<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th June 2026

G7 સમિટમાં પીએમ મોદી અને મેલોનીની ઇન્સ્ટા રીલ્સ પરની ચર્ચાથી રાજકારણ ગરમાયું: "દેશમાં યુવાનો રસ્તા પર છે અને પીએમ મજાક કરી રહ્યા છે": કોંગ્રેસનો સણસણતો પ્રહાર

અમેરિકામાં ત્રણ ભારતીયોની હત્યા અને દેશની આંતરિક સમસ્યાઓ વચ્ચે વડાપ્રધાનના આવા વલણ સામે વિપક્ષે ઉઠાવ્યા ગંભીર સવાલો

નવી દિલ્હી:  ફ્રાન્સના એવિયનમાં યોજાયેલી હાઈ-પ્રોફાઈલ G7 સમિટમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીના કેટલાક વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ભારતીય રાજકારણમાં એક નવું તોફાન આવી ગયું છે. સમિટ દરમિયાન બંને નેતાઓ વચ્ચે અત્યંત ઉષ્માભર્યું અભિવાદન અને હળવાશભરી ક્ષણો જોવા મળી હતી, પરંતુ આ દરમિયાન થયેલી એક કથિત વાતચીત પર મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસે લાલચોળ થઈને પીએમ મોદી પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસના ફાયરબ્રાન્ડ પ્રવક્તા સુપ્રિયા શ્રીનાતે વડાપ્રધાનની આકરી ટીકા કરતા કહ્યું કે, જ્યારે અમેરિકામાં ત્રણ-ત્રણ ભારતીયોની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હોય અને દેશના યુવાનો પોતાની માગણીઓ સાથે રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા હોય, ત્યારે દેશના વડાપ્રધાન આંતરરાષ્ટ્રીય મંચ પર ઇન્સ્ટાગ્રામ રીલ્સ વિશે મજાક ઉડાવે તે અત્યંત આઘાતજનક અને ચિંતાજનક બાબત છે.
સમિટની બહાર ગ્રુપ ફોટોના સમયે જ્યારે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સહિતના વૈશ્વિક નેતાઓ હાજર હતા, ત્યારે મેલોનીએ સ્મિત સાથે પીએમ મોદીનું સ્વાગત કરતા કહ્યું હતું કે, "તમને ફરીથી જોઈને આનંદ થયો." ત્યારબાદ સોશિયલ મીડિયા પર લોકપ્રિયતાના સંદર્ભમાં વાત કરતા ઇટાલીના મહિલા પીએમએ હસીને જવાબ આપ્યો હતો કે, "હા, આપણે બંને ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ પ્રખ્યાત છીએ!" જો કે, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ ક્લિપનો ઓડિયો સંપૂર્ણ સ્પષ્ટ નથી, જેના કારણે ઇન્ટરનેટ યુઝર્સમાં ભારે રહસ્ય સર્જાયું છે. કેટલાક લોકો આ વીડિયોને સો ટકા સાચો માની રહ્યા છે, તો વળી ટેકનોલોજીના નિષ્ણાતો શંકા વ્યક્ત કરી રહ્યા છે કે આ વીડિયો કદાચ અત્યાધુનિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ડીપફેક ટેકનોલોજી દ્વારા બનાવવામાં આવ્યો હોઈ શકે છે.

આ જ સમિટ દરમિયાન વૈશ્વિક નેતાઓની ઔપચારિક બેઠકો સિવાય પણ એક અત્યંત રસપ્રદ નજારો જોવા મળ્યો હતો, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝ, યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન, બ્રિટિશ પીએમ કીર સ્ટારમર અને એન્ટોનિયો કોસ્ટા સાથેની એક અનૌપચારિક મુલાકાતમાં જ્યોર્જિયા મેલોનીએ પોતાની પર્સનલ લાઈફનો એક મોટો ખુલાસો કર્યો હતો. મેલોનીએ હસતા હસતા તમામ દિગ્ગજ નેતાઓને કહ્યું કે, "મેં બરાબર એક મહિના પહેલા જ સ્મોકિંગ (ધૂમ્રપાન) સંપૂર્ણપણે છોડી દીધું છે. હવે ઇન્ટરનેશનલ મિટિંગોમાં મારી જાતને ફ્રેશ અને જાગૃત રાખવા માટે હું માત્ર કોફી પર જ નિર્ભર છું, અને આજના થાકને દૂર કરવા માટે મેં અત્યાર સુધીમાં ત્રણ કપ કડક કોફી પી લીધી છે!" રાજદ્વારી ગંભીરતા વચ્ચે નેતાઓની આ અંદાજની ચર્ચાઓએ ડિજિટલ દુનિયામાં ભારે આકર્ષણ જમાવ્યું છે.

(10:15 PM IST)