તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th April 2026
મહારાષ્ટ્રમાં સરકારી આરોગ્યકર્મીઓની બદલીમાં હવે ‘રાજકીય ભલામણ’ નહીં ચાલે: પારદર્શિતા માટે લાવવામાં આવી કાઉન્સેલિંગ સિસ્ટમ, દખલ કરનાર સામે કડક કાર્યવાહીની ચેતવણી!
વહીવટી તંત્રને ભ્રષ્ટાચારમુક્ત બનાવવા અને દૂરના વિસ્તારોમાં સ્ટાફિંગની અછત પૂરી કરવા સરકારનું મોટું કદમ: બીમારી, દિવ્યાંગતા અને નિવૃત્તિની નજીક હોય તેવા કર્મચારીઓને અપાશે પ્રાધાન્ય

મુંબઈ : મહારાષ્ટ્ર સરકારે રાજ્યના જાહેર આરોગ્ય વિભાગના કર્મચારીઓ માટે એક ક્રાંતિકારી અને પારદર્શક ટ્રાન્સફર નીતિ (બદલી નીતિ) 2026ની જાહેરાત કરી છે. નવી નીતિ મુજબ હવે બદલીઓ માત્ર વહીવટી જરૂરિયાત અને કાઉન્સેલિંગના આધારે જ કરવામાં આવશે. સરકારે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, જો કોઈ કર્મચારી પોતાની મનગમતી જગ્યાએ પોસ્ટિંગ મેળવવા માટે કોઈ રાજકીય દબાણ કે વગનો ઉપયોગ કરશે, તો તેને ‘ગેરવર્તણૂક’ ગણી શિસ્તભંગના કડક પગલાં ભરવામાં આવશે.
તમામ શ્રેણીના કર્મચારીઓને આવરી લેવાયા
આ નવી નીતિ માત્ર મોટા અધિકારીઓ માટે જ નહીં, પરંતુ ગ્રુપ-બી થી લઈને ગ્રુપ-ડી સુધીના તમામ કર્મચારીઓને લાગુ પડશે. જેમાં મેડિકલ ઓફિસર્સ, સ્ટાફ નર્સ, લેબોરેટરી ટેકનિશિયન તેમજ પટાવાળા અને એટેન્ડન્ટ્સ જેવા પાયાના સ્ટાફનો પણ સમાવેશ થાય છે. આ ફેરફાર પાછળનો હેતુ ટ્રાન્સફર પ્રક્રિયાને માનવીય અને ન્યાયી બનાવવાનો છે, જેથી કોઈની સાથે અન્યાય ન થાય.
બદલી માટેની સમયમર્યાદા અને નિયમો
સરકારી આદેશ મુજબ, દર વર્ષે 31 મે સુધીમાં બદલીની પ્રક્રિયા પૂર્ણ કરી લેવાની રહેશે. કોઈપણ ઓફિસમાં કુલ સ્ટાફના 30 ટકાથી વધુ કર્મચારીઓની બદલી એકસાથે કરી શકાશે નહીં, જેથી વહીવટી કામગીરી ખોરવાય નહીં. સામાન્ય બદલીઓ એપ્રિલ અને મે મહિનામાં કાઉન્સેલિંગ દ્વારા થશે, જ્યારે ખાસ વિનંતીના કિસ્સામાં સપ્ટેમ્બર અને ડિસેમ્બરમાં જ વિચારણા કરવામાં આવશે.
કોને મળશે પ્રાથમિકતા?
નવી નીતિમાં માનવીય અભિગમ રાખતા કેટલીક શ્રેણીઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે:
• ગંભીર બીમારી: કેન્સર, લકવો અથવા કિડનીની બીમારીથી પીડાતા કર્મચારીઓ.
• સામાજિક સ્થિતિ: વિધવા, છૂટાછેડા લીધેલી અથવા અપરિણીત મહિલા કર્મચારીઓ.
• કૌટુંબિક કારણો: જીવનસાથી એકીકરણ (Spouse integration) અને જેમના બાળકો 10મા કે 12મા ધોરણમાં ભણતા હોય તેવા વાલીઓ.
• વય મર્યાદા: 53 વર્ષથી વધુ ઉંમરના કર્મચારીઓને તેમની પસંદગીના સ્થળ માટે વિચારણામાં લેવાશે.
દૂરના વિસ્તારો પર વિશેષ ધ્યાન
આ નીતિનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ અને દુર્ગમ વિસ્તારોમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાનો છે. લાંબા સમયથી આવા વિસ્તારોમાં સેવા આપતા કર્મચારીઓને હવે શહેરી વિસ્તારોમાં બદલી આપી રાહત આપવામાં આવશે, જ્યારે શહેરમાં જ વર્ષોથી જામી ગયેલા કર્મચારીઓને નિયમ મુજબ અન્ય જગ્યાએ મોકલવામાં આવશે.
આ નવી સિસ્ટમથી આરોગ્ય વિભાગમાં ‘લાગવગશાહી’ નો અંત આવશે અને લાયક કર્મચારીઓને યોગ્ય ન્યાય મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
(11:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
