News of Tuesday, 29th September 2026
ચૂંટણી પંચના મુદ્દે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે રાજકારણ ગરમાયું: સ્મૃતિ ઈરાનીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું- હારની આત્મસમીક્ષા કરવાના બદલે પંચ પર આરોપો મૂકી રહી છે પાર્ટી
કર્ણાટક, પંજાબ અને હિમાચલ પ્રદેશમાં ચૂંટણી પંચ યોગ્ય લાગે છે તો અન્ય રાજ્યોમાં કેમ સવાલો ઉઠાવો છો?: વિવાદાસ્પદ મુદ્દાઓ અને SIR પ્રક્રિયાને લઈને ભાજપ નેતાએ કોંગ્રેસને ઘેરી

નવી દિલ્હી : દેશમાં ચૂંટણી પંચની કામગીરી અને ચૂંટણી પ્રક્રિયાને લઈને સત્તાધારી પક્ષ ભાજપ અને વિપક્ષી પાર્ટી કોંગ્રેસ વચ્ચે શાબ્દિક યુદ્ધ પૂરઝડપે ચાલી રહ્યું છે. તાજેતરમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક દરમિયાન રાહુલ ગાંધી દ્વારા વર્ષ ૨૦૨૪ની લોકસભા ચૂંટણીને લઈને પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા અને તેને છેતરપિંડી ગણાવવામાં આવી હતી. આ નિવેદન બાદ ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે અને કટાક્ષ કરતા જણાવ્યું છે કે કોંગ્રેસ પોતાની હારની હકીકત સ્વીકારીને તેની સમીક્ષા કરવાના બદલે પાયા વિહોણા આરોપો લગાવી રહી છે.
સ્મૃતિ ઈરાનીના સવાલો: જ્યાં કોંગ્રેસ જીતે ત્યાં પંચ સાચું અને હારે ત્યાં ખોટું કેમ?
સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસને આડેહાથ લેતા સવાલ ઉઠાવ્યો હતો કે હિમાચલ પ્રદેશ, પંજાબ, કેરળ અને કર્ણાટક જેવા રાજ્યોમાં જ્યાં ભાજપ સત્તા પર નથી, ત્યાં ચૂંટણી પંચની કામગીરી કોંગ્રેસને યોગ્ય લાગે છે? તો પછી અન્ય રાજ્યોમાં ચૂંટણી પંચ સામે કેમ સવાલો ઊભા કરવામાં આવે છે? તેમણે ઉમેર્યું હતું કે કોંગ્રેસ પક્ષ પોતાની હારની નૈતિક જવાબદારી સ્વીકારવાથી બચી રહ્યો છે અને જનતા સમક્ષ ખોટો ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.
મતદાર યાદી અને એસઆઈઆર (SIR) પ્રક્રિયા પર પણ સાધ્યું નિશાન
કોંગ્રેસ દ્વારા એસઆઈઆર પ્રક્રિયા પર તાત્કાલિક રોક લગાવવાની અને દૂર કરવામાં આવેલા લાખો મતદારોના નામ ફરીથી જોડવાની માંગ કરવામાં આવી હતી, જેના પર પલટવાર કરતા સ્મૃતિ ઈરાનીએ પૂછ્યું કે કોંગ્રેસ શા માટે મતદાર યાદીમાં એવા લોકોના નામ જાળવી રાખવા માંગે છે જેઓ મૃત્યુ પામ્યા છે અથવા જેમના નામ ડબલ એન્ટ્રી તરીકે બે વાર નોંધાયેલા છે? ચૂંટણી પંચ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે નોટિસ મેળવનાર વ્યક્તિઓ માટે ઘરે-ઘરે જઈને દસ્તાવેજો એકત્ર કરવાની અને વ્યક્તિગત ચકાસણીની પારદર્શક પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ સાથે જ તેમણે ઇતિહાસના લાહોર અધિવેશન અને બ્રિટિશ શાસનકાળની વાતો ટાંકીને કોંગ્રેસની નીતિઓ પર પણ સવાલો ઉઠાવ્યા હતા.
(8:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
