<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th November 2026

બાંગ્લાદેશમાં ફરી રાજકીય હિંસા ભડકી: બોમ્બધડાકા અને આગચંપીથી હાહાકાર

શેખ હસીનાના પક્ષનો આજે દેશવ્યાપી બંધ: મોહમ્મદ યુનુસના પારિવારિક મકાનમાં આગ: ૨૮ જિલ્લાઓમાં ૧૦ દિવસથી હિંસક તોફાનો: ૪ મોત, ગ્રામીણ બેન્કની ૩૭થી વધુ શાખાઓ અને કચેરીઓને નિશાન બનાવાઈ: સુરક્ષાદળો તૈનાત

ઢાકા : બાંગ્લાદેશમાં પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના અવામી લીગ પક્ષ દ્વારા આજે ૧૯ નવેમ્બરે જાહેર કરાયેલા દેશવ્યાપી બંધને પગલે રાજકીય તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. બોમ્બધડાકા, આગચંપી અને અથડામણો વચ્ચે પૂર્વ વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસના ચટગાંવસ્થિત પારિવારિક મકાનમાં પણ આગ લાગી હતી.

 

બાંગ્લાદેશમાં છેલ્લા દસ દિવસ દરમિયાન ઓછામાં ઓછા ૨૮ જિલ્લાઓમાં દેશી બોમ્બના વિસ્ફોટ અને વાહનો સળગાવવાના બનાવો નોંધાયા છે. છેલ્લા બે દિવસની અલગ અલગ હિંસક ઘટનાઓમાં ચાર લોકોનાં મોત થયાં હોવાનું સ્થાનિક અહેવાલોમાં જણાવાયું છે.

 

ગોપાલગંજમાં પોલીસ મથક, સુરક્ષાદળોનાં વાહનો અને સત્તાધારી બીએનપીના સાંસદનાં મકાનને નિશાન બનાવવામાં આવ્યાં હતાં. બીજી તરફ મોહમ્મદ યુનુસે સ્થાપેલી ગ્રામીણ બેન્કની ઓછામાં ઓછી ૩૭ શાખાઓ અને કચેરીઓ ઉપર આગચંપી અથવા આગ લગાવવાના પ્રયાસો થયા હોવાનું નોંધાયું છે.

 

ચટગાંવના પાંચલાઇશ વિસ્તારમાં યુનુસના પરિવારના ચાર માળના મકાનના નીચેના ભાગમાં બુધવારે મોડી રાત્રે આગ લાગી હતી. પોલીસે આગ બુઝાવી દીધી હતી. આ ભાગ છેલ્લા ૧૦થી ૧૫ વર્ષથી વપરાશમાં નહોતો. આગનું ચોક્કસ કારણ જાણવા તપાસ ચાલી રહી છે.

 

સરકારે હિંસા રોકવા વધારાનાં અર્ધલશ્કરી દળો તૈનાત કર્યાં છે. શેખ હસીનાની બાંગ્લાદેશમાં વાપસીના પ્રશ્ને રાજકીય સંઘર્ષ વધુ ઉગ્ર બન્યો છે. 

(9:38 AM IST)