<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th September 2026

દિલ્હીમાં મણિપુરી ગિટારવાદકની નિર્મમ હત્યા બાદ રાજકારણ ગરમાયું: રાહુલ ગાંધી અને કિરેન રિજિજુ વચ્ચે આમને-સામને તીખી તકરાર

"આમાં ભાજપ ક્યાંથી આવ્યો?": કેન્દ્રીય મંત્રી રિજિજુએ રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન, પોલીસે સગીર સહિત ૮ આરોપીઓની ધરપકડ કરી રચ્યો તપાસનો ઘેરો

નવી દિલ્હી : દક્ષિણ-પૂર્વ દિલ્હીના કિલોકરી ગામમાં મણિપુરના જાણીતા ગિટારવાદક અને સંગીત શિક્ષક હોંગથમ વિક્રમ સિંહ (૫૪) ની નિર્દયતાથી માર મારીને કરાયેલી હત્યા બાદ દેશની રાજધાનીમાં ભારે રોષ અને રાજકીય વિવાદ ફાટી નીકળ્યો છે. વિક્રમ સિંહનો વાંક માત્ર એટલો જ હતો કે તેમણે પોતાના ઘર નજીક આવેલા એક ઢાબાના ડિલિવરી બોયઝ અને સ્ટાફને મોડી રાત્રે અવાજ ઓછો કરવા વિનંતી કરી હતી. આ વાતથી ઉશ્કેરાયેલા અસામાજિક તત્વોએ તેમના ઘરમાં ઘૂસીને લોહિયાળ હુમલો કર્યો હતો. લોહીલુહાણ પિતાને પુત્ર પીઠ પર ઊંચકીને હોસ્પિટલ દોડી ગયો હતો, પરંતુ સારવાર દરમિયાન તેમનું કરૂણ મોત નીપજ્યું હતું.

 

આ ઘટનાએ પૂર્વોત્તર (North East) ના લોકોની સુરક્ષા અને દિલ્હીની કાયદો-વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને દિલ્હી પોલીસ પર આકરા પ્રહારો કરતા લખ્યું કે, "દેશની રાજધાનીમાં પોતાના જ ઘર બહાર એક પિતાની હત્યા કરી દેવાય છે. દિલ્હીમાં રહેતા પૂર્વોત્તરનો દરેક પરિવાર આજે પૂછી રહ્યો છે કે શું તેઓ અહીં સુરક્ષિત છે?" રાહુલ ગાંધીના આ નિવેદન સામે કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ આકરો પલટવાર કરતા કહ્યું કે, "આવા દુઃખદ પ્રસંગે રાજકારણ ન રમવું જોઈએ. આમાં ભાજપ ક્યાંથી આવ્યો? પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી તમામ આરોપીઓને જેલભેગા કર્યા છે અને કોર્ટમાં ૮ થી ૯ દિવસમાં ચાર્જશીટ રજૂ કરી કડકમાં કડક સજા અપાવાશે."

 

પોલીસે તમામ આરોપીઓની કરી ધરપકડ

 

દિલ્હી પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ભરત કુમાર, પ્રમોદ, રમઝાન ખાન, વિજય, દીપાંશુ, મોહન વિશ્વકર્મા અને મન્નુ નામના ૭ પુખ્ત વયના શંકાસ્પદોની ધરપકડ કરી છે અને એક સગીરની અટકાયત કરી છે. આ તમામ સ્થાનિક ખાણીપીણીના સ્થળોએ પેકેજિંગ અને ડિલિવરી બોય તરીકે કામ કરે છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા હેઠળ ટોળા દ્વારા હત્યા (મૂવ લિંચિંગ) ની ગંભીર કલમો ઉમેરીને કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

 

'અમે બદલો નથી માંગતા, અમને ન્યાય જોઈએ છે' - પરિવારની દર્દનાક અપીલ

 

મણિપુરના પ્રખ્યાત રોક બેન્ડ 'ફોનિક્સ' અને 'અલ્ટ્રા વાયરસ' ના મુખ્ય ગિટારવાદક રહી ચૂકેલા વિક્રમ સિંહ છેલ્લા ૧૭ વર્ષથી દિલ્હી સ્કૂલ ઓફ મ્યુઝિક સાથે જોડાઈને સંગીત શીખવતા હતા. તેમના અકાળે અવસાનથી શોકગ્રસ્ત તેમની પત્ની જોશના હોંગથમે અત્યંત ભાવુક અપીલ કરતાં કહ્યું કે, "અમે કોઈની સાથે બદલો લેવા નથી માંગતા, અમારે માત્ર ન્યાય જોઈએ છે. અમારું જે નુકસાન થયું છે તે દેશના અન્ય કોઈ પરિવાર સાથે ન થવું જોઈએ." પૂર્વોત્તરના નાગરિકોની સુરક્ષા માટે દિલ્હી પોલીસનો સ્પેશિયલ સેલ પણ સતત પરિવારના સંપર્કમાં છે.

(7:51 PM IST)