશી યુવા શક્તિ સંઘ, પ્રદેશ કાર્યાલય, શ્રી જાગનાથ મહાદેવ મંદિરની પાછળની શેરી, ડો. યાજ્ઞિક રોડ, રાજકોટ.
નિમંત્રક : શ્રી રઘુવંશી યુવા શક્તિ સંઘ, સંપર્ક નંબર : ૮૩૦૬૪૨૩૮૬૮
રાજકોટના વિવિધ વોર્ડમાં રઘુવંશી મતદાતાઓનું પ્રભુત્વ
* વોર્ડ નંબર ૧ : ૬૫૦૦ મતદાતાઓ
* વોર્ડ નંબર ૨ : ૯૫૦૦ મતદાતાઓ
* વોર્ડ નંબર ૩ : ૮૫૦૦ મતદાતાઓ
* વોર્ડ નંબર ૮ : ૪૫૦૦ મતદાતાઓ
* વોર્ડ નંબર ૯ : ૧૧૫૦૦ મતદાતાઓ
* વોર્ડ નંબર ૧૦ : ૫૫૦૦ મતદાતાઓ
રઘુવંશી સમાજને ભારતીય જનતા પાર્ટી સાથે કોઈ વાંધો નથી, પરંતુ અઢારેય વર્ણને સાથે લઈને ચાલવાની વિચારધારાથી વિપરીત વર્તન કરતા નેતાઓ સામે રોષ છે. આ લડત માત્ર વ્યક્તિગત નહીં, પણ સમગ્ર રઘુવંશી સમાજના સ્વાભિમાનની લડત છે. સમાજના તમામ ભાઈઓને બહોળી સંખ્યામાં આ સંમેલનમાં હાજરી આપી એકતાનું બળ દર્શાવવા આયોજકો તરફથીઅપીલ કરવામાં આવી છે.
સંમેલનમાં કાર્યકાર ભાઇ-બહેનોને બહોળી સંખ્યામાં ઉમટી પડવા અપીલ કરાઇ છે. (૩૭
(2:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
