તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th July 2026
દિલ્હીમાં રાજકીય સંગ્રામ: શિક્ષણ મંત્રીના રાજીનામા બાદ ખડગેનો પીએમ મોદી પર પ્રહાર : વડાપ્રધાન દેશના યુવાનોની માફી માંગે
NEET પેપર લીક વિવાદમાં ધર્મેન્દ્ર પ્રધાનના પદ છોડ્યા બાદ વિપક્ષી એકતાનો વિજય હોવાનો કોંગ્રેસનો દાવો : જંતર-મંતર પર નિર્દોષ વિદ્યાર્થીઓ પર થયેલા નિર્મમ લાઠીચાર્જ સામે કડક કાર્યવાહી કરવાની ખડગેની ઉગ્ર માંગ

નવી દિલ્હી : NEET-UG 2026 પરીક્ષાના પેપર લીક વિવાદમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના અચાનક આપેલા રાજીનામા બાદ દેશનું રાજકારણ ચરમસીમા પર પહોંચી ગયું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેએ આ ઘટનાક્રમને વિદ્યાર્થી આંદોલન અને સત્યની મોટી જીત ગણાવી છે. તેમણે સત્તાધારી પક્ષ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે ભારતના કરોડો યુવાનોનો અવાજ આખરે અહંકારી સત્તાના દ્વાર સુધી પહોંચ્યો છે. ખરગેએ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે સીધો મોરચો માંડીને યુવા પેઢીની જાહેર માફી માંગવાની કડક માંગ કરી છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પ્રતિક્રિયા આપતા મલ્લિકાર્જુન ખરગેએ જણાવ્યું કે આ વિજય દેશના એ તમામ યુવાનો અને એકજૂથ થયેલા વિપક્ષનો છે જેમણે ભ્રષ્ટ શિક્ષણ વ્યવસ્થા સામે સંસદથી લઈને રસ્તાઓ સુધી અવાજ ઉઠાવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે સરકારી નિષ્ફળતાઓના કારણે અનેક પરિવારોએ પોતાના બાળકોનું ભવિષ્ય ગુમાવ્યું છે. આ સાથે જ ખરગેએ આંદોલન દરમિયાન શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર લાઠી, ડંડા અને પેલેટ ગન ચલાવનારા જવાબદાર અધિકારીઓ સામે તાત્કાલિક અને કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ પણ કરી છે.
બીજી તરફ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાને "મોડું પણ યોગ્ય" ગણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે શિક્ષણ મંત્રી સતત 'પેપર લીક' જેવા ગંભીર શબ્દનો ઉપયોગ કરવાથી બચતા હતા અને તેને માત્ર નાની-મોટી 'અનિયમિતતાઓ' ગણાવીને ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ કરતા રહ્યા હતા. શરૂઆતથી જ પોતાની ભૂલ સ્વીકારવાનો ઇનકાર કરવાથી કોઈ નિષ્પક્ષ તપાસ કે જવાબદેહી શક્ય નહોતી. વિપક્ષ અને યુવા શક્તિની ખડક જેવી એકતા સામે અંતે સત્તાધીશોને નમતું જોખવું પડ્યું છે.
(7:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
