<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd November 2026

શિયાળુ સત્રની તારીખો પર સસ્પેન્સ વચ્ચે સંસદમાં રાજકીય ઘમાસાણ: સપા-કોંગ્રેસના આકરા પ્રહાર : ભાજપનો પલટવાર

સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસે શિયાળુ સત્રમાં વિલંબ બદલ સરકારને ઘેરતા લોકશાહી પરંપરા અને જાહેર મુદ્દાઓ ટાળવાનો આરોપ લગાવ્યો : ભાજપે સંસદીય બાબતોના મંત્રીના પ્રતિભાવ અને મહિલા અનામત પરના સ્પષ્ટ વલણનો ઉલ્લેખ કરી વળતો જવાબ આપ્યો

નવી દિલ્હી:  સંસદના શિયાળુ સત્રની તારીખો જાહેર થવામાં થઈ રહેલા વિલંબને લઈને દિલ્હીના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. સામાન્ય રીતે નવેમ્બરના બીજા કે ત્રીજા સપ્તાહમાં અથવા ડિસેમ્બરની શરૂઆતમાં શિયાળુ સત્ર શરૂ થતું હોય છે, પરંતુ હજુ સુધી સત્તાવાર જાહેરાત ન થતા વિપક્ષે સરકાર પર આકરા પ્રહારો શરૂ કર્યા છે. સમાજવાદી પાર્ટીના સાંસદ અવધેશ પ્રસાદે આરોપ લગાવ્યો છે કે સરકાર મહિલા અનામત અને સીમાંકન સંબંધિત મુદ્દાઓ પર સંખ્યાબળ એકઠું કરવાનો પ્રયાસ કરી રહી છે, જ્યારે વિપક્ષ ખેડૂતોની સમસ્યાઓ, બેરોજગારી અને ચીન સાથેના સરહદી તણાવ જેવા મહત્વના વિષયો પર સંસદમાં ચર્ચા ઈચ્છે છે.

કોંગ્રેસના સાંસદ પ્રમોદ તિવારીએ પણ શિયાળુ સત્રમાં વિલંબને લઈને સરકારને નિશાન બનાવતા કહ્યું છે કે સરકાર વિપક્ષના અવાજ અને જાહેર પ્રશ્નોને ટાળી રહી છે. તેમણે સવાલ ઉઠાવ્યો છે કે શું આ વખતે નિયમિત શિયાળુ સત્ર યોજાશે નહીં કે માત્ર થોડા દિવસો માટે ખાસ સત્ર બોલાવવામાં આવશે, તેમજ તેમણે વિપક્ષના મુદ્દાઓ દબાવવા અને લોકશાહી પરંપરાઓનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે.

બીજી તરફ, વિપક્ષના આરોપો પર ભાજપના સાંસદ રવિશંકર પ્રસાદે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે સત્ર બોલાવવામાં વિલંબ અને સંસદીય કામકાજ અંગે સંસદીય બાબતોના મંત્રી વિગતવાર જવાબ આપશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સરકારે મહિલા અનામત પર પોતાનું વલણ અગાઉથી જ સ્પષ્ટ કરી દીધું છે અને ૫૪૩ બેઠકો પર એક તૃતીયાંશ અનામત અંગે સરકારની સ્થિતિ સ્પષ્ટ છે. આરોપ-પ્રત્યારોપની આ રાજનીતિ વચ્ચે હવે સૌની નજર શિયાળુ સત્રની સત્તાવાર તારીખો અને સંસદીય બાબતોના મંત્રીના જવાબ પર ટકેલી છે.

(6:15 PM IST)