News of Sunday, 10th May 2026
સ્વામી અવિમુક્તેશ્વરાનંદની 'ગવસ્થિતિ યાત્રા'માં ધર્મ કરતાં રાજકારણનો રંગ વધુ ઘેરો: ગૌરક્ષાના બહાને વિપક્ષી નેતાઓનું શક્તિ પ્રદર્શન અને જનતાની સૂચક ગેરહાજરી
૮૧ દિવસના સંકલ્પ સાથે નીકળેલી યાત્રા સાત દિવસમાં જ વિપક્ષનું નવું રાજકીય મંચ બની ગઈ: સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસના દિગ્ગજોએ સંભાળ્યું સુકાન, ગોરખપુરથી ગાઝીપુર સુધી સામાન્ય લોકોની પાંખી હાજરી વચ્ચે નેતાઓના તોતિંગ નેટવર્કથી અનેક પ્રશ્નાર્થો સર્જાયા

ગાઝીપુર: સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી દ્વારા ગાયોની સુરક્ષાના ઉમદા ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવેલી 'ગવસ્થિતિ યાત્રા' હવે શુદ્ધ ધાર્મિક પથ પરથી ફંટાઈને રાજકીય અખાડામાં ફેરવાઈ ગઈ હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. ૨જી મેના રોજ પ્રારંભ થયેલી આ ૮૧ દિવસીય યાત્રાના પ્રથમ સાત દિવસના અહેવાલો મુજબ, આયોજનના પાયામાં ગૌભક્તો કરતા રાજકીય માથાઓ વધુ સક્રિય જણાયા છે. ગોરખપુર, કુશીનગર અને દેવરિયા જેવા જિલ્લાઓમાં જોવા મળ્યું છે કે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ જ ભીડ એકઠી કરવાથી લઈને સ્વાગત સમારોહ સુધીની તમામ જવાબદારીઓ ઉપાડી લીધી છે, જ્યારે બીજી તરફ સામાન્ય જનતાની સ્વયંભૂ ભાગીદારી અત્યંત મર્યાદિત રહી છે.
યાત્રાના વિવિધ પડાવો પર નજર કરીએ તો, કુશીનગરમાં પૂર્વ મંત્રી રાધેશ્યામ સિંહ અને દેવરિયામાં સપાના મુરલી મનોહર જયસ્વાલ તેમજ કોંગ્રેસના વશિષ્ઠ ગોસ્વામીએ મોરચો સંભાળ્યો હતો. બલિયામાં તો રાજકીય પ્રભાવ પરાકાષ્ઠાએ જોવા મળ્યો, જ્યાં સપાના પૂર્વ અધ્યક્ષ સંજય ઉપાધ્યાય અને પ્રભાવશાળી નેતા નીરજ સિંહ "ગુડ્ડુ" ના નેટવર્કે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. ગોરખપુરમાં રથયાત્રાને લક્ઝરી બસમાં ફેરવી નાખવામાં આવી અને બાહુબલી રાજકારણના વારસદાર વિનય શંકર તિવારી સાથેની સ્વામીની મુલાકાતે આ યાત્રાની નૈતિક દિશા સામે મોટા સવાલો ઉભા કર્યા છે.
યાત્રાના સાતમા દિવસે ગાઝીપુરમાં પણ આ જ પેટર્નનું પુનરાવર્તન થતા, હવે લોકોમાં એવી ચર્ચા જાગી છે કે શું ગૌરક્ષા જેવા સંવેદનશીલ મુદ્દાનો ઉપયોગ કરીને સમાંતર રાજકીય કથા તૈયાર કરવામાં આવી રહી છે. ગાઝીપુરમાં આયોજકો તરીકે સપાના મુન્નન યાદવ અને કોંગ્રેસના જિલ્લા પ્રમુખ સુનીલ રામ અગ્રેસર રહ્યા હતા. જે યાત્રામાં સામાન્ય લોકોનો ધોધ વહેવો જોઈતો હતો, ત્યાં માત્ર પૂર્વ-આયોજિત નેટવર્ક અને વિપક્ષી ચહેરાઓનું વર્ચસ્વ જોવા મળતા આ યાત્રા તેના મૂળ ઉદ્દેશ્યને બદલે આગામી સમયના રાજકીય ગઠબંધનનું પૂર્વાભ્યાસ હોય તેમ જણાઈ રહ્યું છે.
(1:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
