<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 11th September 2026

૭૨મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ દિલ્હી બહાર ગુજરાતના એકતા નગર યોજાતાં રાજકારણ ગરમાયું: મહારાષ્ટ્રના નેતાઓના વિરોધ વચ્ચે પરેશ રાવલનો સણસણતો સવાલ—‘શું ગુજરાત બાંગ્લાદેશ કે પાકિસ્તાનમાં છે?’

મુંબઈ અને દિલ્હીનું મહત્વ ઘટાડવાનો આરોપ લગાવી સંજય રાઉતે આપી બહિષ્કારની અપીલ; તો સામે પક્ષે બોલિવૂડ દિગ્ગજ પરેશ રાવલે ગુજરાત વિરોધી રાજકારણને લીધું આડે હાથ.

એકતા નગર (કેવડિયા), તા.૧૧: ભારતીય સિનેમાના ૭૨ વર્ષના ઐતિહાસિક કાર્યકાળમાં પહેલીવાર રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર (National Film Awards) સમારોહ દેશની રાજધાની દિલ્હીની બહાર ગુજરાતના સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતા નગર (કેવડિયા) ખાતે યોજાવા જઈ રહ્યો છે. આગામી ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ આયોજિત થનારા આ પ્રતિષ્ઠિત ૭૨મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ સમારોહના સ્થળ પરિવર્તનને લઈને દેશના રાજકારણ અને ફિલ્મ જગતમાં ભારે ઘમાસાણ મચી ગયું છે. ખાસ કરીને મહારાષ્ટ્રના પ્રમુખ રાજકીય ચહેરાઓ આ નિર્ણય સામે ભારે અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે, જેની સામે અભિનેતા પરેશ રાવલે આકરા પ્રહારો કરીને વિરોધીઓની બોલતી બંધ કરી દીધી છે.

 

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરે, શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરે અને સાંસદ સંજય રાઉતે આ નિર્ણય સામે ગંભીર વિરોધ નોંધાવ્યો છે. રાજ ઠાકરેએ તીખો સવાલ ઉઠાવ્યો હતો કે મુંબઈનું મહત્વ ઘટાડ્યા બાદ હવે શું દિલ્હીની ગરિમા ઓછી કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે? તેમણે યાદ અપાવ્યું હતું કે દાદાસાહેબ ફાળકેએ મહારાષ્ટ્રમાં ભારતીય સિનેમાનો પાયો નાખ્યો હતો અને દક્ષિણ ભારત તથા મહારાષ્ટ્રમાં સૌથી વધુ ફિલ્મો બને છે, તો પછી માત્ર ગુજરાતની જ પસંદગી કેમ કરવામાં આવી? બીજી તરફ શિવસેના સાંસદ સંજય રાઉતે આ પગલાને રાજકીય એજન્ડા ગણાવીને દેશભરના કલાકારોને સમારોહનો બહિષ્કાર કરવા અપીલ કરી છે.

 

આ રાજકીય વિવાદ વચ્ચે પ્રખ્યાત અભિનેતા પરેશ રાવલે મહારાષ્ટ્રના નેતાઓને સણસણતો જવાબ આપતા પૂછ્યું હતું કે, "શું ગુજરાત બાંગ્લાદેશ કે પાકિસ્તાનમાં છે? ગુજરાત પણ આપણા જ દેશનો એક અવિભાજ્ય ભાગ છે, તો પછી ત્યાં આવા રાષ્ટ્રીય કક્ષાના ભવ્ય કાર્યક્રમો કેમ ન થઈ શકે?" તેમણે ઉમેર્યું હતું કે આવા રાષ્ટ્રીય આયોજનો દેશના ખૂણે-ખૂણે દરેક રાજ્યમાં યોજાવા જોઈએ. ઉલ્લેખનીય છે કે ૧૯૫૪માં નવી દિલ્હીના વિજ્ઞાન ભવનથી શરૂ થયેલા આ એવોર્ડ્સમાં પ્રથમ સર્વશ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર મરાઠી ફિલ્મ 'શ્યામચી આઈ'ને મળ્યો હતો. આ વર્ષે 'આર્ટિકલ 370'ને બેસ્ટ ફીચર ફિલ્મ, 'સ્વાતંત્ર્ય વીર સાવરકર'ને બેસ્ટ ડેબ્યૂ ડિરેક્ટર અને સાઉથ સુપરસ્ટાર મમૂટી તથા કાર્તિક આર્યનને સંયુક્ત રીતે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે.

(4:14 PM IST)